Business

સોશ્યલ મીડિયા, ગુમરાહ યુવાનો અને પાંખી થઇ રહેલી લોકશાહીનો પુરાવો

ગયા અઠવાડિયે વાઇરસના નવા વેરિયન્ટના ખેલ ઉપરાંત એક બીજા સમચાર સતત ટ્રેન્ડમાં રહ્યાં. બુલી બાઇ એપ કેસનું કોકડું ખૂલતું ગયું અને સાઇબર ક્રાઇમ, ધિક્કાર, કાવતરાખોરી જેવી લાગણીઓથી ખદબદતા ચહેરાઓ બહાર આવતા ગયા. વર્ષનો પહેલો દિવસ અમુક મુસલમાન યુવતીઓ માટે આઘાતજનક રહ્યો.. સોશ્યલ મીડિયા પર તેમના ફોટોગ્રાફ્સ ફેલાયલા હતા અને તેમની ‘હરાજી’ થઇ રહી હતી. ભારતમાં મુસલમાન સ્ત્રીઓની હરાજીનો આ કિસ્સો ઉછળ્યો. વળી આ સ્ત્રીઓમાંથી કેટલીક પત્રકાર, નાગરિકો માટે અવાજ ઉઠાવનારી મહિલાઓ વગેરે હતી. આ કિસ્સામાં સાઇબર ક્રાઇમ ઝડપનાર પોલીસકર્મીઓએ ઝડપી કામ કર્યું અને ધરપકડ પણ થઇ અને ચોંકાવનારી વિગતો બહાર આવી. આ લખાઇ રહ્યું છે ત્યારે હજી આ મામલામાં કોઇને કોઇ અપડેટ આવી રહી છે.

કિસ્સાની વિગતો એમ છે કે 1લી જાન્યુઆરીએ ગિટનો ઉપયોગ કરીને સોફ્ટવેર હોસ્ટ કરનારા અને એપ ડેવલપ કરનારા પ્લેટફોર્મ ગિટહબ પર બુલી બાઇ એપે દેખા દીધી.  આ એપ પર લગભગ 100 જેટલી મુસલમાન સ્ત્રીઓના પ્રોફાઇલ્સ હતા. આ સ્ત્રીઓમાંથી કોઇ પત્રકાર હતું તો કોઇ સામાજિક પ્રવૃત્તિઓમાં એક્ટિવ હતું. આ પ્રોફાઇલ્સ પર તેમની તસવીરો સાથે અંગત વિગતો નાંખી હતી અને તેમની કોઇ પણ પ્રકારની મંજૂરી વગર આ કરાયું હતું.  4થી જાન્યુઆરીએ મુંબઇ પોલીસે આ કિસ્સામાં 21 વર્ષના એન્જિનિયરીંગ વિદ્યાર્થી વિશાલકુમારની ધરપકડ કરી. એ જ દિવસે 18 વર્ષની શ્વેતા સિંઘ પણ બુલી બાઇ એપ બનાવવાના ષડયંત્રનો ભાગ હોવાથી ઉત્તરાખંડથી ઝડપી લેવાઇ અને બુધવારે ઉત્તરાખંડના જ એક બીજા વિદ્યાર્થી મયંક રાવતની ધરપકડ કરાઇ. 

18 વર્ષની શ્વેતા સિંઘ આ કિસ્સાની મુખ્ય આરોપી મનાય છે, તેણે તેના પિતા કોવિડમાં ખોયા છે અને માતા કેન્સરમાં. ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવીને શ્વેતા વાંધાજનક તસવીરો અને ટિપ્પણીઓ કરતી. શ્વેતાની તપાસ કરતાં એવું બહાર આવ્યું છે કે નેપાળમાં રહેતા તેના કોઇ મિત્રના કહ્યે તે આ એપ પર શું કરવું શું નહીં તે નક્કી કરતી હતી. શ્વેતાનું નામ વિશાલકુમારની પૂછપરછમાં બહાર આવ્યું હતું જ્યારે તેણે એમ કબૂલ્યું કે તે કોઇ છોકરીના સંપર્કમાં હતો જે એવા લોકોના સંપર્કમાં હતી જે જણાવતા હતાં કે બુલી બાઇ એપ પર શું પોસ્ટ મૂકવી અને કેવી ગતિવિધિ રાખવી. પૂછપરછમાં એ પણ બહાર આવ્યું કે શ્વેતા સિંઘ હિંદુવાદી છે (હિંદુ ધર્મમાં માનનારાઓ સાથે આ વાદ-વાળાં વર્ગની સરખાણી કરવાથી મોટી કોઇ મૂર્ખામી ન હોઇ શકે) અને 2021ની ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં જે હિંસા થઇ તેનાથી અને મમતા બેનર્જીની સરકાર ફરી ખડી થઇ તેનાથી શ્વેતા વ્યથિત હતી અને પરિણામે તેણે વિશાલ સાથે સંપર્ક થતા આવું કંઇ કરવાનું વિચાર્યું.  વિશાલ સાથેની  ઓળખાણ પછી તેણે હિંદુતરફી પોસ્ટ્સ પણ વધારી દીધી. બિનસાંપ્રદાયિક દેશમાં કોઇ ચોક્કસ ધર્મની મહિલાઓને ટાર્ગેટ કરીને આટલી બેહૂદી હરકત શરમજનક છે. વળી આ પાછું કંઇ પહેલી વાર નથી થયું.

સલી ડીલ્સનો કિસ્સો શું હતો?

