Comments

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે પ્રજાસમજ અને શિક્ષણની કેટલીક વાતો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ છે. લોકસભામાં ભાજપને એકલા હાથે સત્તા ન મળી પણ એ પછી હરિયાણા, મહારાષ્ટ્ર અને હવે સત્યાવીસ વર્ષ બાદ દિલ્લીમાં સત્તા મળ્યા પછી ગુજરાત જેવા ગઢ ગણાતા રાજ્યમાં નગરપાલિકા કે પંચાયતની ચૂંટણી લગભગ એકતરફી રહેવાના સંકેત છે. એમાંય ઘણી જગ્યાએ બિનહરીફ જીત મેળવવાનું શરૂ થઇ ગયું છે. આ બિનહરીફ એ એક રીતે લોકશાહીનું અપહરણ છે પણ હવે મૂલ્યોની વાતો લગભગ હાસ્યાસ્પદ બની ગઈ છે. વળી જે રીતે રાજ્ય સરકારો પણ હાઈ કમાન્ડ મુજબ શાસન ચલાવતી થઇ ગઈ છે ત્યાં નગર પાલિકા કે પંચાયતના ચુંટાયેલા ઉમેદવારો સ્વતંત્ર નિર્ણય લે તે વિચારવું વધારે પડતું છે. આમ છતાં ચૂંટણી છે તો ચૂંટણીનો વિચાર કરવો જરૂરી અને તે માટે પ્રજા પક્ષે શું કરી શકાય તે વિચારવું રહ્યું.

ગુજરાત મોટે ભાગે દ્વિપક્ષીય રાજનીતિ માટે ટેવાયેલું છે એટલે કેજરીવાલ જેવું ફેક્ટર અહીં ઊભું થતું નથી. બંને મોટા પક્ષોએ ચૂંટણી માટે કમર કસી છે.ગુજરાતમાં ઘણી વાર સ્થાનિક ચૂંટણીઓમાં નગર સમિતિ કે સ્થાનિક અપક્ષો વધુ જીત્યાના દાખલા બન્યા છે પણ જીત્યા પછી સત્તા મેળવવા માટે તેઓ મોટા પક્ષ સાથે જ બેસી ગયાના દાખલા બન્યા છે પણ આપણે એ બધામાં નથી પડવું. આપણે વાત કરવી છે આપણી સામાન્ય પ્રજાની જરૂરિયાતોની. નગર પંચાયતની ચૂંટણીમાં પાકિસ્તાન કે ત્રાસવાદના મુદ્દે વોટ ના અપાય. અહીં તો આપણી રોજિંદી ફરિયાદો માટે વોટ આપવાનો હોય. નગરનો મતલબ જ છે નળ,ગટર અને રસ્તા.મતલબ કે પાયાની સુવિધાઓ. આપણા શહેરની ગટર વ્યવસ્થા શું છે? રસ્તાની હાલત કેવી છે? પાણી આવે છે કે નહિ. સ્માર્ટ સીટીના વાયદામાં આ પાયાની જરૂરિયાતો ખોવાઈ ના જાય તે જોવું રહ્યું.

 ભારતના બંધારણ મુજબ સમવાય વ્યવસ્થામાં સત્તાની ત્રણ સ્તરે વહેંચણી થયેલી છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બંધારણમાં આ ત્રણેય સત્તાઓએ કરવાનાં કામ અને તે માટે ઉઘરાવવાના વેરા વહેંચી આપવામાં આવ્યા છે. કાર્યક્ષમતાના નિયમ મુજબ જે સત્તા જે કામ સારી રીતે કરે તેને તે વહેંચવામાં આવ્યું છે એટલે આપણા રોજિંદા જીવનની બધી જ જરૂરિયાતો સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવી છે.

