સોમનાથ: ભગવાન શિવની આરાધનાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રી(MahaShivratri). આજે ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ (Somnath) મહાદેવ મંદિર સહિત સમગ્ર દેશમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. ભોલે દાદાના દર્શનનો લાભ લેવા માટે શિવ મંદિરો ( Shiv Temples)માં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિર સહિત અનેક શિવાલયોમાં ચાર પ્રહરની વિશેષ મહાપુજા અને મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર 42 કલાક સુધી ભાવિકોને દર્શન માટે ખુલ્લું રહેશે.
કોરોનાકાળને કારણે બે વર્ષ બાદ ભક્તોને મહાશિવરાત્રીના પાવન અવસર પર સોમનાથ મંદિરમાં પ્રવેશ મળી રહ્યો છે. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મંદિરને શણગારવામાં આવ્યું છે. શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ પણ મંદિરને અદ્દભૂત લાઈટિંગ વડે સજાવવામાં આવી હતી. શિવરાત્રી નિમિત્તે સોમનાથ દાદાને ખાસ શણગાર પણ કરવામાં આવ્યો હતો. આજે સવારે સોમનાથ દાદાની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આજે આખો દિવસ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવશે. ઉલ્લેખીનય છે કે કોરોના મહામારી બાદ ભક્તો પણ હવે કોરોનાના ભયમાંથી બહાર આવીને મહાદેવની પૂજા કરવા માટે ઉમટી પડ્યા છે.
સોમનાથ પરિસરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. તીર્થધામ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ મહાશિવરાત્રિને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરમાં આવતા તમામ શિવભક્તોને ફરાળી ચેવડો આપવામાં આવશે. સોમનાથ મંદિરમાં 28 ફેબ્રુઆરીથી જ ઉજવણી શરૂ થઈ ગઈ હતી, જે 01 માર્ચે પણ આખો દિવસ ચાલશે. તેમજ સોશિયલ મીડિયા અને ટીવી પર આખો દિવસ શિવની મહિમા સાથે સોમનાથ મંદિરનું પણ પ્રસારણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મંદિરની આસપાસ નોન-વેજ આઈટમ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સોમનાથ મંદિરમાં પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનું વિશેષ પૂજન, આરતી સહિત ધાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બીજી તરફ મહાશિવરાત્રીના પર્વને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે. તેમજ શિવાલયમાં આવતા ભક્તોએ મહામારીની ગાઈડલાઈન મુજબ દર્શન કરવાના રહેશે. મંદિરની અંદર આરતી કે દર્શન સમયે ભાવિકો વધુ સમય ઉભા રહી નહી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.
સોમનાથ મંદિરની નજીક જ આવેલા ગિરનારમાં પણ મહાશિવરાત્રીના પાવન અવસર પર મેળો ભરાય છે, જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં સાધુ-સંતો ઉપરાંત ભક્તો પણ ભાગ લેતા હોય છે. આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે જેમાં લોકો દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે. મહાશિવરાત્રીના મેળામાં સેવાભાવી સંસ્થાઓ પણ ભક્તોને કોઈ તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખે છે, અને પાંચ દિવસના મેળામાં રહેવા-જમવાની મફત સુવિધા પણ પૂરી પાડવામાં આવતી હોય છે.
