Comments

સોના રે સોના, તુમ મેરે હો ના?

બપ્પી લાહિરી ગોલ્ડ કાઉન્સિલ માટે સોનાની જાહેરખબર કરતા હરતાફરતા કિઓસ્ક સમાન હતા. એમના મૃત્યુ બાદ એમનાં સંતાનોએ કરોડો રૂપિયાના દાગીનાનું ખાનગી મ્યુઝિયમ ઊભું કરવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર અને આંધ્રમાં લોકો હવે સોનાના ખમીસ પહેરે છે. દેશના લોકો તો ખરાં જ, ભગવાનોને પણ સોનું ખાસ પ્રિય છે. દેશ સમૃધ્ધ થઇ રહ્યો છે તેમ તેમ મંદિરોના ગુંબજોને સોનાથી મઢવામાં આવી રહ્યા છે ત્યારે સોનાનો ભાવ ગમે એટલો વધે, ડિમાન્ડ ન ઘટે. સોનાની આ સદાબહાર ડિમાન્ડે હાલમાં ભારત સરકારની ચિંતા વધારી દીધી છે. કોવિડે ભારતનાં લાખો લોકોને બેરોજગાર બનાવી દીધાં. અર્થતંત્ર પર કોવિડના જબરા પ્રહાર દરમિયાન અને ત્યાર બાદ સોનાની ડિમાન્ડ ચાલુ જ રહી છે. સોનાની ખરીદીનું આયોજન લોકો વરસોથી કરતા હોય છે. તેવામાં એક દોઢ વરસ કોવિડ જેવી તકલીફ આવે ને જાય! ઇરાદામાં કોઇ ફરક ન પડે.

ખરીદીમાં થોડું મોડું થાય. પણ આખરે ખરીદી થઇને રહે. લોકડાઉન હટાવાયા બાદ સોનાની ડિમાન્ડ વધવા લાગી હતી. દિવાળી આવી અને પાછળ પાછળ લગ્નની મોટી મોસમ આવી. સોનું ખરીદવા, પહેરવા અને આણાં કે દહેજમાં આપવામાં શુભ અવસરો પેદા થયા. વરસ 2021 ના છેલ્લા ત્રણ મહિનામાં ભારતમાં સોનાના વેચાણે નવો વિક્રમ સ્થાપ્યો છે તેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવે છે. સોનાના ઉદ્યોગ માટેની આ એક સંસ્થા છે, જે વરસ 2005 થી સોનાના વેચાણના આંકડા રાખે છે. એ ત્રણ મહિનામાં ભારતીયોએ પ્રત્યેક સપ્તાહમાં પાંચ હાથીના વજન બરાબર થાય એટલું સોનું ખરીદ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો કુલ 340 ટન સોનું ત્રણ મહિનામાં ખરીદ્યું હતું. દુનિયામાં સોનાની સૌથી વધુ ખરીદી ચીન કરે છે અને બીજા ક્રમે ભારત આવે છે.

જો કે હવે ભારતમાં ઘરઆંગણે સોનાની કોઇ ખાણ બચી નથી. ચીન સોનાની વધુ ખરીદી ઔદ્યોગિક વપરાશ માટે કરે છે જયારે ભારતનાં લોકોમાં હજારો વરસથી આભૂષણો માટે સોનું ખરીદવાની એક સંસ્કૃતિ રચાઇ છે. અમુક દિવસોએ અથવા પુષ્ય જેવાં નક્ષત્રોમાં સોનાની ખરીદી શુભ મનાય છે. ખરાબ દિવસોમાં મદદરૂપ થાય તે માટે લોકો સોનું ખરીદે છે. આ માન્યતાને કોવિડ જેવી બીમારીએ વધુ મજબૂત બનાવી. છેલ્લા બે અઢી વરસમાં અનેક કુટુંબોએ સોનું ગીરવે મૂકીને ઘર ચલાવ્યાં. મુથુટ ફાઇનાન્સ જેવી કંપનીઓએ ખૂબ બહોળો ધંધો આ કલીકાળમાં કર્યો. અમુક કુટુંબોએ સોનું વેચીને ઘર ચલાવ્યાં. મુથુટની ગોલ્ડ લોન અર્થાત્ એસેટ્‌સમાં પ્રથમ વરસે 25 (પચ્ચીસ) ટકા અને બીજા વરસે 61 (એકસઠ) ટકાનો માતબર વધારો થયો હતો. દરમિયાન યુક્રેનમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે તેના પગલે એક સલામત મૂડીરોકાણ તરીકે સોનાની ડિમાન્ડ વધી છે તેની સાથે સાથે ભાવ પણ ઊંચકાઇ રહ્યા છે.

