Dakshin Gujarat

સોનગઢ રેફરલ હોસ્પિટલે ઓ-પોઝિટિવને બદલે દર્દીને એ-પોઝિટિવ લોહી ચઢાવવા કહ્યું!

વ્યારા: સોનગઢ રેફરલ હોસ્પિટલમાં દર્દીનું લોહીનું ગ્રુપ ઓ-પોઝિટિવ હતો છતાં રિપોર્ટમાં લોહીનું એ-પોઝિટિવ ગ્રુપ લખી શારીરિક અત્યંત ગંભીર ગણી શકાય તેવી નિષ્કાળજી દાખવી હોવાની બાબત પ્રકાશમાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ કોઈને બીજા બ્લડ ગ્રુપનું લોહી ચઢાવવામાં આવે તો તેની કિડની ફેલ થવાનું જોખમ રહે છે. એટલું જ નહીં ખોટું બ્લડ દર્દીના લીવરને પણ ખરાબ કરી શકે છે. થોડાક સમય પહેલાં મહારાષ્ટ્રના પુણેની એક હોસ્પિટલમાં આવો બનાવ બન્યો હતો, જેમાં આવી એક નાનકડી ભૂલથી બે દર્દીને ICUમાં મોકલવામાં આવ્યા. જ્યાં એક દર્દીને આપવાનું લોહી ભૂલથી બીજા દર્દીને ચઢાવી દેવામાં આવ્યું હતું. જો કે, વ્યારા બ્લડ બેંકના ટેક્નિશિયનની જાગૃતતાના કારણે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવી પુણા જેવી ઘટનાનું પુનરાવર્તન થતું રહી ગયું છે.

બનાવની વિગત એવી છે કે, સોનગઢ રેફરલ હોસ્પિટલમાં પીપળકૂવાની મહિલા પાનકી છાંતા ગામીત (ઉં.વ.૮૦)ને સારવાર દરમિયાન ગત ૩ ડિસેમ્બરે લોહીની જરૂરિયાત વર્તાતાં રેફરલ હોસ્પિટલના વહીવટકર્તાઓએ વૃદ્ધાના લોહીનું પરીક્ષણ કર્યું હતું, જેમાં બ્લડ ગ્રુપ એ-પોઝિટિવ જણાવી વ્યારાના શ્રીમતી એલ.કે.પટેલ રક્તદાન કેન્દ્રમાંથી લોહી લાવવા તેના સગાને ફોર્મ ભરીને આપ્યું હતું. ફોર્મમાં જણાવ્યા મુજબનું એ-પોઝિટિવ લોહી લેવા માટે દર્દીના સગાને લોહીની વ્યવસ્થા કરવા લોહીનો નમૂનો પણ સાથે આપ્યો હતો. દર્દીના સગાએ વ્યારાની બ્લડ બેંકમાં ફોર્મ સાથે લોહીનો નમૂનો આપતાં બ્લડ બેંક દ્વારા ચેક કરેલા આ લોહીનો નમૂનો ઓ-પોઝિટિવ નીકળતાં વ્યારાના હોસ્પિટલના વહીવટકર્તાઓ મૂંઝવણમાં મુકાયા હતા.
વ્યારા બ્લડ બેંકના ટેક્નિશિયને સોનગઢ રેફરલ હોસ્પિટલનો સંપર્ક કરી દર્દીના લોહીના ગ્રુપની ફરી તપાસ કરવા કહ્યું હતું. સોનગઢ હોસ્પિટલમાં દર્દીના લોહીની ફરી તપાસ કરતાં તે ઓ-પોઝિટિવ નીકળ્યું હતું. ત્યારબાદ દર્દીના સગાએ ઓ-પોઝિટિવ લોહીની વ્યવસ્થા કરવા ફરી કસરત કરવી પડી હતી. જો એ-પોઝિટિવ લોહી બ્લડ બેંક તરફથી નમૂનો ચેક કર્યા વગર આપવામાં આવ્યું હોત તો પુણાની હોસ્પિટલ જેવી બેદરકારીનાં પુનરાવર્તનની ઘટના તાપી જિલ્લામાં પણ બની હોત અને દર્દીને તેનું ગંભીર પરિણામ ભોગવવું પડ્યું હોત.

Most Popular

To Top