Entertainment

સોનાક્ષીની કારકિર્દી?ખામોશ…

સોનાક્ષી સિંહા ઝહીર ઇકબાલને પરણી ગઇ તે હજુ પણ ઘણાને ગમ્યું નથી. સોનાક્ષી તો પતિ ઝહીર સાથે બોક્સિંગ ડે ટેસ્ટ માણવા ઓસ્ટ્રેલિયા ઉપડી ગઇ હતી પણ અહીં એવો વિવાદ ઉપડયો કે પોતાના ઘરનું નામ તો રામાયણ હોય અને તમારા ઘરની લક્ષ્મી કોઇ ઉઠાવીને લઇ જાય. શત્રુઘ્ન સિંહાના ઘરનું નામ ‘રામાયણ’ છે. તેમના બધા ભાઇઓના નામ રામાયણના રામ, લક્ષમણ, ભરત, શત્રુઘ્ન પરથી રખાયા છે અને શત્રુઘ્ન બે દિકરાના નામ પણ લવ અને કુશ છે અને છતાં સોનાક્ષી તો મુસ્લિમ અભિનેતાને પરણી ગઇ એટલે લોકો ટીકા કરવા માંડ્યા છે. સોનાક્ષી કે શત્રુઘ્ન આ વિશે બહુ પ્રતિક્રિયા નથી આપતા કારણ કે પ્રતિક્રિયા આપે તો શક્ય છે હિન્દુ કે મુસ્લિમ કોઇ બેમાંથી એક નારાજ થાય. શત્રુઘ્નએ તો ઘણું સાચવીને બોલવું પડે કારણ કે તે તૃણમૂલ કોંગ્રેસનો સાંસદ છે. સોનાક્ષી હિન્દુ તેનો પતિ મુસ્લિમ અને સોનાક્ષી ક્રિસમસ ઉજવવા ઓસ્ટ્રેલિયા ગઇ તેના પરથી કહી શકો કે તે હિન્દુ-મુસ્લિમ-શીખ-ઇસાઇ બધા ધર્મમાં માને છે. સોનાક્ષીના મમ્મી સિંધી સમાજની છે. આજના સમયમાં આવા વિવાદો થતા રહેવા સહજ છે. ‘દબંગ’ ફિલ્મથી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશેલી સોનાક્ષી સફળ નહીં તો પણ જાણીતી એકટ્રેસ છે. તેનું ઝહીરને પરણવું પહેલેથી જ વિવાદમાં ફસાયુ છે પણ જો એ પ્રેમલગ્ન હોય તો તેમાં આટલા વિવાદની જરૂર નથી. હમણાંનો સામાજીક અને રાજકીય માહૌલ આવા લગ્નને ન ચલાવી લે તે ખરું પણ વ્યકિત સ્વાતંત્રયનો મુદ્દો ય છે. સોનાક્ષી-ઝહીરના લગ્નને સાત મહિના થયા તો પણ વિવાદ કરનારા શાંત પડ્યા નથી. આ લગ્નથી સોનાક્ષીથી વધુ શત્રુઘ્ન સિંહાને પરેશાની ઉઠાવવી પડે છે કારણ કે તે એક સમયે ભાજપના નેતા હતા અને અત્યારે ભલે તૃણમૂલ કોંગ્રેસમાં હોય પણ ચૂંટણી સમયે લોકો તેની સામે જ સવાલ કરશે. સોનાક્ષીની અભિનેત્રી તરીકેની કારકિર્દી તો કયારની ધીમી પડી છે. ‘દબંગ’માં સલમાન સાથે તેણે જરૂર નામ કમાયું અને પછી ‘રાઉડી રાઠોડ’, ‘ઓએમજી’, ‘સન ઓફ સરદાર’, ‘વન્સઅપોન એ ટાઇમ ઇન મુંબઇ દોબારા’, ‘ઓલ ઇઝ વેલ’, ‘ટોટલ ધમાલ’, ‘મિશન મંગલ’ વગેરેમાં તેને સફળતા જરૂર મળી પણ તે સફળતા આલિયા ભટ્ટ કે કેટરીના કૈફ કે દિપીકા પાદુકોણને નામે ચડે છે તેવી સફળતા નહોતી. સમજો કે તે ટકી રહી. 2024ના વર્ષમાં ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘કાકુડા’ આવી તે ચાલી નહીં અને તેના કહતાં તો ‘હીરામંડી’ની તેની ભૂમિકા લોકોએ વધુ પસંદ કરી. જો કે સોનાક્ષી કાંઇ ટી.વી. સિરીયલોમાં કામ કરે તેવી નથી. આ તો સંજય લીલા ભણશાલી હતા એટલે કરી લીધું. હમણાં તેની પાસે ‘તું હે મેરી કિરન’ ફિલ્મ છે અને તે ઝહીર ઇકબાલ સાથે જ છે. તેને રજૂ થવા દેશે તો પ્રેક્ષક વચ્ચે આવશે પણ પ્રેક્ષકોની પ્રતિક્રિયા કેવી હોય તે કહેવું મુશ્કેલ છે. બીજી ફિલ્મ તો તેના ભાઇ કુશ સિંહા દિગ્દર્શીત ‘નિકીતા રોય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ’ છે. કુશ તેની બહેનનો આધાર લઇ ફિલ્મ દિગ્દર્શનમાં જગ્યા બનાવવા માંગે છે પણ હવે તે એટલું સહેલું પણ નહીં હશે. અન્ય ફિલ્મ છે ‘ખિલાડી 1080’ જેમાં રકુલ પ્રીત સીંઘ, શેહનાઝ ગીલ પણ છે અને એ ફિલ્મ આ મહિનામાં જ રજૂ થશે. સોનાક્ષી માટે ફિલ્મની કારકિર્દી સરળ નથી રહી અને હવે વધારે મુશ્કેલ લાગે છે. તે એકટ્રેસ ખરાબ નથી છતાં સફળતા તેની સાથે નથી. •

Most Popular

To Top