મેઘાલયમાં ઇન્દોરના નવપરિણીત કપલ રાજા રઘુવંશીના હત્યા કેસમાં એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. પોલીસે કહ્યું છે કે સોનમ રઘુવંશીએ તેના પ્રેમી રાજ કુશવાહાએ ભેગા મળીને સોનમના પતિ રાજાની હત્યા માટે હત્યારાઓને સોપારી આપી હતી. સોનમનો લગ્ન પહેલા રાજ કુશવાહ સાથે પ્રેમ સંબંધ હતો અને તે જ આ હત્યાનો માસ્ટરમાઈન્ડ છે.
કેસની તપાસમાં જાણવા મળ્યું કે સોનમના પિતા ઇન્દોરમાં એક નાની પ્લાયવુડ ફેક્ટરી ધરાવતા હતા, જ્યાં રાજ કુશવાહા કામ કરતો હતો. સોનમ ઘણીવાર ફેક્ટરી ઓફિસમાં જતી હતી અને અહીં જ તેઓ પ્રેમમાં પડ્યા હતા. રાજ કુશવાહા સોનમ કરતા 5 વર્ષ નાનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પ્રેમ સંબંધને કારણે સોનમે રાજ સાથે મળીને હનીમૂન પર જતા પહેલાં જ રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
શું છે આખો મામલો?
ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મેના રોજ ખૂબ જ ધામધૂમથી થયા હતા. લગ્નના નવ દિવસ પછી 20 મેના રોજ આ દંપતી તેમના હનીમૂન માટે મેઘાલય જવા રવાના થયું. 22 મેના રોજ તેઓ ભાડાના સ્કૂટર પર માવલાખિયાત ગામ પહોંચ્યા અને નોંગરિયાત ગામમાં ‘લિવિંગ રૂટ્સ’ પુલ જોવા માટે 3000 થી વધુ સીડીઓ નીચે ઉતર્યાં.
આ દંપતીએ નોંગરિયાટના શિપ્રા હોમસ્ટેમાં રાત વિતાવી અને 23 મેની સવારે બહાર ગયા. ત્યાર બાદ તેઓ ગુમ થઈ ગયા. 24 મેના રોજ તેમનું સ્કૂટર શિલોંગ-સોહરા રોડ પર સોહરારિમમાં એક કાફેની બહાર ત્યજી દેવાયેલ મળી આવ્યું. 2 જૂનના રોજ વેઇસાવડોંગ ધોધ પાસે એક ઊંડી ખાડીમાં રાજાનો સડો પામેલો મૃતદેહ મળી આવ્યો. દરમિયાન 9 જૂનના રોજ સોનમ ગાઝીપુરમાં મળી આવી.
શિલોંગ પોલીસ સોનમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવા માટે ગાઝીપુર પહોંચી રહી છે. પોલીસ હવે આ હત્યાના કાવતરા અને અન્ય શંકાસ્પદોની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ કેસમાં ચોથા આરોપી આનંદની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સોનમને ગાઝીપુરથી કસ્ટડીમાં લેવામાં આવી છે અને અન્ય ત્રણ આરોપીઓની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી છે.