Columns

વાત સમજવા જેવી

એક વાર નદીને પોતાના પાણીને પોતાના પ્રચંડ પ્રવાહનું, પોતાની ઉપયોગિતાનું ખૂબ ઘમંડ થઈ ગયું. નદીએ વિચાર્યું કે ‘મારામાં કેટલી તાકાત છે, છેક પહાડની ટોચમાંથી જન્મી, સતત અટક્યા વિના આગળ ને આગળ વધીને, લાંબો રસ્તો કાપીને દરિયાને મળવા જઈ શકું છું. રસ્તામાં કિનારે વસનાર બધાને મારું પાણી વાપરવા આપી કલ્યાણ કરું છું. ખેતરને લીલાંછમ રાખું છું અને મારા પ્રચંડ પ્રવાહમાં એટલી તાકાત છે કે રસ્તામાં આવતા પહાડને તોડી પથ્થર અને પથ્થરને તોડી કાંકરા બનાવી દઉં છું.

જોડે મકાન, વૃક્ષ, પશુ, માનવ, જે પણ મારા પ્રવાહમાં વચ્ચે આવે તેને મારી સાથે વહાવીને લઈ જાઉં છું.’’  પોતાની આ બધી તાકાતના ગર્વ સાથે નદી સમુદ્રને મળી અને ખૂબ જ અભિમાની અંદાજથી તેણે સમુદ્રને પૂછ્યું, ‘‘બોલો સ્વામી, હવે તમારા માટે શું લઈ આવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ, વગેરે જે તમે ઈચ્છો તે બધું જ હું જડમૂળમાંથી ઉખાડીને અહીં લઈને આવીશ.’’ સમુદ્ર નદીની વાત સાંભળી સમજી ગયો કે નદીને અહંકાર થયો છે. તેણે વિચાર્યું, જો આ અહંકાર દૂર નહીં થાય તો બધાને જ નુકસાન થતું રહેશે.   સમુદ્રે વિચારી લીધું કે આ અહંકાર દૂર કરવો જ પડશે.

તેણે નદીને કહ્યું, ‘‘ મને સ્વામી કહેનારી કોઈને જડમૂળથી ઉખેડીને નુકસાન કરે તે મને પસંદ નથી. આજથી તું મને પ્રિય નથી.’’ નદીને આવા ઉત્તરની આશા ન હતી. તે ચૂપ થઈ ગઈ. સમુદ્રે આગળ કહ્યું, ‘‘ જો મારા માટે કંઈક લાવવાની જરૂર નથી. મારા પેટાળમાં અનેક રત્નો છે. મને કંઈ નથી જોઈતું.પણ હા, જો તું કરી શકે તો એટલું પાણી લઈ આવજે, જે મારામાં ભળી જાય તો મારી ખારાશ દૂર થઈ જાય.’’ નદી મૂંઝાઈ ગઈ કારણ આ કાર્ય કરી શકવાની તેની તાકાત ન હતી. નદીએ  સમુદ્રને સમજાવતાં કહ્યું, ‘‘ સ્વામી, આપનું પાણી ખારું જ છે.

હું તે મીઠું કરી શકું તેમ નથી. મારું બધું જળ હું તમારા જળમાં નાખું છું છતાં પણ આપનું પાણી ખારું જ રહે છે. આપ સમજો, આપના જળમાં જે ખનિજો છે તેને લીધે ખારો સ્વાદ છે જે ઉપયોગી છે. તમે બીજું કંઈ કહો. હું તે કામ કરી બતાવીશ. સમુદ્રે કહ્યું, ‘‘તું મારી વાત સમજ, જો મારો ખારો સ્વાદ ઉપયોગી હોય તો તારો પ્રચંડ વેગ પણ કલ્યાણકારી હોવો જોઈએ, કોઈને નુકસાનકારક નહીં. તું તારો અહંકાર છોડ અને કલ્યાણમાર્ગ અપનાવ. વેગને શાંત કર… ધીમી પડ… માર્ગમાં વધીને વધુ લોકોનું કલ્યાણ કર નુકસાન ન કર… નદીનો વેગ શાંત થયો અને તેનો ગર્વ દૂર થયો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top