ઘણાને યાદ હશે કે ટેલિવિઝનનો યુગ હતો ત્યારે તે ‘ઈડિયટ બૉક્સ’તરીકે ઓળખાતું હતું. તેના આગમન પછી લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું હતું. ‘ઈડિયટ બૉક્સ’તરીકે તેના ઓળખાવાનાં બે મુખ્ય કારણ હતાં. એક તો તે એકપક્ષી પ્રત્યાયન કરતું હતું. હજી ‘ચલ’ચિત્ર માટેનું લોકોનું વિસ્મય ઓસર્યું નહોતું આથી ટી.વી.માં જે કંઈ દેખાડવામાં આવે તે લોકો જોતા રહેતા. ખાસ કરીને બાળકોની કલ્પનાશક્તિ અને વિચારશક્તિ પર તેની વિપરીત અસર થતી હોવાનું મનાતું. બીજું કારણ કદાચ એ હશે કે તેને લઈને બેઠાડુ જીવનશૈલીનું ચલણ વધતું ચાલ્યું. અલબત્ત, દરેક ટેક્નોલોજીની સારીનરસી બન્ને બાજુ હોય છે, અને કહેવાતું આવ્યું છે એમ એ તેનો ઊપયોગ કરનારના વિવેક પર આધાર રાખે છે. ટી.વી.નો વ્યાપ સતત વધતો ચાલ્યો એ પછી થોડાં વરસોમાં મોબાઈલ ફોનનું આગમન થયું. આરંભે સાવ પ્રાથમિક કક્ષાના ફોન પછી તે ‘સ્માર્ટ’થતા ચાલ્યા. હવે તેમાં આખી દુનિયા સમાય છે.
કમ્પ્યુટર અને ઈન્ટરનેટના આગમનને કારણે સોશ્યલ નેટવર્કિંગનાં માધ્યમોનો વ્યાપ વધ્યો, અને સ્માર્ટ ફોન આવતાં તે વૈભવ મટીને જરૂરિયાત બની ગયો છે. આ માધ્યમનાં અનેક દૂષણો છે, તેમ સારાં પાસાં પણ છે. કેમ કે, છેવટે તે વપરાશકર્તા પર આધાર રાખે છે. પણ વપરાશકર્તાઓના વલણને કારણે ટેક્નોલોજી વગોવાતી રહે છે. પહેલાં ઘરદીઠ એક ફોન રહેતો. એ પછી મોબાઈલ ફોન આવતાં એકથી વધુ ફોન ઘરમાં થયા. હવે કાન દીઠ એક ફોન હોય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ટી.વી.ના આગમનને પગલે જે ધાસ્તી સેવાતી હતી એ જ મોબાઈલ ફોન અને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો થકી વધતી રહી છે.
ઑનલાઈન રહેવું હવે જાણે કે સર્વસામાન્ય વળગણ બની રહ્યું છે. તરુણાવસ્થામાં આ વળગણ કેટલું નુકસાનકારક અને જોખમી બની રહે છે એ બાબતે અઢળક સંશોધનો થઈ ચૂક્યાં છે. આ માધ્યમો એક તરફ સર્જનશીલતા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે, એમ અનેકવિધ યા સમરસિયા લોકોના સંપર્ક માટેનું માધ્યમ પણ બની રહે છે. છતાં આ માધ્યમ પ્રમાણમાં હજી નવુંસવું હોવાથી એ અંગેનો શિષ્ટાચાર ઝાઝો કેળવાયો નથી.
અમેરિકાના વૉશિંગ્ટન સ્થિત ‘પ્યુ રિસર્ચ સેન્ટર’દ્વારા કરાયેલા એક અભ્યાસના અહેવાલમાં આ બાબત વધુ ને વધુ ઊજાગર થઈ છે. એ મુજબ અડધાઅડધ તરુણોએ જણાવ્યું કે પોતે સતત ઑનલાઈન રહે છે. તેમના માટે સૌથી પ્રિય માધ્યમ યુટ્યૂબનું છે, અને 90 ટકા તરુણોએ જણાવ્યું કે તેઓ એની પર વીડિયો જોતા રહે છે. અગાઉ 2020માં પ્રકાશિત થયેલા ‘જામા સાઈકીએટ્રી’ના અભ્યાસમાં જણાયું હતું કે દિવસના ત્રણ કલાકથી વધુ સમય સોશ્યલ મીડિયા પર પસાર કરતાં બાળકોને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા થઈ શકે છે. ઉદાસી અને નિરાશા ઊપરાંત તેઓ આત્મઘાતી વલણ પણ દાખવી શકે છે. ખાસ કરીને છોકરીઓને આની અસર વધુ થવાની સંભાવના છે, કેમ કે, પોતાના દેખાવ બાબતે સભાન હોવાનું તેમની પર સતત દબાણ રહેતું હોય છે.
