સાપુતારા: (Saputara) પ્રવાસીઓ સાથે લૂંટનો અન્ય રાજ્યનો વિડીયો (Video) ગિરિમથક સાપુતારાનો હોવાનું જણાવી સોશિયલ મિડિયામાં ફરતો કરાતા ભારે હોબાળો મચી ગયો છે. બીજી તરફ સાપુતારા પોલીસ મથકનાં ઇન્ચાર્જ પી.એસ.આઈ. બી.આર. રબારીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં (Social Media) સાપુતારામાં પ્રવાસીઓને અસામાજિક તત્વો લૂંટી (Loot) રહ્યાનો વિડિયો વાયરલ થયો છે. જે અંગેની તપાસ કરતા આ વિડીયો સાપુતારા કે ડાંગ જિલ્લાનો નથી.
કોરોનાની બીજી લહેર શાંત થતા સાપુતારા ધીમે ધીમે પ્રવાસીઓનાં પગરવથી ધબકતું થયુ છે. હાલમાં જૂન મહિનાનાં વરસાદી માહોલ અને પ્રકૃતિનો આસ્વાદ માણવા સાપુતારામાં રાજ્ય ભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તેવામાં રવિવારે ડાંગ સહિત ગુજરાત રાજ્યનાં અનેક સોશિયલ મીડિયા ગ્રુપમાં સાપુતારામાં ફરવા આવતા પ્રવાસીઓ સાથે અમુક ઈસમો લૂંટ કરી રહ્યાનો વિડીયો વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયો સાપુતારાનો હોવાનું જણાવી પ્રવાસીઓને સાવચેત રહેવા જણાવવામાં આવ્યુ હતુ. જેમાં કારમાં સવાર પ્રવાસી કપલ સાથે થયેલી લૂંટનો વિડીયો ફેલાતા ભારે હોબાળો મચ્યો છે.
આ લૂંટનાં વિડીયો બાબતે ડાંગ વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગનો સંપર્ક સાધતા આ વિડીયો સાપુતારાનો નહીં હોવાનું જણાવ્યું હતું. આ વાયરલ થયેલા વિડીયો ડાંગ સિવાય અન્ય વિસ્તારનો હોવાનું જાણવા મળ્યુ છે. ડાંગ જિલ્લામાં સમાવિષ્ટ ગિરિમથક સાપુતારાની પ્રજા શાંતિપ્રિય હોય જેથી અમુક અસંતુષ્ટ ઈસમો દ્વારા સ્થાનિક લોકો સહિત પ્રવાસન સ્થળને બદનામ કરવાનાં હેતુથી જાણકારી મેળવ્યા વગર આ વિડિયો સાપુતારાનો ચીતરીને વાયરલ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યુ છે.
આ વિડીયો સાપુતારા કે ડાંગ જિલ્લાનો નથી
આ બાબતે સાપુતારા પોલીસ મથકનાં ઇન્ચાર્જ પી.એસ.આઈ. બી.આર. રબારીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં સાપુતારામાં પ્રવાસીઓને અસામાજિક તત્વો લૂંટી રહ્યાનો વિડિયો વાયરલ થયો છે. જે અંગેની તપાસ કરતા આ વિડીયો સાપુતારા કે ડાંગ જિલ્લાનો નથી. આ વાયરલ વિડીયોમાં હરિયાળા ડુંગરો દેખાઈ રહ્યા છે. જે લોકેશન સાપુતારા કે ડાંગ વિસ્તારનું નથી. વધુમાં આ બાબતે સાપુતારા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી. પ્રવાસન સ્થળ સાપુતારાનું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યુ છે. જેથી તેઓએ પ્રવાસીઓને અનુરોધ કરતા જણાવ્યુ છે કે ઈન્ટરનેટનાં માધ્યમથી ફેક અથવા અન્ય જગ્યાનાં વાયરલ વિડીયો તથા અફવાઓ ઉપર ધ્યાન આપવુ નહીં.