પરિવારમાં જમાઈનું આગમન થાય એટલે વડીલથી લઈને નાના-મોટા સૌ એમને ‘સાચવવા’ તત્પર રહે. કારણકે માતા પિતાએ કાળજાનો ટુકડો એવી દિકરી એમને વરાવી હોય છે. ક્યાંક સગવડ સાચવવામાં ક્ષતિ થઈ તો દિકરીએ ‘સાંભળવું’ પડશે. જમાઈને ઓછું ન આવે એટલા માટે તમામ ચક્રો ગતિમામ થઈ જાય! પરંતુ પરિવર્તન એ જગત નો નિયમ છે. વર્તમાન સમયમાં જમાઈ પણ દીકરો બની રહે છે. વધુ પડતા માનપાનની અપેક્ષા રાખ્યા વિના શ્વસુર ગૃહે દૂધમાં સાકરની જેમ ભળી જાય. એવા કિસ્સા જોવા મળે છે.
ક્યારેક પત્નીના માતા-પિતાની વૃધ્ધાવસ્થા પણ જમાઈ હવે દિકરાની જેમ સાચવે એવું બને છે. વૃધ્ધાવસ્થામાં સાસુ-સસરનો કોઈ સહારો ન હોય તો એમને સ્વગૃહે લાવતા પણ ખચકાટ નથી અનુભવતો. પત્ની સ્વનિર્ભર હોય તો એના માતા-પિતાને આર્થિક મદદ કરવા પણ પ્રેરણા એક ખાનદાન જમાઈ જ આપે છે. મોટેભાગે જમાઈઓ ‘જમાઈ પણુ’ વિસરી ગયા છે! જે સામાજીક ક્રાંતિ જ કહી શકાય. હવે જમાઈ દસમો ગ્રહ નથી પણ દરિયાદીલ, ખેલદીલ અને અનુકૂલન સાધતો દીકરો છે. જે પત્નીના પરિવારને પણ સન્માન બક્ષે છે. સ્વયંના માતા-પિતા સાથે પત્નીના માતાપિતાને પણ સાચવે છે. દહેજનો સંપૂર્ણ વિરોધી હોય છે. પત્નીના પિતાની આર્થિક સ્થિતીનો પણ ખ્યાલ રાખે છે. આવા ક્રાંતિકારી જમાઈઓને સો સલામ!
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.