Business

…સોશ્યલ મીડિયા આત્માનો ખોરાક છે

એક યુવાનને કમરનો દુખાવો થઈ ગયો. તેણે ઘણા સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરને બતાવ્યું પણ કોઈ ડોક્ટર પાકું નિદાન કરી શક્યા નહીં. એક દિવસ તે બેઠો બેઠો મોબાઇલમાં જોતો જોતો ઊંચો-નીચો થયા કરતો’તો. આવું પંદરેક મિનીટ ચાલ્યું. તે મોબાઈલ મગ્ન હતો એટલે આ રહસ્યને પામવા હું તેની પાછળથી મોબાઈલમાં જોવા લાગ્યો. મેં જોયું તો તે મેસેન્જરમાં કોઈ યુવતી સાથે ચેટિંગ કરી રહ્યો હતો. પણ જ્યારે સામેવાળી યુવતી મેસેજ લખતી હોય ત્યારે મેસેન્જરમાં પેલા આડા ત્રણ ટપકા ઉંચા નીચા થતા હોય તે ટપકાની સાથે તાલ મિલાવીને પોતે પણ ઊંચો-નીચો થયા કરતો’તો. પછી તો જ્યારે જોઉં ત્યારે તે મોબાઇલમાં જોતો હોય અને ઉંચો નીચો થતો હોય. બસ એ જ ક્ષણે મને તેની કમરના દુખાવાનું રહસ્ય મળી ગયું.

મેં કહ્યું, ‘ટપકાની હારોહાર તું ઊંચા-નીચો થા માં, નહીં તો તું ટપકી જઈશ. તુ સ્થિર થઈ જા એટલે કમર મટી જશે.’ તે અઠવાડિયું કઠણ થઈ ગયો તો કમર શાંત થઈ ગઈ. આમ તેના કમરનું દર્દનું મૂળ કારણ હતું સોશ્યલ મીડિયા! ગાંધીજીએ કહ્યું છે કે ‘પ્રાર્થના એ આત્માનો ખોરાક છે.’ પણ આજે ગાંધીજી હયાત હોત તો તેમને ખ્યાલ આવત કે ખરેખર તો ‘સોશ્યલ મીડિયા આત્માનો ખોરાક છે.’ તેથી જ કોઈ કવિએ લખ્યું છે . ‘દોસ્ત, ગાંધીજી આજે હોત તો, લીડર હોત,  ના રે, એ તો નવજીવનમાં પ્રૂફરીડર હોત.’

તો આજે પ્રાર્થના નહીં પણ સોશ્યલ મીડિયા આત્માનો ખોરાક છે. આત્મા મરતો નથી. પણ જો સોશ્યલ મીડિયા અટકે તો આજનો આત્મા મરી પણ જાય. ફક્ત એક દિવસ નેટ પર બેન(ban)લગાવી દેવામાં આવે તો આખી યુવાપેઢી ઊંચીનીચી થઈ જાય. ગામમાં ગોકીરો થઇ જાય. ‘નેટ ચાલુ કરો, નેટ ચાલુ કરો’ ના નારા સંભળાવા લાગે.. આમ આ લોકોને પેટની ચિંતા નથી એટલી નેટની છે. પેટ્રોલના રૂપિયા બસ્સો થશે તો પણ આ લોકોના પેટનું પાણી નહીં હલે. પણ નેટ પંદર મિનિટ બંધ થશે તો તે આખેઆખો હલબલવા માંડશે.

જૂની પેઢીઓએ ગામને ચોરે બેસી બેસીને આખી જિંદગી કાઢી નાખી અને આ લોકો નેટ વિના એક કલાક કાઢી શકતા નથી. સવારમાં આત્માને પ્રાર્થનારૂપે ખોરાક આપી દેવામાં આવે તો તે આખો દિવસ ચાલે જ્યારે આ સોશ્યલ મીડિયારૂપી ખોરાક તો જેટલો ખાય તેટલો ઓછો પડે. જેમ બાઈકમાં ઓઇલ વગરનું કોરું પેટ્રોલ વાપરો તો ગિયર ભરડાઈ જાય અને કડાકા બોલવા માંડે. એ જ રીતે સોશ્યલ મીડિયા વિના લોકોના મગજમાં કડાકા બોલવા માંડે, મગજ તરડાઈ જાય અને પોતે આખે આખો ઠરડાઈ જાય. કારણ કે સોશ્યલ મીડિયા હવે મગજનું લુબ્રિકન્ટ બની ગયું છે વળી એ જ મગજનું દહીં કરી નાખે છે.

