મુંબઇની ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર વિત્યા સાડા-પાંચ, છ દાયકા દરમ્યાન જેમના લખેલા નાટકો, રૂપાંતરો સહુથી વધુ ભજવાયાં હોય તે પ્રવીણ સોલંકી છે. તેમના લખેલા ને રૂપાંતરિત નાટકોના વિષય, ભજવણી, દિગ્દર્શકો ને અભિનેતા-અભિનેત્રીને કેન્દ્રમાં રાખી, પ્રામાણિક રહી સ્મરણો લખાય તો વિત્યા છ દાયકાની મુંબઇની ગુજરાતી રંગભૂમિનો આંશિક આલેખ મળે. આંશિક એટલા માટે કે આ દરમ્યાન ઉત્તમ ગડા, વિહંગ મહેતા, નિકિતા શાહ- જયોતિ વૈદ્યથી માંડી રાજેશ જોષી, આતીશ કાપડિયા, મિહિર ભૂતા, સ્નેહા દેસાઇ, નીલેશ રૂપાપરા અને બીજા અનેક નાટ્યલેખકો પણ આ દરમ્યાન સક્રિય રહ્યા છે.
શૈલેશ દવે, ઉપેન્દ્ર ત્રિવેદી, સુરેશ રાજડા, દિનકર જાની, ગિરેશ દેસાઇ, બરજોર પટેલ, અરવિંદ જોષી, પરેશ રાવલ, હોમી વાડિયા, મનોજ શાહ, વિપુલ મહેતા, સિધ્ધાર્થ રાંદેરિયા સહિત અનેક દિગ્દર્શકોએ પણ નાટક રજૂ કર્યા છે. હમણાં સંગીતા-સુધીર વડે આલેખિત ‘સોલંકી પ્રવીણ છે’ શીર્ષક હેઠળ પ્રવીણ સોલંકીના જીવન અને નાટ્ય લેખનને કેન્દ્રમાં રાખેલી જીવનકથા પ્રગટ થઇ છે. જો કે આ શુધ્ધ, વિગતપરક જીવનકથા નથી બલકે આલેખક સંગીતા-સુધીરના અંગત પ્રતિભાવોથી ભરપૂર, બિનજરૂરી વિશેષણોથી છલકાતી અને તેથી પ્રવીણ સોલંકીના નાટ્યલેખનને વધુ સઘન રીતે આલેખતી જીવનકથા નથી બનતી. અંગત પ્રેમથી લખાયેલી હોય અને પ્રકાશકો પણ પોતે જ હોય ત્યારે વધારે ફરિયાદ કરવામાં પણ ઔચિત્ય નથી.
સ્વતંત્રતા પછીની અને ખાસ કરીને 1955-60 પછીની મુંબઇની રંગભૂમિ પર સૌથી પ્રભાવક નામ પ્રવીણ જોશીનું જ હોય શકે અને તેમના મુખ્ય રૂપાંતરકારો જયંત પારેખ, મધુ રાય, સિતાંશુ યશશ્ચન્દ્ર, તારક મહેતા રહ્યા. ઉપેન્દ્ર ત્રિવેદી, શૈલેશ દવે જે નાટકોનું દિગ્દર્શન કરતા તે લગભગ પોતે લખતા. એ નવલકથા આધારિત પણ હોય યા અન્ય ભાષાના નાટક કે ફિલ્મ આધારિત રૂપાંતર પણ હોય. ‘સોલંકી પ્રવીણ છે’ નામના બાયોગ્રાફિકલ પર્સનલ સ્કેચમાં એક પણ વાર પ્રવીણ જોષીનો ઉલ્લેખ નથી. પ્રવીણ સોલંકી નાટ્ય રૂપાંતરકાર તરીકે સહુથી વધુ સન્માન પામ્યા કાન્તિ મડિયા માટે લખેલા નાટકોથી તો અહીં એ નાટકોની સર્જનપ્રક્રિયા વિશે વધુમાં વધુ વિગતો ઉપલબ્ધ થવી જોઇતી હતી પણ અહીં વારંવાર ‘બાણશય્યા’ નાટક જ ઉલ્લેખ પામે છે.
