જીવન જીવવાની કળા અથવા ફિલસુફી માનવીને તેના જીવનકાળ દરમ્યાન માગ્યે-વણમાગ્યે વિવિધ માધ્યમો દ્વારા મળતી રહે છે. પરંતુ માનવીની સુખ પ્રાપ્ત કરવાની દોડ જીવનકાળ દરમ્યાન અવિરત ચાલતી રહે છે. વળી સુખની વ્યાખ્યા વ્યકિતએ વ્યકિતએ બદલાયા કરે છે. પરંતુ એક વાત ચોક્કસ મનાય છે કે માણસ પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવવાની કોશિષ કરે અને બીજા માટે પણ કંઇક અંશે જીવે ત્યારે તેને અલૌકિક સુખ પણ મળી જાય છે અને આ રીતે માનવી બીજા માટે જીવે છે ત્યારે તે બીજામાં પણ જીવે છે.
બીજા માટે માનવી પોતાની ત્રેવડ મુજબ જીવે છે ત્યારે બીજાઓના જીવનમાં તેઓનું નામકરણ ટકી રહયું હોય છે. તેમની પોતાની હયાતી પૂરી થઇ ગયા પછી પણ ઘણા બધા દિલોના ચોપડામાં બીજા માટે જીવનાર વ્યકિતના નામનું ખાતું ચાલતું રહયું હોય છે અને એ રીતે વ્યકિત પોતાની જિંદગીને અર્થપૂર્ણ બનાવે છે. ગૌરવવંતી બનાવે છે અને આમ બને છે ત્યારે જ માણસની જિંદગી કંઇક વધુ ઊંચી ઊઠી શકે છે.
આવા જ જિંદગીના સિધ્ધાંતોને આત્મસાત્ કરવાવાળા માણસાઇના દીવડા સમાન સજ્જનોનો સમાજમાં તોટો નથી અને તેમના થકી રેલાતો માણસાઇનો પ્રકાશ ઘણા જરૂરતમંદ લોકોના જીવનમાં શીતળતાનો અહેસાસ કરાવે છે.
મારા પત્રને આનુષંગિક સુખદ કિસ્સો જણાવતાં આનંદ અનુભવું છું. સાધારણ આર્થિક સ્થિતિવાળા કુટુંબની દીકરી ભણતરમાં ખૂબ હોંશિયાર. નાનપણથી ડોકટર બનવાનું ઊંચું નિશાન રાખ્યું. મેરીટ પર મેડીકલ કોલેજમાં પ્રવેશ પણ મળી ગયો.
પરંતુ ફી માળખું સાચવીને ઊંચુ નિશાન ચૂકી જવાય એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે. મેડીકલ પ્રવેશની પ્રક્રિયામાં કાગળો તૈયાર કરવાની પ્રક્રિયામાં સહભાગી થનાર ના. મામલતદારને દીકરીનો મેડીકલ પ્રવેશ કેન્સલ કરાવવો પડશે. જેવી વાલીની વાત સાંભળીને પ્રવેશ રદ નહિ કરાવવાની વિનંતી કરી અને બે દિવસ પછી એક સજ્જનનો ફોન નંબર આપી મળી લેવા સલાહ આપી અને સુખદ આશ્ચર્ય વચ્ચે પેલા અજાણ્યા સજ્જને દીકરીને મેડીકલ અભ્યાસક્રમનો ખર્ચ ઉપાડી લેવાની બાંહેધરી આપી.
આજે દીકરી તબીબી વિદ્યાશાખાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ઉપરોકત કિસ્સાની સમાજ માટે દાખલારૂપ હકીકત એ છે કે દીકરીનો ડોકટરી અભ્યાસક્રમનો ખર્ચ ઉપાડી લેનાર પિતાતુલ્ય સજ્જન હિંદુ છે અને એને અભ્યાસરત દીકરી મુસ્લિમ છે. એટલે જ તો કહેવાનું મન થાય છે કે નથી ગમતું છતાં કંઇક તો એવું છે, જેના કારણે આ દુનિયામાં રહેવું ગમે છે.
સુરત – અબ્દુલ્લા એ. હાફેઝજી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.