સુરતના આ મંદિરોમાં ઉજવાય છે મહાશિવરાત્રી
સુરત: દેવાધિદેવ મહાદેવની આરાધનાના મહાશિવરાત્રિના પાવનકારી મહા પર્વની મંગળવારે પરંપરાગત રીતે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારીનાં બે વર્ષ બાદ શહેરનાં શિવાલયોમાં આ વર્ષે આ પર્વ ઉજવણીનો રંગ ખરા અર્થમાં જામશે. આ ધર્મોત્સવને અનુલક્ષીને તમામ શિવાલયોમાં સુશોભન, શણગાર સહિતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો કેટલાંક સ્થળોએ શિવમંદિરો ખાતે લઘુરુદ્ર યજ્ઞ, મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
શહેરનાં વિવિધ શિવાલયોમાં આજના દિવસે મહાશિવરાત્રિના મહા પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરાશે. શિવાલયોમાં વહેલી સવારથી જ ચાર પ્રહરની મહાઆરતી, ધ્વજારોહણ, મહાપૂજા, દુગ્ધાભિષેક અને જળાભિષેક, રૂદ્રાભિષેક, દીપમાળ, મહાપ્રસાદ, બટુકભોજન, સંતવાણી, ભજન-કિર્તન તેમજ આખો દિવસ હોમાત્મક લઘુરુદ્ર સહિતના કાર્યક્રમો યોજાશે. શિવાલયોમાં જળાભિષેક અને દુગ્ધાભિષેક માટે શિવભક્તોનો અવિરત પ્રવાહ શરૂ થશે. આ સાથે શિવાલયોમાં હર હર મહાદેવ તેમજ બમ બમ ભોલેનો જયઘોષ ગૂંજી ઊઠશે. મહાશિવરાત્રિને અનુલક્ષીને શિવભક્તોનાં મંડળો દ્વારા શિવાલયોમાં ચિત્તાકર્ષક સુશોભન અને શણગારના કાર્યને આખરી ઓપ અપાઈ રહ્યો છે. હાલ કોરોનાની મહામારી હળવી થતાં અને શહેર કરફ્યૂમાંથી મુક્ત થતાં બે વર્ષ બાદ મહાશિવરાત્રિની ખરા અર્થમાં ધામધૂમથી ઉજવણી કરવાનો અવસર આવતાં શિવભક્તોમાં અપૂર્વ હર્ષોલ્લાસ પ્રવર્તી રહ્યો છે.
બિલ્વપત્ર, દૂધનો અભિષેક કરી ભક્તો ભોળાનાથને રિઝવશે
શહેરના ઉધનાના ભીડભંજન મહાદેવ મંદિર, કતારગામના કંતારેશ્વર મહાદેવ મંદિર, મગદલ્લા રોડના લીલા વિશ્વંભરા દત્તમંદિર, પાલના અટલ આશ્રમ, કાપોદ્રાના સિદ્ધકુટિર મંદિર સહિતનાં શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડશે. શિવરાત્રિ પર્વને લઈ શિવભક્તો બિલ્વપત્ર તેમજ દૂધનો અભિષેક કરી શિવજીને રિઝવવા પ્રયત્ન કરશે. જેને લઈ બજારમાં બિલ્વપત્ર તેમજ દૂધના વેચાણમાં પણ ઉછાળો આવશે. વિવિધ શિવમંદિરો ખાતે શિવરાત્રિ પર્વને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ભાગ લઈ ભોળા શંભુનાં દર્શન કરી ધન્યતા અનુભવશે.
લીલા વિશ્વંભરા દત્તમંદિરે આજે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો
સુરત: સુરના ડુમસ રોડ, મગદલ્લા ચાર રસ્તા પાસે લે-મેરેડીયમ હોટલની બાજુમાં આવેલા લીલા વિશ્વંભરા દત્તમંદિર ખાતે તા.1 માર્ચને મંગળવારે મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન કરાયું છે. સવારે 9 વાગ્યે રૂદ્રાભિષેક, બપોરે 12 વાગ્યે રૂદ્રહવન, સાંજે 6 વાગ્યે શિવ ધૂનનો આરંભ, ક્ષીરાઅભિષેક અને ફળરસ અભિષેક, રાત્રે 12 કલાકે શિવ ધૂનની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. દર્શનાર્થે આવતાં ભક્તોએ કોરોનાની ગાઈડલાઈનનો અમલ કરવાનું અને અભિષેક કરવા માટે પેક કોથળીમાં જ (બોટલમાં નહીં) દૂધ લાવવાનું રહેશે. આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તા.16-11-1997ના રોજ ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીના હસ્તે કરવામાં આવી હતી.