‘હુઝ લાઇફ ઇઝ ઇટ એનીવે’ પરથી તે લખાયેલું. પ્રવીણ સોલંકી કયારેય કોઇ નાટકના સીધા અનુવાદ નથી કરતા બલકે કૃતિને આધાર બનાવી બિલકુલ પોતાની લેખકીય શકિતને કામે લગાડે છે અને એટલે જ તેઓ વ્યવસાયી રંગભૂમિની શરતોને આધીન રહી સફળતા મેળવી શકયા છે. આમ છતાં જે કૃતિનો આધાર લીધો હોય એ ખૂબ અગત્યનો હોય છે. તે ફકત બીજરૂપ હોય તો પણ તે ‘બીજ’ છે તો જ આખું નાટક પાંગર્યું- વિકસ્યું હોય છે. આ બાયોગ્રાફિકલ સ્કેચ વાંચનારના મનમાં એવો ભ્રમ જાગશે કે આ 205 નાટકો પ્રવીણ સોલંકીના મૌલિક નાટકો છે. બાયોગ્રાફી લખનારને પ્રવીણ સોલંકી માટે ખૂબ પ્રેમ અને આદર હોય તો પણ આ મોટો દોષ છે. લખનાર બેલડીએ તો પ્રવીણ સોલંકીને વારંવાર કાલિદાસ, શેકસપિયર પછીના ત્રીજા ક્રમે મૂકયા છે અને ત્યાં સુધી લખ્યું છે કે જો આ નાટકો અંગ્રેજીમાં લખાયા હોત તો પ્રવીણ સોલંકીને નોબેલ પારિતોષિક મળ્યું હોત. એક જગ્યાએ તો તેમને ભારતરત્ન મેળવવા પાત્ર પણ ગણાવાયા છે.
પ્રવીણ સોલંકીને વારંવાર ‘ગુજરાતી ભાષાના મહાન નાટ્યલેખક’ ગણાવાયા છે. જે ઔચિત્ય વિનાનું વિશેષણ છે, ખોટી પ્રશસ્તિ છે. પણ આમાં વાંક પ્રવીણ સોલંકીનો નથી બલકે ‘સોલંકી પ્રવીણ છે’ની આલેખક બેલડીનો છે. પુસ્તકમાં એકના એક પ્રસંગો, પ્રશસ્તિ વચનો વારંવાર રિપીટ થયા છે. પ્રવીણભાઇની કુટુંબ છબી ઉપસાવવા તેમનાં પત્ની જયોતિબહેનની છબી સમાંતરે આલેખવામાં આવી છે. આમાં પણ ઔચિત્ય નથી. નાટ્યલેખક પ્રવીણ સોલંકીની વાત હોય તો તેમનાં નાટકો, દિગ્દર્શકો, તેની ભજવણીની વિશેષતાઓ અને અભિનેતા-અભિનેત્રીની વિગતો હોય તો તે વધુ ઉપકારક કહી શકાય. અન્ય એક મર્યાદા એ પણ છે કે આલેખકો પોતાની વાત વારંવાર જોડી દે છે અને જીવનકથાને વધારે પર્સનલ બનાવી દે છે. પ્રવીણ સોલંકીની નાટ્યલેખક તરીકેની ઉપસ્થિતિએ મુંબઇના વ્યવસાયી નાટ્ય નિર્માતાઓને ઘણી મદદ કરી છે.