રસ્તા, પાણી ,ગટર ,જાહેર રસ્તાની વીજળી ,પ્રાથમિક શિક્ષણ જેવી અત્યંત મહત્ત્વની જરૂરિયાતો આ સ્થાનિક સંસ્થાઓએ આપવાની છે. પ્રજા તરીકે આપણે પણ આ સમજવાનું છે કે આપણે વોટ આપીએ ત્યારે આ કામગીરી સારી રીતે જે કરે અથવા કરવાનું વચન આપે તેને આપણે વોટ આપવાનો છે.રાજકીય પક્ષો વચન આપવામાં પાછા પડતા નથી. બધા જ પક્ષો વિઝન 2૦25 રજૂ કરી રહ્યા છે પણ ખરેખર તો આપણે પ્રજાએ આ પક્ષોને કહેવું જોઈએ કે ઊભા રહો, તમે અમને વચન ના આપો. અમારે તમારો ચૂંટણી ઢંઢેરો નથી સાંભળવો. અમે કહીએ તે તમે સાંભળો.

ગ્રામ પંચાયતોની ચૂંટણી સ્વતંત્ર અને પક્ષ વગર લડાતી હોય છે. દરેક પક્ષ જીતેલો ઉમેદવાર પોતાનો છે તેવું જાહેર કરતો હોય છે. આ ચૂંટણીઓ સ્થાનિક મુદ્દા પર લડાવી જોઈએ. મતલબ કે વીજળી, પાણી, શિક્ષણ, સફાઈ, રસ્તા વગેરે. આપણાં ગામડાં ખાલી થતાં જાય છે. આ મુદ્દો અગત્યનો છે. તેનો વિચાર થવો જોઈએ. વળી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી કહેવા પૂરતી જ થાય છે એવું ઘણાં માને છે કારણ કે સરપંચો પોતાની મરજીથી કશું કરવાના બદલે રાજ્ય સરકારના હાથા બનીને કામ કરે છે તેવા આક્ષેપો થાય છે. મહિલા સરપંચના કિસ્સામાં પતિદેવો જ સરપંચ બની બેસે તે સ્થિતિ બદલવી જરૂરી છે. આ ચૂંટણીમાં મતદાન મોદી કે રાહુલના નામે ન થાય અને જીવનલક્ષી મુદ્દાઓ માટે થાય તે ઇચ્છનીય છે, માટે લોકો નીચેના કેટલાક મુદ્દા વિચારે એવી આશા.

૧. સૌ પ્રથમ તો આપણો મત એને જ મળે, જે પીવાનું ચોખ્ખું પાણી દિવસમાં એક વાર તો આપે જ.
૨. ગ્રામ પંચાયતો ગોચરની જમીનો માટે જાગૃત થાય તે જરૂરી છે.
૩. આપણું પ્રાથમિક શિક્ષણ સાવ ખાડે ગયું છે. ઉચ્ચ મધ્યમ વર્ગનાં બાળકો નગરપાલિકાની સ્કૂલમાં ભણવા જતાં જ નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કરવા જેવું કામ હોય તો એ એ છે કે શિક્ષણ અને તે માટેની સ્કૂલો સુધારે.

૪. શહેરોમાં જાહેર રસ્તા પરનાં દબાણો વધી રહ્યાં છે તેવી જ રીતે હવે ગામડાં કે નાના નગરમાં પણ દબાણો વધી રહ્યાં છે માટે એક સર્વગ્રાહી નીતિ દ્વારા રાજ્ય સરકારને સાથે રાખીને આ તમામ દબાણો દૂર કરે એવી સરકાર આપણને જોઈએ. આ કામ અઘરું છે કારણ અહીં દરેક પક્ષના લાગતા વળગતા નેતાઓના જ જાહેર જમીનો પર દબાણો છે માટે જ તેમના વહીવટી તંત્ર પર દબાણો છે. ૫. હમણાંથી ખાનગીકરણ અને કોન્ટ્રકટ આપવાનો સૌને રોગ લાગ્યો છે. સફાઈના કોન્ટ્રાકટ,વહીવટના કોન્ટ્રાકટ. આપણે આ કોન્ટ્રાકટ સીસ્ટમનો વિરોધ કરવાનો છે.બાગ બગીચામાં ફી નો વિરોધ કરવાનો છે. એક બાજુ વેરા પણ ભરવાના અને બીજી બાજુ ફી પણ આપવાની. તો આ સરકારો શું કરવાની?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top