Entertainment

સોનાક્ષી સિંહાનાં શમણાંમાં સકસેસ સિવાય કાંઇ નથી

સંજય લીલા ભણશાલીની અત્યંત મહત્વાકાંક્ષી વેબસિરીઝ ‘હીરામંડી’માં સોનાક્ષી સિંહા કામ કરશે એ સમાચાર બીજા કોઇથી વધારે સોનાક્ષી માટે ય મોટા છે. ભણશાલીની પસંદગી એકદમ પર્ફેકટ હોય છે અને પછી સખ્ત મહેનત વડે જૂદો ઇમ્પેકટ પણ ઊભો કરે છે. ‘હીરા મંડી’ અત્યારે લાહોરના પાિકસ્તાનમાં છે. એક સમયે તવાયફો અને કોઠા માટે તેનું નામ જાણીતું હતું. મુગલ બાદશાહના દરબારીઓ એ કોઠા પર આવતા. પહેલાં તેનું નામ શાહી મોહલ્લા હતું પછી ‘હીરા મંડી’ થયેલું.

ભણશાલી બહુ વખતથી આ વિષય પર કામ કરતા હતા અને ફિલ્મ બનાવે એમ લાગતું હતું પણ છેવટે નેટફલિકસ પર દર્શાવનારી વેબસિરીઝ તરીકે તે બનવી શરૂ થઇ છે. આ સિરીઝ માટે માધુરી દિક્ષીત, રેખાના નામની ય ચર્ચા હતી પણ આખર સોનાક્ષી અને હુમા કુરેશીના ભાગે ‘હીરા મંડી’ આવી છે. સોનાક્ષીની ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ હમણાં જ રજૂ થઇ છે. હજુ થિયેટરોમાં પ્રેક્ષકો આવવા પૂરતા તૈયાર નથી એટલે એ ફિલ્મ વધારે સફળ નથી થઇ પણ છતાં સોનાક્ષીને આનંદ એ વાતનો છે કે લોકો તેને ‘દબંગ’ શ્રેણીની હીરોઇન તરીકે જ ઓળખાવે તેમાંથી બહાર આવી રહી છે. તે કયારની ઇચ્છતી હતી કે થોડા જુદા વિષય અને પાત્રથી તેનું નામ ઊભું થાય. આ કારણે જ તેણે ‘કલંક’ અને ‘મીશન મંગલ’ માં કામ કરેલું.

‘હેપી ફીર ભાગ જાયેગી’માં કોમેડી કરી હતી. તે સતત જુદા કામ માટે મથે છે એટલે જ ‘લિંગા’ માં રજનીકાંત સાથે કામ કરેલું પણ એ થોડી બદનસીબ રહી છે. અલબત્ત, શસ્ત્રો હેઠા મુકી દેવાનું તે શીખી નથી. શત્રુઘ્નસિંહાની દિકરી છે એટલે એટલી ખુમારી તો હોવાની જ ને! એ કારણે જ તે રજજો પાંડેથી આગળ વધી  હવે ‘બુલબુલ તરંગ’માં બુલબુલ બની છે. તાહિર રાજ ભસીન સાથેની આ ફિલ્મ કામ કરે છે. લગ્નની કેટલાંક એવા નિયમો જેનો સ્ત્રી ભોગ બને છે તેની સામે એક દુલ્હન તરીકે તે લડત ઉપાડે છે. બીજી એક ફિલ્મ ‘કાકુડા’ છે જેમાં તે રિતેશ દેશમુખ સાથે કોમેડી કરશે. તે હવે મોટા સ્ટાર્સની સમાંતરે એવા સ્ટાર્સ સાથે પણ કામ કરે છે. જેમાં પોતાને ય વધારે તક હોય છે. તેની ‘ફોલન’ નામની વેબ સિરીઝ તો આવી જ રહી છે પણ હવે બધાનું ધ્યાન ‘હીરા મંડી’ પર છે.

સોનાક્ષી ઇચ્છે છે કે તેની કારકિર્દી હવે ટર્નિંગ લે. પોતાનું પ્રોમિનન્સ ઘટે તેવું કેવી રીતે ચલાવી લેવાય? તેણે ‘તેવર’માં ‘આજ મૂડ ઇશ્કોહોલીક હે’ ગાયું હતું પણ લોકો તેની પાછળ પાગલ થયા નહોતા. જોકે તે ચાર ફિલ્મમાં ગાઇ ચુકી છે. તેનો પૂરો પ્રયત્ન છે કે કશુંક ખાસ તેની સાથે જોડાય. કદાચ ‘હીરા મંડી’ તેને ખાસ બનાવશે. અત્યારે એક શકયતા એ પણ છે કે તે શાહરૂખ સાથે કામ કરશે. વાત એમ છે કે તમે બજારમાં હો તો કોઇ તમારો ભાવ પૂછો ને સોનાક્ષી બજારમાં ઊભી છે. જયાં સુધી કોઇ યાદગાર સકસેસ ન મળે ત્યાં સુધી તે પરણે તેમ પણ નથી. બાકી ૩૪ વર્ષની થઇ એટલે તેના લગ્નની ચિંતા તો થાય!

Most Popular

To Top