Charchapatra

દરિયા દ્વારા ગ્લોબલ વોર્મિંગનો ઉકેલ

અત્યારે દુનિયાને સૌથી હેરાન કરતો વિષય ગ્લોબલ વોર્મિંગ છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ જેને કારણે સમગ્ર પૃથ્વી પર તાપમાન વધી રહ્યું છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો કરવા માટે આપણે વધારે વૃક્ષો વાવીએ છીએ , ખેતીની પદ્ધતિઓને બદલીએ છીએ , હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચવા વેક્યુમ પંપનો ઉપયોગ કરીએ છીએ . આ બધા જ પ્રયત્નો કરવા છતાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જ જાય છે અને પૃથ્વી ઉપર ગરમી વધતી જ જાય છે.

અમેરિકા, સિંગાપુર અને જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા દરિયા દ્વારા હવામાં નો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય તેની નવી ટેકનીક શોધી કાઢી છે અને  ખૂબ જ આગળ વધી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે વાતાવરણનો ૩૦ ટકા કાર્બન ડાયોક્સાઇડ દરિયો શોષી લે છે . હવે સિંગાપુર અને ક્યુબેકના વિજ્ઞાનિકોએ એવી ટેકનીક શોધી છે જે ઈલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ છે ,જે દરિયામાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડી દે છે જેના કારણે દરિયાના પાણીની કાર્બન ડાયોક્સાઇડ શોષવાની શક્તિ વધી જાય છે અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થઈ જાય છે .

અમેરિકાના પૂર્વ કિનારે નોર્થ કેલોરીના પાસે ૯૦૦૦ ટન રેતી, જેમાં લીલા પીળા રંગનું ઓલિવિન નામનું ખનીજ મિક્સ કર્યું છે તેને દરિયામાં નાંખી  છે. દરિયામાં રેતી અને પાણી વચ્ચે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે . રેતી પાણીનું  મિશ્રણ  એન્ટાસીડ જેવું કામ કરે છે,  દરિયાના પાણીમાં આલ્કલાઈનનું પ્રમાણ વધારે છે જેથી પાણી દ્વારા કાર્બન ડાયોક્સાઇડ શોષાવાની શક્તિનો વધારો કરે છે જેના આધારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય છે.

આગામી વર્ષોમાં લગભગ એક મિલિયન મેટ્રિક ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ છૂટો પાડી દેશે જે આશરે દર વર્ષે બે લાખ જેટલા પેટ્રોલ , ડીઝલથી ચાલતાં વાહનોમાંથી  કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે તેના જેટલો થાય છે. બીજી પદ્ધતિમાં પાણીમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર કરી પાણીમાંના તત્ત્વોને છૂટા પાડે છે . જેનાથી કાર્બન છૂટો પડે છે અને તેને ઘન સ્વરૂપે ભેગો કરવામાં આવે છે જેનો બાંધકામમાં ઉપયોગ કરી શકાય છે અને જે હાઈડ્રોજન છૂટો પડે છે તે મોટી ફેક્ટરીમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે.

ઘણી જગ્યાએ ભરતીના પાણીનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ ઓછો કર્યો હતો . અમુક કંપનીઓ અમુક જાતના છોડને ઉગાડે છે .જે છોડ વિકાસ પામતા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ને શોષી લે છે. બાદમાં આ તમામ છોડ જે કોઈ ઉપયોગમાં નથી તેઓને પાસે જમીનની નીચે દાટી દેવાયા છે. જેથી ભવિષ્યમાં તેમાંથી કોઈ પણ પ્રકારનો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળી શકે નહીં.આમ કરવાથી હવામાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય છે, વાતાવરણમાંથી ગરમી પણ ઓછી થાય છે. આમ ગ્લોબલ વોર્મિંગના ઉકેલ માટે દરિયો ખૂબ મદદરૂપ થઈ શકે છે. આ તમામ ટેકનોલોજી વિકસાવવા માટે ત્યાંની સરકાર તમામ પ્રકારની સહાય પૂરી પાડે છે તથા જે કાર્બન છૂટો પડે છે તેના માટે ક્રેડિટ પણ આપે છે.
અમેરિકા – ડૉ ચંદ્રેશ જરદોશ — આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top