આ માધ્યમોને કારણે ઊભી થયેલી ‘સરખામણીની સંસ્કૃતિ’ને કારણે માનસિક સ્વાસ્થ્યને લગતી તકલીફો થાય છે. આ બાબતે થયેલા વિવિધ અભ્યાસ સૂચવે છે કે સતત સરખામણી કરાતી રહેવાને કારણે આત્મવિશ્વાસનું સ્તર નીચું રહે છે, શરીર પ્રત્યે અસંતોષ વધે છે. યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયાના અન્ય એક અભ્યાસમાં જણાયું કે તરુણોને સામાજિક માધ્યમોનો ઊપયોગ દિવસની ફક્ત ત્રીસ મિનિટ પૂરતો કરવાનું જણાવ્યું અને તેનો અમલ કરાતાં તેમનામાં હતાશા અને અધીરાઈનું પ્રમાણ ઘટેલું જોવા મળ્યું.
હકીકત એવી છે કે નાનામોટા સૌ હજી આ માધ્યમથી ટેવાયા નથી અને મોટા ભાગનાઓને મન તે એક કૌતુક વધુ છે. મોટાઓમાં કદાચ આ માધ્યમના ઉપયોગની આડઅસરરૂપે હતાશા કે નિરાશાનું પ્રમાણ ઓછું હોઈ શકે, પણ તેના વપરાશ અંગેના વિવેકનો સદંતર અભાવ છે. આ માધ્યમ સાથે સૌથી વધુ કામ પાર પાડી રહ્યા હોય તો એ છે સાયબર ઠગો. ‘ગામ વસ્યું નથી કે લૂંટારા આવી ગયા’ના ન્યાયે કોઈ ટેક્નોલોજી કે સામાજિક માધ્યમ ચલણમાં આવે, લોકો એનાથી ટેવાય-કેળવાય એ પહેલાં તેની ખૂબીઓ સાયબર ઠગો સારી પેઠે જાણીસમજી લે છે અને ભલભલા લોકોને એક યા બીજી રીતે ઠગવામાં સફળ થાય છે.
આવા સાયબર ઠગોને નાથવામાં સરકાર પણ કદમ મિલાવી શકતી નથી એનું સૌથી પ્રગટ ઉદાહરણ એટલે અખબારોમાં આવતી સરકારની ચેતવણીની જાહેરખબર અને આપણા સૌના ફોનની કૉલરટ્યૂન તરીકે સંભળાતો સરકારી સંદેશ. એ સંદેશમાં જણાવ્યા મુજબ, પોલિસ, સી.બી.આઈ. કે ન્યાયાધીશ સુદ્ધાં નકલી હોઈ શકે છે. આ દર્શાવે છે કે ચોરની આંખ ચાર હોય છે. વર્તમાન યુગમાં ટેક્નોલોજીની ઝડપ એટલી બધી છે કે હજી એક ટેક્નોલોજીથી માંડ ટેવાઈએ ત્યાં એ બદલાઈ જાય છે. પ્રમાણમાં ઓછા લોકો આ ઝડપે બદલાતી ટેક્નોલોજી સાથે તાલ મિલાવી શકે છે.
આનો ઊપાય શો? અલબત્ત, સર્વસામાન્ય ઊકેલ મુશ્કેલ છે, છતાં ખાસ કરીને તરુણ વયના વપરાશકર્તાઓ માટે જરૂરી સહાય કેન્દ્રો હોય એ આદર્શ સ્થિતિ કહી શકાય. કેમ કે, તેમની પાસે લાંબું જીવન છે, અને જીવનના આરંભિક તબક્કે તેઓ આવી આભાસી બાબતને લઈને માનસિક સ્વાસ્થ્ય બગાડી બેસે એ યોગ્ય નથી. ટેક્નોલોજી સાથે પનારો પાડનારા તેમજ હજી જે વૈચારિક રીતે ઠરેલ રહી શક્યા હોય એવા નાગરિકો આ મુદ્દા સાથે સંકળાઈ શકે. આ મામલો હકીકતમાં ગંભીર વિચાર માગી લેતો છે, કેમ કે, આવનારા દિવસોમાં આ માધ્યમો પર અવલંબન વધતું રહેવાનું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.