વ્યવસાયી નાટકની જરૂરિયાતને તેઓ બરાબર સમજયા છે અને દિગ્દર્શકની જરૂરિયાત પ્રમાણે, સતત સભાનતા સાથે નાટક લખ્યા છે. તેમની સફળતાનું કારણ પણ એ જ છે કે તેઓ વ્યવસાયી નાટકની શિષ્ટ અને માંગને અનુસર્યા છે. તેમની આ વિશિષ્ટતા પુસ્તકમાં પ્રગટ પણ થઇ છે પણ તેમણે લખેલા નાટકોના અભ્યાસ-અધ્યયનના પરિણામરૂપ નહીં બલકે ઉદ્ગાર-નિરીક્ષણ ભાવે. પ્રવીણ સોલંકી પૂરા અર્થમાં નાટકનો જીવ છે અને તેથી જ લલિત શાહ, કમલેશ દરુ સાથે રહી, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી વડે ફૂલલેન્થ ગુજરાતી નાટકોની મુંબઇથી ગુજરાત વ્યાપી નાટ્યસ્પર્ધા શકય બની છે ને સતત ચૌદ વર્ષ સક્રિય રહી છે. (કોરોનાનાં બે વર્ષમાં તે ન થઇ શકી) આ બધું આ પુસ્તકનો ભાગ બન્યું તે ઉત્તમ કહેવાય. પણ આલેખકો એક તો પોતાની લાગણીઓ નાટકના ઇતિહાસના પરિપ્રેક્ષ્ય સાથે વિવેકપૂર્ણ રીતે ફ્રેઇમ કરી શકયા નથી. તેમણે અખબારી વિગતોનો ય એટલો જ આધાર લીધો છે ને ઉત્સાહ-ઘેલા થઇ પોતાના મનમાં જે આવે તે લખે છે. 200થી વધુ નાટક લખનાર લેખક-રૂપાંતરકારને તેઓ વધુ વિચારદગ્ધ રહી આલેખી શકયા હોત તો આ લેખન સાર્થક નીવડયું હોત.
ખેર! પ્રવીણ સોલંકીની નાટ્યલેખનની ભૂમિકા એક પૃષ્ઠ 109 પર શબ્દબધ્ધ થઇ છે તે રસપ્રદ છે. ‘પ્રેક્ષકોને લાંબી લાંબી પ્રસ્તાવનાભરી શરૂઆત નથી ગમતી. એમને સાક્ષરોની ભદ્રંભદ્ર ભાષા નથી ગમતી. પ્રેક્ષકોને કોઇ પણ જાતનો સીધેસીધો અપાતો ઉપદેશ નથી ગમતો. એમને ભારેખમ રજૂઆત કરતાં નાટકો પસંદ નથી પડતાં. નાટકોમાં બિનઘટનાત્મક દ્રશ્યો પ્રેક્ષકોને નડે છે. પ્રેક્ષકો પોતે, જાતે અકળાયેલા હોય છે. આજની સમાજવ્યવસ્થાથી ત્રાસેલા હોય છે. એમને પોતાને કોઇ ને કોઇ વાતનો ડંખ હોય છે. કોઇ પત્નીથી અસંતુષ્ટ હોય છે. કોઇને પતિનો ત્રાસ હોય છે. મા-બાળક, સગાંવહાલાં, નોકર-ચાકર, માલિક, લેણદારો, મોંઘવારી આ બધાથી કંટાળો, એનો ત્રાસ વીસરી જવા ઇચ્છતા હોય છે. આથી નાટકમાં ગરીબી, રોગ, વ્યાધિ કે ઉપાધિ, કકળાટ પ્રેક્ષકોને ગમતો નથી. મનોરંજન વગરની વાર્તા ધરાવતું નાટક પ્રેક્ષકોને નથી જોઇતું. પ્રવીણ સોલંકીની સફળતા આ ભૂમિકામાં રહેલી છે. બાકી તેમની શૈલી, નાટકના માળખા પરની પકડ ઉમેરી શકો. મુંબઇની વ્યવસાયી રંગભૂમિને તેમણે આ ભૂમિકા અને સજ્જતાથી જ સતત નાટકો આપ્યા છે. આ બાયોગ્રાફીકલ સ્કેચ જો આલેખકના અંગત ભાવ-પ્રતિભાવથી બચી શકયો હોત તો યોગ્ય થાત. પુસ્તક: સોલંકી પ્રવીણ છે આલેખન: સંગીતા-સુધીર પૃષ્ઠ સંખ્યા: 246 કિંમત: રૂા.499/- પ્રકાશક: યુએસએ વિઝા વિન્ડો, C/0 સુધીર શાહ એન્ડ એસોસિયેટ્સ, કરીમ ચેમ્બર્સ, ત્રીજે માળે, અંબાલાલ દોશી માર્ગ, ફોર્ટ, મુંબઇ-400023