ભારતમાં વધેલી ડિમાન્ડ સરકારને એટલા માટે ચિંતામાં મૂકે છે કે ભારતે સોનું આયાત કરવું પડે છે અને તેની ચૂકવણી અમેરિકી ડોલરમાં કરવી પડે છે. હવે ભારત સરકારના વિદેશી હુંડિયામણના ભંડોળમાંથી ડોલર ઘટવા માંડે તો સરકારની આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિષ્ઠાને આંચ આવે. ઉપરાંત દેશનું અર્થતંત્ર પણ અસ્થિર બની જાય. વરસ 2013 માં ભારત સરકાર આવા જ ખરાબ અનુભવ પર આવીને ઊભી રહી ગઇ હતી. એ સમયે ભારતનું ફોરકસ રિઝર્વ આજે છે તેના કરતાં ઘણું ઓછું હતું. એ સમયે સોનાની આયાતમાં ધસારો થયો. ભારતની ચાલુ ખાતાની ખાધ વધીને જીડીપીના લગભગ પાંચ ટકા સુધી પહોંચી ગઇ હતી. તેના કારણે કરન્સી ક્રાઇસિસ પેદા થાય તેવી શકયતાઓ પેદા થઇ હતી.

ભારતનાં કુટુંબો પાસે બાવીસ હજાર પાંચસો ટન સોનું પડયું છે. કદાચ તેનાથી વધારે હશે. કારણ કે લોકો હજારો વરસથી સોનું એકઠું કરતાં હતાં અને વારસામાં આપતા હતા. એ બધાની ગણતરી સરકાર કેવી રીતે કરી શકે? જે કોવિડમાં કેટલા માર્યા ગયા તે પણ બરાબર જાણતી નથી. પરંતુ બાવીસ હજાર પાંચસો ટનના આંકડાને સાચો માનીને ચાલીએ તો અમેરિકાની સરકાર પાસે ફોર્ટ નોકસના ભંડારમાં જેટલું સોનું પડયું છે તેના કરતાં પાંચ ગણું ભારતના લોકો પાસે છે. ભારત સરકાર નવી આયાતોને કાબૂમાં રાખવા માટે આયાત જકાત લાગુ પાડે છે. પણ અમુક હદથી વધારે લાગુ પાડે તો લોકો દાણચોરી શરૂ કરી દે છે. પગરખાંનાં તળિયામાં, ચોકલેટના સ્લેબમાં, પેટમાં, ભગવાન જાણે કયાં કયાં છૂપાવીને સોનું વિદેશથી લઇ આવે છે. તો પણ આયાતને નિરુત્સાહ કરવા સરકાર દસ ટકા જેટલી ડયુટી લાદે છે. ભારત સરકાર અને બેન્કોએ મળીને સોવરીન ગોલ્ડ બોન્ડ ઇસ્યુ કર્યા છે.

2015 બાદ તેમાં 86 ટન જેટલું સોનું જમા થયું છે. કોવિડ સંકટ આવ્યું ત્યાર બાદ તેમાંનું 60 (સાઠ) ટકા સોનું જમાકારોએ વેચી આવ્યું છે. એ ઉપરાંત સરકારે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ દાખલ કરી હતી, જેમાં ખાતાધારક બેન્કને સોનું સોંપે છે, અર્થાત્ જમા કરાવે છે અને તેના પર વ્યાજ મેળવે છે. જો કે ગયા વરસે એ યોજનાની લિમિટો વધારવામાં આવી હતી. અર્થાત્ ડિપોઝીટોનું કદ ઘટાડવામાં આવ્યું હતું. કોરોના સંકટમાં લોકોએ ડિજિટલ ચૂકવણી કરીને પ્રતિષ્ઠિત જવેલરો પાસેથી સોનાની ઓનલાઇન ખરીદી કરી હતી. આ ખરીદી ડિજિટલ ગોલ્ડ તરીકે થઇ હતી, જેમાં ખરીદનાર વતી સોનાની જાળવણી અને સંભાળ વેચનાર રાખે છે. ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)માં પણ સારો કારોબાર થયો હતો. ગયા ડિસેમ્બરમાં ઇટીએફની એસેટસ વરસમાં ત્રીસ ટકા વધીને 184 અબજ રૂપિયા થઇ હતી. પરંતુ નક્કર સોનાની, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં જે ડિમાન્ડ છે તેની સામે સોફિસ્ટિકેટેડ ડિજિટલ ટ્રેડિંગ અને ગોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટસનું પ્રમાણ સાવ સૂક્ષ્મ ગણાય છે. દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ, ટંડેલો અને ધોડિયા પટેલની સ્ત્રીઓ માટે સોનું હોવું એ જીવનની એક મહત્ત્વની સિધ્ધિ ગણાય છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top