કશ્મીર બે વાર જવાનું થયું. કશ્મીરની ઘણી બધી ઓળખમાં એક ઓળખ છે ચિનારના વૃક્ષો – જેનાં સુંદર પર્ણોની ઝલક કશ્મીરની કલાકારીગરીમાં અવશ્ય જોવા મળે છે. બે ત્રણ માણસોની બાથમાં પણ ન સમાય એવો મોટો થડનો ઘેરાવ ધરાવતા અને જેની છાયામાં ઊભા રહેતા શુકુનની લાગણી થાય એવાં વર્ષો જુના ચિનારના વૃક્ષોનું શ્રીનગર શહેર અને તેની અંદર બહારનાં રસ્તાઓ પર બાહુલ્ય છે, જે શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. બીજી મુલાકાતમાં શ્રીનગરની બહાર બાંદીપોરવાળા સાંકડા અને ભીડભાડવાળા માર્ગ ઉપર પણ આ વૃક્ષોને ઊભેલાં જોતાં કુતુહલ થયું. ગાડીના ડ્રાઈવરે કહ્યું કે રસ્તો સાંકડો રહેવાનું કારણ ચિનારના આ જૂના વૃક્ષોને જાળવી રાખવાનું છે.
ખેર, આટલી પૂર્વભૂમિકા બાંધવાનું કારણ તાજેતરમાં નવસારી ખાતે શહેરનાં દક્ષિણ તરફના પૂર્વ પશ્ચિમ જતા એક ધોરીમાર્ગ પર વર્ષો જૂના વૃક્ષોની કત્લેઆમ છે. એટલા માટે કે વિકાસનાં ચલતે રસ્તો પહોળો કરવાની જરૂરિયાત ઉભી થઈ, પરંતુ તેમ છતાં આટલાં બધાં વૃક્ષોનું એક ઝાટકે નિકંદન કાઢતા પહેલાં શું કોઈ પર્યાવરણીય વિવેકશીલતા દાખવવામાં આવી હશે? કોણ જાણે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ફક્ત ડામરની સડકોના વિસ્તરણ અને કોંક્રિટ જંગલો ઊભા કરવાને વિકાસમાં ખપાવવું એ વિકાસની ખૂબ જ સંકુચિત વ્યાખ્યા છે. પર્યાવરણીય સુરક્ષા પણ વિકાસની એક અંગભૂત બાબત હોવી જ જોઈએ.
છાપરા રોડ , નવસારી- કમલેશ આર મોદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.