એક્સપર્ટસના મતે સલી ડીલ્સ અને બુલી બાઇ વચ્ચે કોઇ ને કોઇ કડી ચોક્કસ જોડાયેલી છે. સલી ડીલ્સ જુલાઇ 2020માં સપાટી પર આવેલી એપ હતી. તેમાં પણ કેટલી મુસલમાન મહિલાઓની હરાજીની વાત કરાઇ હતી. સલી શબ્દ મુસલમાન સ્ત્રીઓ માટે વપરાતો અપમાનજનક શબ્દ છે. જાણીતી મુસલમાન સ્ત્રીઓએ આ વાતે અવાજ ઉઠાવ્યો અને એપને એ પ્લેટફોર્મ પરથી હાટવી લેવાઇ હતી. જો કે બુલી બાઇ એપના વિવાદ સાથે આ મહિલાઓનું કહેવું હતું કે પહેલી વાર જ્યારે આ થયું ત્યારે પોલીસે કડક પગલાં લીધા હોત તો આ ફરી ન થયું હોત.

આ પ્રકારની એપ આપણા દેશના અમુક વર્ગમાં ખદબદતી વાહિયાત માનસિકતા, આપણા દેશના યુવાનોની વિચારસરણીને ઉઘાડી પાડે છે. આપણે એક દેશ તરીકે આટલા અસહિષ્ણુ તો હતાં જ નહીં. આ મુસ્લિમ મહિલાઓ જેમના પ્રોફાઇલ આ એપ્સ પર મુકાયા હતા તેમાં મોટેભાગે એવી મહિલાઓ હતી જે હાલની કેન્દ્ર સરકારની ટીકા કરે છે, તેઓ ડિબેટ્સના જાણીતા ચહેરાઓ છે.વળી આ એપ યુઝર્સ નામમાં શીખ નામો વાપરતા જેથી ખાલિસ્તાનીઓ તરફ નિર્દેશ જાય. મુંબઇ પોલીસે ગણતરીના દિવસોમાં ટ્વીટર હેન્ડલ પરથી આ યુવાનોને શોધી કાઢી તેમની ધરપકડ કરી પણ દિલ્હી પોલીસે સલી ડેથ કેસિઝને મામલે ગિટહબ સાથે સંપર્ક કર્યો અને હજી જવાબની રાહ જોવાઇ રહી છે.

વળી આ આખા ખેલમાં જોવું રહ્યું કે ટેક જાયન્ટ્સ જેના માધ્યમો આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે વપરાય છે તેઓ ચૂપ રહે છે. ગિટહબની પેરન્ટ કંપની માઇક્રોસોફ્ટ છે. વળી જે ટ્વિટરનો ઉપયોગ કરી ફેક એકાઉન્ટ્સ પરથી ધિક્કાર ફેલાવતી પોસ્ટ થતી હતી તેની પર પણ બુલી બાઇ વિશે પૂરતી ચર્ચા થઇ છે પણ તેમનો પણ કોઇ પ્રતિભાવ નથી. ભારતીય સત્તાધીશોએ બુલી બાઇ એપના મૂળ અંગે ટૅક જાયન્ટ્સનો કાંઠલો ઝાલ્યો છે પણ હજી સુધી કોઇ જવાબ નથી મળ્યો.  ટૅક જાયન્ટ્સે વધુ સાબદા રહેવું જોઇએ અને તેમના પ્લેટફોર્મ્સનો ઉપયોગ ધિક્કાર પ્રસરાવવા માટે ન થાય તેની પૂરતી તકેદારી રાખવી જોઇએ.

બાય ધ વેઃ

ભલભલી લોકશાહીના પાયા સોશ્યલ મીડિયાના દુરુપયોગથી હચમચી જઇ શકે છે. વળી ધ્રુવીકરણની રાજનીતિને આપણે પારખતા હોઇએ – ભલે કોઇ પણ પક્ષ તેનો ઉપયોગ કરતો હોય –  ત્યારે આપણા દેશમાં આવા ગુના થાય ત્યારે આપણે ચેતવું રહ્યું. આ દેશના યુવાનોની વૈચારિક શક્તિ ખોટા રવાડે ચડી રહી છે તેનું ઉદાહરણ છે બુલીબાઇ અને સલી ડીલ્સ જેવી એપ્સ. જો કોઇ એમ માનતું હોય કે આ છોકરાંઓ હજી નાનાં છે, ગેરમાન્યતાઓમાં સપડાઇને આવી ભૂલ કરી તો તે ખોટું છે. તેમની સાથે કાયદાકીય કાર્યવાહી થવી જ જોઇએ. સોશ્યલ મીડિયાનો આટલો બેહૂદો ઉપયોગ ડરાવવા, ધમકાવવા અને પૂરી જાણકારી સાથે કરાય છે – આ કરનારાઓને સજા ફટકારવામાં કોઇ ઢીલ ન મૂકવી જોઇએ. તેમણે IT, ક્રાઇમ, સ્ટૉકિંગ, ધાર્મિક લાગણી દુભાવવા જેવા એક કરતાં વધુ કાયદા ભંગ કર્યા છે. કાયદાનો ભંગ થયો હોય, ભંગ કરનારા સગીર ન હોય તો પછી તેમને સજા કરવામાં કોઇ ભેદભાવ ન રાખવા જોઇએ કારણ કે તો જ દૃષ્ટાંત બેસાડી શકાશે.

Most Popular

To Top