પર્વત પર ચડવાના બે નિયમ હોય છે, એક તો ઝૂકીને ચાલવું પડે છે અને બીજું દોડી નથી શકાતું. આ જ નિયમ જીવનને પણ લાગુ પડે છે. જે ઝૂકીને ચાલે છે એ શિખરે પહોંચે છે અને જે ઝડપથી દોડવા જાય છે, એના માટે ગડથોલિયું ખાઈ જવાના ચાન્સ વધી જાય છે. સમયોચિત અને મધ્યમ ગતિ ઘણાં જોખમથી બચાવી લે છે. ફલેકિસબિલિટીનો સિદ્ધાંત ફક્ત ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને જ નથી લાગુ પડતો, એ મનુષ્ય જીવનને પણ લાગુ પડે છે. એટલાં બધાંનાં નમો કે કોઈ ચડી બેસે અને એટલાં બધા અક્કડ પણ ના બનવું કે તૂટી પડીએ. પ્રગતિની પગદંડી પર ચાલતા માણસે બે વાત ગાંઠે બાંધવા જેવી છે. એક ટીકામાં રહેલું સત્ય અને પ્રશંસામાં રહેલા જૂઠને પારખવાની સમજશક્તિ. આ બે બાબત સમજાઈ જાય તો પ્રગતિની પગદંડી પર ચાલતી વખતે ઠોકર લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે.
રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે; “લોકો તમારા વિશે જે માને છે એ તમારી પ્રતિષ્ઠા છે અને તમે તમારા વિશે ખરા અંતઃકરણપૂર્વક જે માનો છો એ તમારું ચારિત્ર્ય છે.” પ્રલોભનમાંથી પાર ઊતરે અને પ્રામાણિકતાની ચાળણીથી ચળાઈને જે બહાર આવે છે તેને “ચારિત્ર્ય” કહેવાય છે અને આવું ચારિત્ર્ય જ માણસને પ્રતિષ્ઠા પ્રદાન કરતું હોય છે. માણસો બે પ્રકારના હોય છે, એક જે પોતાની નોંધ લેવડાવતા હોય છે અને બીજા પ્રકારના માણસ એવા હોય છે કે જેમની નોંધ લેવી પડતી હોય છે. ઘણાં વાણીથી ઓળખાય છે જ્યારે ઘણાં વર્તનથી ઓળખાય છે. જ્યાં વાણી અને વર્તનનો સુભગ સમન્વય થતો હોય છે ત્યાં ‘ચારિત્ર્ય’ પ્રગટ થતું હોય છે. બધાં જ ફૂલ સુંદર નથી હોતાં. બધા જ વિદ્રોહી દ્રોહી નથી હોતાં. બધા જ સાધુ સીધા નથી હોતાં. એમ બધાં જ પ્રતિષ્ઠિત “ચારિત્ર્યવાન” નથી હોતા.
સુરત – પ્રેમ સુમેસરા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.