માણસ દિવસમાં વધુમાં વધુ ત્રણ ટાણા ખાય છે (હા આ માણસની વાત છે નિશાચરોની નહીં)પણ પશુઓ ખોરાક માટે આખો દિવસ જ્યાં ત્યાં મોઢા માર્યા કરે છે. સોશ્યલ મીડિયાના મુદ્દે માણસ હવે માણસ મટીને પશુ બની ગયો છે. આખો દિવસ સોશ્યલ મીડિયામાં મોઢા માર્યા કરે છે છતાં તેનું મગજ ધરાતું નથી. આ સળગતું લાકડું લોકોને એવી રીતે પકડાવી દેવામાં આવ્યું છે કે માણસ દાઝે છતાં ય છોડી શકતો નથી. માણસના વિવિધ પ્રકાર છે જેમકે બુદ્ધિજીવી (અને કુબુદ્ધિજીવી), શ્રમજીવી (અને આશ્રમજીવી), પરોપજીવી. એ જ રીતે હવે નવો પ્રકાર પેદા થયો છે તે છે ‘નેટજીવી’ આ વર્ગ એવો છે કે નેટ વિના જીવી શકતો નથી. વળી આજકાલ બહુ ઓછા લોકો પ્રાર્થના કરે છે.

હા, આખો દિવસ મોબાઈલ મગ્ન રહ્યા પછી નેટનો ડેટા ખલાસ થઈ જાય ત્યારે જલ્દી પાછું બેલેન્સ આવે તે માટે આ નેટજીવી પ્રાર્થના કરે છે. આ GB ની ખૂબી એ છે કે તે દોઢ, બે, ત્રણ એમ ગમે તેટલા GB પુરાવો તોય ઓછું જ પડે. નેટ પૂરું પાડતી કંપનીઓ માટે સોશ્યલ મીડિયા ‘સોને કી ચીડિયા’ પુરવાર થયું છે. જે માણસને તેના મા-બાપ, પત્ની કોઈ ન સાચવી શક્યા તેને સોશ્યલ મીડિયાએ સાચવી લીધો છે. ગામ આખામાં ઊંચું માથું રાખીને ફરતો ઉમેદવાર મોબાઇલમાં આખો દી મોં નીચું ઘાલીને મંડ્યો હોય છે. જેમ શરીરનો ખોરાક લેવા માટે મોઢું નીચું કરવું પડે એ જ રીતે સોશ્યલ મીડિયાનો ખોરાક લેવા માટે ય ભોડું નીચું કરવું પડે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે આત્માને પવન સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી. અગ્નિ ભલે બાળી ન શકે પણ જો બે કલાક નેટ બંધ કરવામાં આવે તો માણસનો આત્મા બળીને અડધો થઈ જાય છે. એટલે આત્માને પંચતત્વ ભલે કાંઈ ન કરી શકે પણ આ છઠ્ઠું તત્વ તેને અડી જાય છે.

તત્વો આત્માને સૂકવી શકે, બાળી શકે અને રમાડી પણ શકે. ભગવાને ભયંકરાતિભયંકર રાક્ષસો નો ય નાશ કર્યો પણ આ સોશ્યલ મીડિયાના રાક્ષસની બોચી કઈ રીતે પકડવી એ મુદ્દે ખુદ ભગવાન પણ ચકરાવે ચડી ગયા છે. આત્માના ખોરાક માટે એકની એક પ્રાર્થના કાયમ ચાલે પણ સોશ્યલ મીડિયા ખોરાકમાં એવું નથી. એમાં આજનો ડેટા કાલે કામ આવતો નથી. એટલે કે વાસી ખોરાક ન ચાલે, રોજનો તાજો ખોરાક જ જોઈએ. વળી પ્રાર્થનારૂપી ખોરાક આમ જુઓ તો સાવ મફત! જ્યારે આ ખોરાકના તો રોકડા રૂપિયા ચૂકવવા પડે. મુદત પૂરી થાય અને નાણાં ન ચૂકવો તો નીરણ-પૂળો બંધ થઈ જાય અને ખીલે બાંધેલો ઢાંઢો(બળદ) ઝૂરવા માંડે.   

આમ જુઓ તો આત્મા અમર છે. તેને ખોરાકની શી જરૂર! પણ જ્યારથી આત્માનો ખોરાક બદલાયો છે ત્યારથી કઠણાઈ શરૂ થઇ છે. ખોરાક એ અનિવાર્ય જરૂરિયાત છે પણ ખોરાકનું વ્યસન ન હોઈ શકે પણ જ્યારથી આત્મા સોશ્યલ મીડિયારૂપી ખોરાક લેતો થયો છે ત્યારથી તેને વ્યસન થઈ ગયું છે. ગાંધીજીએ કહ્યું કહ્યું છે કે ‘મારું જીવન એ જ મારો સંદેશ.’ એમ હવે કેટલાકનો આત્મા કહે છે કે ‘મારો ખોરાક એ જ મારું વ્યસન’ તેને ઘડીકવાર ખોરાક ન મળે તો બીચારા અમર આત્માની નાડ્યું તૂટવા માંડે. જેમ તુલસીદાસે કહ્યું છે કે ‘સકલ પદારથ હે જગ માહી, કરમ હીન નર પાવત નાહી’ એ જ રીતે ‘ડેટા પદારથ હે જગ માંહી, નેટ બીન નર પાવત નાંહીં’ ડેટા મેળવવા માટે નેટ જોઈએ અને નેટ માટે નાણાં જોઈએ. એટલે આજના માણસને ચિંતા એ છે કે નેટનુ કરવું કે પેટનું કરવું! ઘણી વાર નાણાના અભાવે બાપનો ડેટા બેટા વાપરી નાખે છે આ રીતે તકનો લાભ ઉઠાવવાના મુદ્દે બાપ-દીકરા વચ્ચે તકરાર થાય છે. હવે ઘણા બાપને એવી ટેવ પડી ગઈ છે કે એને બેટા વિના ચાલે પણ ડેટા વિના ન ચાલે.

સોશ્યલમીડિયા રૂપી આ ખોરાકની થાળીમા વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી અનેકવિધ વાનગીઓ પીરસાયેલી હોય છે. એટલે માણસને વારંવાર તે વાનગી ચાખવાનું મન થાય છે અને એકવાર ચાખવાનું શરૂ કરે પછી બંધ થઈ શકતો નથી. જેમ આપણા શરીર માટે નિયમિત ખોરાક ન લઈએ તો શરીર નબળું પડે છે એ જ રીતે આજકાલના આત્માઓને સોશ્યલ મીડિયા ખોરાક ન મળે તો તેમનો આત્મા નબળો પડી જાય છે અને આકુળ-વ્યાકુળ થઈ જાય છે. કહેવાય છે કે ‘આત્મા એ જ પરમાત્મા’ પણ હવે ‘આત્મા એજ પ્રેતાત્મા’ કારણ કે પ્રેતની જેમ તે સોશ્યલ મીડિયામાં ભટકી રહ્યો હોય છે. આવો પ્રેતાત્મા પોતે સુખ લેતો નથી બીજાને લેવા દેતો નથી. જેમ પૃથ્વી 23.5 અંશને ખૂણે નમેલી રહીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે એમ મોબાઈલવાળા પણ ૨૩.૫ અંશને ખૂણે બોચી નમેલી રાખીને આખા ગામની પ્રદક્ષિણા કરે છે પછી તો એને એવી ટેવ પડી જાય કે એના ખભે ટોવેલ મૂકો તો પણ એની ડોક નમી જાય. આ રીતે નમેલી બોચીને ઇ.એન.ટી ના સુપર સ્પેશ્યાલિસ્ટ પણ સીધી કરી શકતા નથી.

-:: ગરમાગરમ ::- બીજાના ઘરમાં ગરમાગરમ ભજીયા તળાતા હોય તો આપણા ઘરમાં સુગંધ આવે પણ ખાવા ન મળે! આ વખતે સુરતમાં વરસાદ નું પણ કંઈક આવું જ છે.

Most Popular

To Top