તાઉતે વાવાઝોડા બાદ ખાસ કરીને ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લાના માછીમારોને રાજય સરકારે આપેલા રાહત પેકેજ અંગે કોળી સમાજના નેતા અને રાજયકક્ષાના મંત્રી પુરૂષોત્તમ સોલંકીએ નારાજગી વ્યકત્ત કરી છે, તો બીજી તરફ આજે ગાંધીનગરમાં આ મુદ્દે કેબિનેટ બેઠકમાં ઔપચારીક ચર્ચા થવા પામી છે. જેમાં સરકારે માછીમારોને આપવામાં આવેલા 105 કરોડના રાહત પેકેજનો બચાવ કર્યો છે.
પુરૂષોત્તમ સોલંકીએ કહ્યું હતું કે, માછીમારોને થયેલા આર્થિક નુકસાન સામે આ રાહત પેકેજ ઓછું છે. ભાજપના નેતાઓને માછીમારોની કોઈ જ ચિંતા નથી. ભાજપ સરકારમાં અધૂરા પેકેજ જાહેર થાય છે. એટલુ જ નહીં માછીમારોને વ્યક્તિગત કોઈ મોટી મદદ મળી નથી. બીજી તરફ આવતીકાલે ભાવનગરમાં કોળી સમાજના આગેવાનોની મહત્વની બેઠક અહીંના એક રિસોર્ટમાં યોજાનાર છે, જેમાં ચૂંટણી પેહલા કોળી સમાજને એક મંચ પર લાવીને સમાજનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરાશે.
બીજી તરફ રાજય સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયેલા માછીમારો માટેના 105 કરોડના રાહત પેકેજનો બચાવ કરતાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે તાઉતે વાવાઝોડા સંદર્ભે ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય એવું ઐતિહાસિક રૂ.૧૦૫ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલું છે.
જેના ભાગરૂપે અત્યાર સુધીમાં બોટ અને બોટ જાળ જેવી સાધન સામગ્રી પેટે રૂ. ૧૦ કરોડની સહાય ચૂકવી દેવાઈ છે. પૂર્ણ નુકસાની પામેલી બોટના કિસ્સામાં કુલ ૧૧૩ માછીમારોને રૂ. ૩ કરોડની સહાય આપવામાં આવી છે. અંશત: નુકશાની પામેલ બોટના કિસ્સામાં કુલ ૭૮૭ માછીમારોને રૂ. પ કરોડની સહાય મળી છે. કુલ ૯૦૦ માછીમારોને રૂપિયા ૮ કરોડની બોટ નુકશાની પેટે સહાય આપવામાં આવી છે.
માછીમારોની બોટ જાળને થયેલ નુકશાની માટે કુલ ૮૨૧ માછીમાર લાભાર્થીને કુલ રૂ. ૨ કરોડની સહાય અપાઈ છે. તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત સાગરખેડૂઓને મકાન નૂકશાન સહાય-કેશડોલ્સ-ઘરવખરી સહાયના કુલ રૂ. ૭ કરોડ ૮ લાખ ચૂકવાયા છે. સમગ્રતયા રૂ. ૧૭.પ૦ કરોડની સહાય સાગરખેડૂ-માછીમારોને રાજ્ય સરકારે ચૂકવી છે. ૭૭ ખલાસીઓને રૂ. ૧.૫૪ લાખ નિર્વાહ ભથ્થું પણ ચૂકવી દેવાયુ છે. એટલું જ નહીં આ રાહત પેકેજનો લાભ લેવામાં જો કોઈ માછીમારો વંચિત રહી ગયા હશે તો પણ તેઓને પણ પેકેજની સહાય પૂરી પડાશે.