સોનમ કપૂરનો અક્કલ વિનાની કહેવી તો ઠીક ન લાગે પણ અત્યારે તેને આમ કહો તો ખોટું કહેવાય એવું ય નથી. જો તેની પર તેના બાપનું એટલે કે અનિલ કપૂરનું ચાલતું હોત તો સામે ચાલીને કારકિર્દી બગાડવા દીધી ન હોત. કરિશ્મા અને કરીના કપૂરની કારકિર્દી એટલે બની કે તેની પાછળ બબીતાનું એક પ્રોફેશનલ દિમાગ કામ કરતું હતું. ફિલ્મ એક પ્રોફેશન જ છે અને શરૂઆતના વર્ષો તમારી ઇમેજ ઊભી કરવામાં જાય છે. તેને રોકાણના વર્ષો ગણવા જોઇએ.
એ રોકાણ પછી જ વધારે ફિલ્મો મળતી થાય. સોનમ કપૂર ‘નીરજા’ ફિલ્મથી ઊંચકાઇ પણ પછી તેનો ફાયદો ઉઠાવવા પહેલાં પરણી ગઇ. તેણે ‘પેડમેન’ અને ‘સંજુ’ ફિલ્મ પણ સ્વીકારવી જેવી નહોતી કારણ કે તે હીરોઇન તરીકેની ભૂમિકા ન હતી. ‘વીરે દી વેડિંગ’ પણ તેના માટેની ફિલ્મ નહોતી કારણ કે કરીના કપૂર, સ્વરા ભાસ્કરની પણ ભૂમિકા સાથે તુલના થવાની હતી. ‘સંજુ’ તો કોઇ હીરોઇન માટેની ફિલ્મ હતી જ નહીં પરંતુ સોનમ સમજી જ નહીં. હકીકતે તેને કોઇ યોગ્ય ઇમેજ મેનેજરની જરૂર હતી.
અનિલ કપૂરની દિકરી હોવાથી તે રસ્તા પર તો હતી નહીં તો આરામથી ફિલ્મો સિલેકટ કરી શકી હોત. કંગના જુઓ, તાપસી પન્નુ જુઓ. પોતે ઇચ્છે નહીં તે ફિલ્મમાં તેમને કોઇ કામ કરાવી શકતું નથી. ફિલ્મમાં કારકિર્દી બનાવવા ઇચ્છતી અભિનેત્રીઓએ વહેલા પરણવાનો વિચાર ન કરવો જોઇએ. જેનિલિયા ડિસોઝા, ભૂમિકા ચાવલા પરણી ગઇ ને કારકિર્દી અટવાઇ પડી. સલમાન સાથે કારકિર્દી આરંભનાર ભાગ્યશ્રીએ પણ પોતે જ પોતાનું ભાગ્ય બગાડેલું.
હીરો પરણી જાય તો વાંધો ન આવે, હીરોઇન પરણે તો પ્રેક્ષકને ગમતું નથી. ડિમ્પલ કાપડિયાએ લગ્નજીવન બાજુ પર મુકી ફરી ફિલ્મોમાં આવવું પડેલું. સોનમ કપૂરને આવું કહેનાર કોઇ હતું નહિ કે શું? ફિલ્મોની પસંદગીમાં પણ તે ખોટી રહી છે. ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં અનિલ કપૂરનું મહત્ત્વ હતું ને સોનમે રાજકુમાર રાવ સાથે જોડી બનાવેલી. ‘ધ ઝોયા ફેકટર’ ફિલ્મ સારી હતી પણ મનોરંજનની દૃષ્ટિએ નબળી હતી. સોનમ તેમાં પણ માર ખાય ગઇ અને ‘એકે વર્સિસ એકે’ તો અનિલ કપૂર વર્સિસ અનુરાગ કશ્યપ ફિલ્મ હતી હવે તે ‘બ્લાઇન્ડ’માં આવી રહી છે જે 2011ની આ જ નામની કોરિયન ફિલ્મની રિમેક છે.
‘કહાની’, ‘કહાની-2’, ‘બદલોનાં દિગ્દર્શક સુજોય ઘોષના દિગ્દર્શનમાં તે બની રહી છે. સુજોયની ફિલ્મમાં સ્ત્રીપાત્રોનું હમત્ત્વ હોય છે એ જોતાં સોનમને કેન્દ્રિય ભૂમિકા મળી હશે. તેના સિવાયના બીજા કળાકારો કોઇ મોટા નથી. આ ફિલ્મનું શૂટિંગ 13 ફેબ્રુઆરીએ પૂરું પણ થઇ ચુકયું છે અને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવાની છે. સોનમે થિયેટર રિલીઝવાળી ફિલ્મો માટે તત્પરતા દાખવવી જોઇએ. સોનમ હજુ એકટ્રેસ તરીકે ડેવલોપ થઇ રહી હતી અને અટકી પડી છે. આ તો સારું કે લગ્નના ચાર વર્ષ છતાં હજુ તેને સંતાન નથી બાકી નિર્માતા તેની તરફ જુએ પણ નહીં. હવે ‘બ્લાઇન્ડ’ ને જો સારો રિસ્પોન્ડ મળે તો તેણે પોતાની કારકિર્દી રિ-સેટ કરવી જોઇએ. કરીના કપૂરને લગ્ન પછી વાંધો નથી આવ્યો. અનુષ્કા શર્મા પણ પોતાની રીતે પોતાની ઇમેજ મેનેજ કરે છે તો સોનમ શા માટે નહીં ?