વ્યારા: (Songadh) સોનગઢના ખેરવાડા ગામે બંગલી ફળિયામાં રહેતા કમરઅલી ગુલઝારઅલી ફકીર (ઉં.વ.૩૨)એ કોઈપણ દબાણ વિના સ્વૈચ્છિક રીતે હિન્દુ (Hindu) ધર્મ સ્વીકાર્યો છે. જે અંગે કલેક્ટર કચેરીએ એફિડેવિટ રજૂ કરી કાયદાકીય રીતે પણ મંજૂરી મેળવી યુવકે હિન્દુ ધર્મ પ્રમાણે મંદિરમાં પૂજા-અર્ચના કરી પૂજારીનાં આશીર્વાદ પણ મેળવ્યાં હતાં.
- સોનગઢના ખેરવાડા ગામના મુસ્લિમ યુવકે હિંદુ ધર્મ સ્વીકાર્યો
- કલેક્ટર કચેરીએ એફિડેવિટ રજૂ કરી કાયદાકીય રીતે મંજૂરી મેળવી
સોનગઢ તાલુકાના ખેરવાડા ગામના બંગલી ફળિયાના કમરઅલી ગુલઝારઅલી ફકીરે ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મમાંથી હિન્દુ ધર્મ સ્વીકારવા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય નિયમો-૨૦૦૮ની જોગવાઇઓને લઇ કરેલી અરજી તાપી કલેક્ટરે માન્ય રાખી હતી. કમરઅલી ફકીરે મુસ્લિમ નામ બદલી નવું હિન્દુ નામ ભોલાશંકર રાખ્યું હોવાનું જાહેર કર્યું છે. ઉચ્છલના ગવાણ ગામના મહંત રુદ્ર પ્રમોદપુરીના માર્ગદર્શન હેઠળ હિન્દુ ધર્મ અપનાવ્યો હોવાનું જણાવ્યું છે. હિન્દુ ધર્મ સ્વીકારનાર ભોલાશંકરે જણાવ્યું હતું કે, તેમના દાદા પરદાદા સનાતની હતા. તેણે વધુમાં ઉમેર્યું હતું કે, આપણું મૂળ વતન ભારત દેશ છે. ભારતમાં બધા જ સનાતન ધર્મમાં માનનારા લોકો વસવાટ કરે છે. મારા દાદા પરદાદા જેને પૂજતા હતા. જેથી મારી ઇચ્છા પણ જાગૃત થઈ હતી.