Charchapatra

પાણી તંગીનો હાથવગો ઉપાય

એક માસ અગાઉ હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં સારો વરસાદ થશે. હમણાં હવામાન ખાતાએ એવી આગાહી પ્રગટ કરી છે કે આ વર્ષનું ચોમાસું વેરવિખેર રહેશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 13 ટકા વરસાદ ઓછો રહેશે. હવામાન પરિવર્તનના કારણે ચોમાસા ઋતુની પેટર્ન એકસરખી રહી નથી. દુબઈ, અફઘાનિસ્તાન અને ઇન્ડોનેશિયામાં પૂર આવ્યાં છે. સેંકડોનાં મોત સાથે મિલકતની ઘણી ખાનાખરાબી થઇ છે. ગુજરાતમાં પાણીનાં તળ ચિંતાજનક રીતે ઊંડાં જઇ રહ્યાં છે.

બનાસકાંઠાના કેટલાક ગ્રામ વિસ્તારોમાં શિયાળાના મધ્ય ભાગથી જ પાણી ટેન્કરો દોડાવવાની તંત્રને ફરજ પડી છે.પાણી તંગી દૂર કરવાનો ઉપાય ઇઝરાયેલે આપણને હાથવગો કરી આપ્યો છે. 3 ઇંચ વરસાદમાં ઇઝરાયેલની સરકારે હરિયાળી સર્જી છે. તેનું કારણ એ છે કે વરસાદનાં પાણીનું એક ટીપું વ્યર્થ જવા દેતો નથી.જયારે આપણે ત્યાં વરસાદનું 80 ટકા પાણી વેડફાય છે. જો આપણે આગોતરા આયોજનથી વરસાદી પાણીના દરેક ટીપાને ઉપયોગમાં લઇએ તો પાણીનાં તળ ઊંડાં જતાં અટકે અને રાજયના કોઇ વિસ્તારમાંથી પાણીની બૂમ ન આવે. સરકાર લોકહિતની આ વાત પર ધ્યાન આપશે કે?
પાલનપુર   – અશ્વિનકુમાર ન. કારીઆ            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

જો બાઈડેનની જગ્યાએ ડેમોક્રેટ પક્ષે અન્ય ઉમેદવારને પસંદ કરવો જોઈએ
આવતા નવેમ્બરમાં અમેરિકામાં ત્યાંના પ્રેસિડેન્ટની ચૂંટણીઓ થવા જઇ રહી છે. અત્યારે ડેમોક્રેટિક પક્ષ, ચાલુ પ્રમુખ જો બાઈડેનને, ચૂંટણીઓમાં પ્રમુખપદના ઉમેદવાર તરીકે ઉતારવા માગે છે. તો સામ પક્ષે રિપબ્લીક પક્ષ, કદાચ ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રમુખપદના ઉમેદવાર તરીકે રિપિટ કરે પણ ખરો. ડેમોક્રેટ પક્ષ તરફથી ચૂંટણીમાં ઊભા રહેવા માંગતાં જો બાઈડેનની વય લગભગ 81 વર્ષ જેટલી થવા જાય છે.

એટલે એ બુઝુર્ગ અવસ્થામાં તો છે જ તથા એમની યાદદાસ્ત ધીમે-ધીમે ઘટતી જાય છે. તેઓ નજીકની વ્યક્તિઓનાં નામો પણ ભૂલી જાય છે. ચાલતાં ચાલતાં ગબડી પણ પડે છે. એટલે તેઓ શારીરિક રીતે ફિટ તો નથી જ. માટે ડેમોક્રેટ પક્ષે અન્ય કોઇ યોગ્ય ઉમેદવારને પ્રમુખપદની ચૂંટણીમાં ઊભો રાખવો જોઈએ. જે ચૂંટાઈ જાય તો માનસિક અને શારીરિક સજ્જતાને કારણે, શાસન સારી રીતે ચલાવી શકે.
સુરત     – બાબુભાઈ નાઇ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top