ખાનપુર: મહિસાગર જિલ્લામાં મંગળવારે વિશ્વ આદિવાસી દિવસની સંતરામપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરંપરા વેશભૂષા, ઢોલ, શરણાઇ, તલવાર અને બંડી પાઘડી તથા તીર કામઠાં સાથે ઉત્સાહભેર આદિવાસી જન સમુહ ઉજવણીમાં જોડાયો હતો. આ પ્રસંગે વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી સમાજ વ્યસન મુક્ત બની સંગઠીત થઇ સમાજના કુરીવાજોને દુર કરી સાચા અર્થમાં વિશ્વ આદિવાસી દિવસ ઊજવવાની અપીલ ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોરે કરી હતી. આ સાથે જિલ્લાના વિવિધ 3379 કામનું રૂ.3492.87 લાખના ખાતમુર્હૂત ને લોકાર્પણ કર્યાં હતાં.
મહીસાગર જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી સંતરામપુર ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડીડોરે જણાવ્યું હતું કે, સરકારે વન બંધુ કલ્યાણ યોજના, પેસા એક્ટ, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, સમરસ છાત્રાલય, આદિવાસી વિસ્તારમાં મેડીકલ કોલેજો, ગુણવત્તા યુક્ત શિક્ષણ, પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનો અમલ કરી આદિવાસી સમાજ વધુ સંગઠીત બન્યો છે. સમાજને વ્યસન મુક્ત બની સંગઠીત થઇ સમાજના કુરીવાજોને દુર કરી સાચા અર્થમાં આદિવાસી દિવસ ઉજવવાની અપીલ કરી હતી. આ પ્રસંગે ઉત્સાહ ઉમંગથી યુવાનો વડીલો મહીલાઓ હાજર રહ્યા હતા. એક તીર એક કમાન, સૌ આદિવાસીઓ એક સમાનના જય ઘોષથી આદિવાસી સમાજની પરંપરાગત બંડી – પાઘડી, તલવાર, તીર અને ઢોલ થાળી કુંડી, શરણાઇના તાલે મન મુકીને ઝૂમી ઉઠ્યાં હતાં.
પરંપરાગત નાચગાન સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ, વન અધિકાર પત્રોનુ વિતરણ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રશસ્તી પત્રો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમારે સૌને આવકાર્યા હતા. આદિવાસી સમાજના માનવ મહેરામણ વચ્ચે ઉજવણી કાર્યક્રમ પ્રાયોજના વહીવટદાર જે.કે .જાદવના આભાર દર્શન સાથે સંપન્ન થયો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખણી વિગેરે હાજર રહ્યાં હતાં.
સંતરામપુર નગરમાં રેલી યોજાઇ
સંતરામપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. જેમાં સંતરામપુરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી આગેવાનો, વૃદ્ધો, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં. આ રેલી જોહર ચોક આદિવાસી કોલેજ પાસેથી ઢોલ, નગારા ત્રાસા સાથે નૃત્ય કરતાંને નાચગાન કરતી ડીજેના તાલે જય જૌહરના નારા સાથે વાજતે ગાજતે નિકળી હતી.