ભરૂચ: ભરૂચ (Bharuch) નગરમાં વર્ષોના વહાણા બાદ ભૂગર્ભ (Underground) ગટર યોજના આગામી સમયમાં સાકાર થવા જઈ રહી છે. અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઇ માટે પાલિકાને લાખોની કિંમતનો સોલાર રોબોટની (Solar Robot) ભેટ મળી છે.
- એક વખતમાં ૨૦ ફૂટ અંદર જઈ ૫૦૦ કિલો જેટલો કચરો કાઢવા સક્ષમ
- અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે વેરાના દરો પાલિકાની સભામાં નક્કી કરાયા
ભરૂચ નગર પાલિકાના સભાખંડમાં પ્રમુખ અમિત ચાવડા, મુખ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભરૂચને ભૂગર્ભ ગટર યોજનાની સફાઈ માટે જી.યુ.વી.એન.એલ. ના CSR માંથી સફાઈ કામદાર સોલાર રોબોટની અપાયેલી ભેટનું લોકાર્પણ કરાયું હતું. આ સોલાર રોબોટ સફાઈ કામદાર મેન હોલમાંથી ૨૦ ફૂટ અંદર જઈ તેમાં લાગેલા કેમેરાથી ભૂગર્ભ ગટરમાં જમા થયેલો કચરો સાફ કરશે. એક સમયે કચરાને બહાર કાઢવાની તેની ક્ષમતા ૫૦૦ કિલો છે.
સભામાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ માટે વેરાના દર પણ નક્કી કરાયા હતા, જેમાં રહેણાક માટે મિલકત વેરાના ૨૫ % અથવા રૂ.૫૦૦થી ઓછા નહીં. કોમર્શિયલ માટે મિલકત વેરાના ૫૦ ટકા, શૈક્ષણિક સંસ્થાઓ માટે ૧૫ ટકા અને ધાર્મિક સ્થળો માટે અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ ચાર્જ રૂપિયા ૨૫૦ નિયત કરાયો છે. જેને મંજૂરી માટે કમિશનરમાં મોકલી અપાશે.
આ સભામાં વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકરે ગત બજેટ સભાની મિનીટ્સ નામંજૂર કરી હતી. શહેરમાં ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટર સેવા આપવામાં ૧૦૦ ટકા ફેઈલ રહ્યો હોવાનો સૂર વ્યક્ત કરાયો હતો. સાથે જ તેને અપાયેલા વાર્ષિક હિસાબોમાં સુધારાની માંગ કરતાં પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ આ માટે તપાસ કમિટીની નિમણૂક કરી હતી. આ સભામાં ઉપપ્રમુખ, વોટર વર્ક્સના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા, અન્ય ચેરમેનો અને સભ્યો હાજર રહ્યા હતા.
તરસાડી નગરના વિવિધ વિકાસનાં 47 કામો માટે લોકાર્પણ
હથોડા: માંગરોળમાં તરસાડી નગરના વોર્ડ નં.6 અને 7માં સમાવિષ્ટ સંસ્કારદીપ સોસાયટી, જૂનાગામ તરસાડી, રંગદર્શન સોસાયટી, વિજય કુટિર, ટર્નિંગ પોઇન્ટ ચીકુવાડી, કે.પી. પાર્ક સોસાયટી, પાંચ ફેક્ટરી વિસ્તારમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાના પ્રયાસથી વિવિધ વિકાસનાં કામો જેવા કે, ગટર લાઇનનાં કામો 6 રૂ.10.04 લાખ, પેવર બ્લોકનાં કામો 18 રૂ.101.35 લાખ, સી.સી. રસ્તાનાં તથા અન્ય કામો 7 રૂ.32.61 લાખનાં કામો મળી કુલ 31 કામનાં રૂ.143 લાખના લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તેમજ ગટર લાઇનનાં 4 કામો રૂ.23.51 લાખ, પેવર બ્લોકનાં 5 કામ રૂ.100.77 લાખ તેમજ સી.સી. રોડ તથા અન્ય 5 કામ રૂ.23.11 લાખનાં કામો મળી કુલ 14 કામનાં રૂ.53 લાખનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ તરસાડીનગરની આગવી ઓળખનો ભવ્ય એન્ટ્રી ગેટ ટર્નિંગ પોઇન્ટ પાસે રૂ.60 લાખ અને ચોમાસામાં તરસાડીનગરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પ્રિ-મોન્સૂનની કામગીરીને ધ્યાને રાખીને રૂ.2.52 લાખના ખર્ચે 1600 ડાયામીટરની ગટર લાઇન, ટર્નિંગ પોઇન્ટથી કુંવરદા રોડ સુધીના કામનું ખાતમુહૂર્ત મળી કુલ 47 કામ માટે રૂ.5.39 કરોડના ખર્ચે લોકાર્પણ/ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સંગઠન મહામંત્રી, સુરત જિલ્લા ભાજપા, દીપક વસાવા, ઉપપ્રમુખ સુરત જિલ્લા ભાજપા અને તરસાડીનગરના પ્રભારી અનિલ શાહ, પ્રવીણ પટેલ, તરસાડી નગરના પ્રમુખ દેવેન્દ્રસિંહ ચૌહાણ, તરસાડી નગરપાલિકાના પ્રમુખ મીનાબેન શાહ, રાકેશ સોલંકી સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.