નડિયાદ: નડિયાદ શહેર પોલીસ મથકે સાસુએ પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પુત્રવધુ દાગીના તેમજ ઘરવખરીનો સામાન લઇને રફુચક્કર થઇ ગઇ હોવાનું સાસુએ જણાવતાં હાલમાં પોલીસ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. નડિયાદમાં રહેતા લક્ષ્મીબેન ગોવિંદભાઇ વાઘેલાના પુત્ર ચિરાગના લગ્ન સોજીત્રામાં રહેતા નયનાબેન સાથે થયા હતા. નયનાબેનને ત્રણ સંતાનો થયા બાદ પતિ-પત્ની વચ્ચે મતભેદ થતાં ૨૦૦૭ માં બંનેએ છૂટાછેડા લીધા હતા અને નયનાબેન પોતાના પિયર જતાં રહ્યા હતા.
જોકે, સંતાનો નાના હોવાથી લક્ષ્મીબેને પુત્રવધુને સમાજની રૂએ પરત પોતાના ઘરે બોલાવી હતી અને તે બાળકો અને ઘરને સાચવવા રહેતી હતી. ૨૦૧૭ માં ચિરાગભાઇ તેમના ત્રણેય સંતાનોને લઇને અમેરિકા જતાં રહ્યા હતા. બાદમાં પણ નયનાબેન તેમના સાસુ લક્ષ્મીબેન સાથે રહેતા હતા. આ દરમિયાન નયનાને કોઇ અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાનું માલુમ પડતાં લક્ષ્મીબેને તેને કાઢી મૂકી હતી અને પોતાનું સાંઇબાબા નગરમાં આવેલા ઘરમાં તેમના નણંદ અને નણદોઇને રહેવા બોલાવી તેઓ સુણાવ રહેવા ગયા હતા.
નવેમ્બર ૨૦૨૧ માં નયના પરત સાંઇબાબા નગર સ્થિત ઘરમાં આવી હતી અને ત્યાં રહેતા ફોઇજી અને ફુવાજીને કપડાં ફાડી, કેરોસીન છાંટી સળગી જઇ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઝઘડાં કરતી હતી. જેથી તેઓ પણ ઘર છોડીને જતાં રહ્યા હતા. બાદમાં આ ઘરમાં નયના એકલી રહેતી હતી. ગત તા.૨૨ મી માર્ચના રોજ લક્ષ્મીબેન નડિયાદ સ્થિત ઘરે પરત આવતાં ઘરમાંથી ટી.વી., એ.સી., ઘરઘંટી, આર.ઓ.મશીન, ગેસ ગિઝર, સબ મર્સિબલ મોટર, ગેસની ૪ બોટલ, લોખંડની જાળી, સોના-ચાંદીના દાગીના અને નયનાનો પાસપોર્ટ સહિતની વસ્તુઓ ગાયબ હતી. જેથી આ મામલે લક્ષ્મીબેને નડિયાદ ટાઉન પોલીસ મથકે નયનાબેન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાના નડિયાદ શહેરમાં પણ ઘેરા પડઘા પડ્યા છે, સાસુ – સસરાના ત્રાસની ફરિયાદ નોંધાતી હોય છે. પરંતુ પુત્રવધુએ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદથી ટોક ઓફ ધી ટાઉન બની હતી.