તાજેતરમાં એક સેમિનારમાં આરબીઆઇના ગવર્નર શકિતકાંત દાસે જણાવ્યું હતું કે કેટલીક બેન્કોએ ઇરાદાપૂર્વક એન.પી.એ. (નોન પરફોર્મીંગ એસેટસ) છુપાવવાનો પ્રયાસ કર્યો છે. જે યોગ્ય બાબત નથી. પરંતુ ચિંતાજનક બાબત છે. તેમણે જણાવ્યું હતું કે કેટલીક બેન્કો આરબીઆઇની ગાઇડલાઇનનું યોગ્ય રીતે પાલન કરતી નથી જે બેન્કો માટે અને બેન્કના ગ્રાહકો માટે નકારાત્મક પ્રશ્નચિહ્ન ઉભું કરે છે? બેન્કોની સ્થિરતા અને ટકાઉ નાણાંકીય કામગીરી માટે મજબૂત વહીવટી માળખું હોવું ખુબ જ જરૂરી છે. વધુમાં સાત મુદ્દાઓની ચર્ચામાં ગ્રાહક સુરક્ષા પર વિશેષ ભાર મૂકયો હતો જે ખુબ જ મહત્ત્વની જરૂરી બાબત છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જેલના કેદીને સુધરવાની તક આપતી રાજ્ય સરકાર
ગુનેગારને સજા આપવા પાછળનો સાચો અને મુખ્ય હેતુ એનામાં સુધાર લાવવાનો હોય છે. તાજેતરમાં હરિયાણાની રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કેદીઓને સજા દરમિયાન જેલમાં સારું આચરણ કર્યું હશે તેવાં કેદીઓને ફલેટમાં પરિવાર સાથે રહેવાની છૂટ અપાશે. હરિયાણાની સરકાર દ્વારા ઓપન જેલ કોન્સેપ્ટનો અભિગમ અપનાવાયો છે. આ પ્રોજેકટ માટે રૂપિયા બાસઠ લાખની ફાળવણી કરાઈ છે. તેના પ્રથમ તબક્કામાં છત્રીસ જેટલાં કેદીઓને બે બેડરૂમનો ફલેટ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં જે કેદીઓને ફલેટમાં પરિવાર સાથે રહેવાની છૂટ અપાશે. હરિયાણા સરકારનો આ નિર્ણય સ્તુત્ય અને આવકારદાયક છે. આવા નિર્ણયના લીધે કેદીઓને જેલમાં સજા દરમ્યાન સારું વર્તન – આચરણ કરવાનું પ્રોત્સાહન મળશે. દેશનાં અન્ય રાજ્યોએ પણ આવો ઓપન જેલ કોન્સેપ્ટનો અભિગમ અપનાવવો જોઈએ.
પાલનપુર – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.