Entertainment

સોહા અલી ખાનકામ નથી તો પરેશાન

સોહા અલી ખાન આમ જુઓ તો શર્મિલા ટાગોરની દિકરી, સૈફની બહેન છે, સારાની ફોઇ છે અને અલબત્ત કુણાલ ખેમુની પત્ની છે. શર્મિલા ટાગોર ‘કાશ્મીર કી કલી’ તરીકે મશહુર થયેલી અને કુણાલ કાશ્મીરના શ્રીનગરનો જ છે. એટલે સોહાને કાશ્મીરીઓ વહુ ગણી શકે, પણ આ બધું હોય એટલે ફિલ્મમાં જામી જવાય એવું તો નથી. ‘ચોરની-2’માં તે દેખાય છે પણ ગયા વર્ષે તે ફક્ત ‘69’માં આવી હતી અને તે પહેલાનાં ચાર વર્ષ ખાલી ગયા હતા.
હકીકતે સોહાની કારકિર્દી ક્યારેય બની જ નથી. તે પ્રોપર રીતે લોન્ચ પણ થઇ ન હતી. તેની પહેલી ફિલ્મ ‘દિલ માંગે મોર’ છે પણ તેમાં તો શાહીદ કપૂર સાથે ત્રણ હીરોઇન હતી. ‘પ્યાર મેં ટ્‌વિસ્ટ’ ફિલ્મમાં તો રિશી કપૂર, ડિમ્પલ કાપડિયા હતા. તે હંમેશા અનેક કલાકારો વચ્ચે નાની ભૂમિકામાં ખોવાયેલી રહી છે કારણ કે, તેને અભિનેત્રી તરીકે કોઇએ ખાસ મહત્ત્વ આપ્યું જ નથી.
સોહા પોતાની કારકિર્દી બચાવવા સતત ઝઝૂમી છે અને તેથી બંગાળી અને ઇંગ્લિશ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેની પહેલી બંગાળી ફિલ્મ શરદબાબુની નવલકથા ‘શ્રીકાંત’ પરથી બનેલી અને સોહાને નાયિકાની ભૂમિકા મળેલી. અરે ‘અંતરમહલ’ નામની ફિલ્મમાં પણ તે જેકી શ્રોફની યુવા પત્ની બનેલી. અંગ્રેજી ફિલ્મ ‘ચૌરાહે’માં તો તેણે ઝિન્નત અમાન સાથે કામ કરેલું. ‘લાઇફ ગોઝ ઓન’ ફિલ્મમાં શર્મિલા ટાગોર, ગિરીશ કર્નાડ, ઓમ પુરી હતા. તેણે સલમાન રશદીની નવલકથા પરથી બનેલી ‘મિડનાઇટ્‌સ ચિલ્ડ્રન’માં પણ કામ કરેલું પરંતુ હિન્દી ફિલ્મોમાં તે કોઇ મોટો ઇમ્પેક્ટ મુકી શકી નથી. બાકી ‘સાહેબ, બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’, ‘ગો ગોવા ગોન’, ‘ઘાયલ વન્સ અગેઇન’માં પણ તેણે કામ કર્યું છે. સોહા ગ્લેમર લુક ધરાવતી નથી અને તેણે તેના ભાઇ સૈફ અલી ખાને ય ક્યારેય કામ અપાવ્યું નથી. અરે, ‘મડગાંવ એક્સપ્રેસ’ ફિલ્મનો દિગ્દર્શક તેનો પતિ કુણાલ જ હતો પણ તેમાં ય એકાદ દૃશ્ય માટે સોહા નહોતી. આમ છતાં સોહા તેને મળે તે ફિલ્મમાં કામ કરે છે. તેના માટે મર્યાદિત તક છે તેવું સમજે છે અને હમણાં ‘બ્રિજ’ ફિલ્મમાં માધવન સાથે કામ કરે છે.
સોહા કહે છે કે મારી મા સાથે મારી તુલના જ કરવી ખોટી છે. તેનું સૌંદર્ય પણ એવું હતું અને ટેલેન્ટ હતું. મારી મા અમને સ્વતંત્ર રીતે આગળ વધારતી રહી છે. દરેકની કારકિર્દી દરેકે સંભાળવાની હોય છે.
અમે એકબીજાના આધાર જરૂર છે પણ ફિલ્મો કોઇ સગપણને કારણે સફળ નથી જતી. સૈફ ભાઇની કારકિર્દી પણ ઉથલપાથલ વચ્ચે જ આગળ વધી છે એટલે મારે મારી રીતે આગળ વધવાનું છે. કુણાલ દિગ્દર્શક તરીકે આગળ વધી રહ્યો છે પણ મારા યોગ્ય પાત્ર ન હોય તો લઇ ન શકે. •

Most Popular

To Top