એક યુવાન બિઝનેસમેનનો બિઝનેસ આમ તો સારો ચાલતો હતો, પણ અચાનક ધીમે ધીમે કામ ઓછું થવા લાગ્યું અને સમસ્યાઓ વધવા લાગી.બિઝનેસ સાવ ઠપ્પ થવાની અણી પર પહોંચી ગયો.યુવાન પોતાના વેપારના અનુભવી દાદા પાસે ગયો અને પોતાની સમસ્યાઓની વાત કરી.દાદાએ પહેલો સવાલ કર્યો, ‘આ સમસ્યાઓ ક્યારથી શરૂ થઇ?’ યુવાને કહ્યું, ‘લગભગ દસ મહિના પહેલાં, પણ મને એમ હતું કે એટલી મોટી સમસ્યા નથી. બધું બરાબર થઈ જશે.એક જગ્યાએથી કામ ઓછું થઇ રહ્યું છે તો વાંધો નહિ, બીજેથી વધારી લઈશું.
પણ હવે ચારે બાજુથી કામ ઘટી રહ્યું છે શું કરવું કંઈ સમજ પડતી નથી.’ દાદા બોલ્યા, ‘મોટા ભાગનાં લોકોની આવી જ રીત હોય છે, જયારે મુશ્કેલી કે તકલીફ ઓછી હોય કે નાની હોય, શરૂઆત હોય ત્યારે તેની પર ધ્યાન આપે નહિ. એમ વિચારે કે આ તો કંઈ મુશ્કેલી નથી અને પછી અચાનક સમસ્યાઓ વધતી જાય અને વાત હાથ બહાર થઇ જવામાં હોય ત્યારે જાગે અને માથે હાથ દઈને રડવા બેસે.દીકરા, હું તને સંભળાવતો નથી, પણ હકીકતથી રૂબરૂ કરાવું છું.
સમસ્યાઓ દૂર કરવા તેનો બેસીને,જોઇને,જાણીને નિકાલ કરવો પડે.માત્ર ના ના એવી કોઈ મુશ્કેલી નથી એમ છુપાવવાથી કંઈ તકલીફો આપોઆપ દૂર થતી નથી. ઉલટી નાનામાંથી મોટી થાય છે.’ યુવાને કહ્યું, ‘દાદાજી , મારી ભૂલ થઇ ગઈ પણ હવે શું કરવું જોઈએ?’ દાદાજી બોલ્યા, ‘દીકરા, હું કોઈ તમારી બિઝનેસ મેનેજમેન્ટ સ્કૂલમાં ભણ્યો નથી પણ અનુભવની પાઠશાળામાં જે શીખ્યો છું તે પ્રમાણે સૌથી પહેલાં સ્વીકાર કર કે કોઈક તકલીફ છે. પછી પાછળ જા અને શોધ ક્યારથી અને કઈ રીતે આ મુશ્કેલીની શરૂઆત થઈ છે.
પછી કોઇ પણ મુશ્કેલીથી દૂર ભાગ્યા વિના,ડર્યા વિના તેનો સામનો કર. મનને તૈયાર કર કે હું આમાંથી માર્ગ કાઢી જ લઈશ.જેની તકલીફ હોય માણસો,મશીન કે પૈસા તે બધાનો સામનો કર.માણસોને સામેથી જઈને મળ અને તકલીફની વાત કર.પૈસાની તકલીફ હોય તો બીજી વ્યવસ્થા વિષે વિચાર.’ યુવાન દાદાજી જે બોલતા હતા તે પ્રમાણે ડાયરીમાં પોઈન્ટ લખી તેના જવાબ શોધવા લાગ્યો. દાદાજીએ આગળ કહ્યું, ‘સમસ્યાઓ તો આવે અને જાય, તેને માથે લઈને બેસી જવું નહિ.વાતો અને બુમાબુમ ઓછી અને કામ વધારે કરવું.
તકલીફો પર ધ્યાન આપવું, પણ માત્ર તકલીફો પર નહિ, બીજા કામ પર પણ એટલું જ ધ્યાન આપવું.બીજાનો સાથ લેવો અને હા, કાલે હું તારી સાથે આવીશ. પછી આગળ વાત કરીશું. તું હિંમત ન હાર, જાત પર વિશ્વાસ રાખ, સમસ્યાઓ તો આવતી રહે અને આપણે તેમાંથી માર્ગ કાઢતા રહેવાનું. જો જીવનમાં કે વેપારમાં સમસ્યાઓ ન આવે તો તમે બીજા માટે સમસ્યા બની જાવ.’ આટલું કહી દાદા હસ્યા અને યુવાનને મુશ્કેલીથી લડવાની રીત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે