થોડા દિવસમાં જેવું ક્રિકેટ વર્લ્ડ કપનું ફિવર ઉતરશે અને આવનારા ઇલેક્શનનો માહોલ જામશે. ઇલેક્શનમાં આજે પણ ભલે જંગી સભાઓ થતી હોય; ટેલિવિઝન, રેડિયો, બેનર અને ડોર ટુ ડોર પ્રચાર થતો હોય, પણ સોશિયલ મીડિયા આજે ઇલેક્શન માટે અગત્યનું ટુલ બની ચૂક્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોય કે દેશના ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ક્યાંય પણ પ્રોજેક્ટનું અનાવરણ કરે તો તેનું લાઇવ ટેલિકાસ્ટ સોશિયલ મીડિયા પર થાય છે અને તેને લાખો દર્શકોય મળે છે. એ રીતે ‘AAP’ના અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ હોય કે પછી રાહુલ ગાંધીની ભારત જોડોયાત્રા આ બધી જ ઇવેન્ટના કવરેજનું ઠેકાણું સોશિયલ મીડિયા બન્યું છે. હવે તો જે-તે ન્યૂઝ ટીવી ચેનલ પણ સોશિયલ મીડિયા પર તેમનું બધું જ કેન્ટેન્ટ મૂકે છે. એવાં ઘણાં રાજકીય આગેવાનો છે જેમનું ગ્રાઉન્ડ લેવલ પર સંપર્ક હોય કે ન હોય, પણ સોશિયલ મીડિયા પર તેઓ અચૂક હાજરી પૂરાવે છે.
ચૂંટણીમાં સોશિયલ મીડિયા કેમ અગત્યું બન્યું છે તેનું એક કારણ ત્યાં મળતાં લાખોની સંખ્યામાં ફોલોવર્સ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર ફોલોવર્સની સંખ્યા 7.5 કરોડ છે. રાહુલ ગાંધીના ટ્વિટર ફોલોવર્સની સંખ્યા પણ 2 કરોડ છે. હાલમાં જ ‘AAP’ના મુખ્યમંત્રીના દાવેદાર બનનારાં ઇશુદાન ગઢવીના પણ ફેસબુક ફોલોવર્સની સંખ્યા સાડા ત્રણ લાખ છે. હાર્દિક પટેલ અત્યારે BJPમાં કોઈ મહત્ત્વના પદે નથી તેમ છતાં તેના ફેસબુક ફોલોવર્સની સંખ્યા 12 લાખ છે. ફોલોવર્સની સંખ્યા જોઈને અંદાજો આવી શકે કે સોશિયલ મીડિયા કેટલું અગત્યનું છે. પબ્લિકને જે કંઈ પણ સંબોધન કરવું હોય તો તે આ માધ્યમથી ત્વરીત અને સીધું જ થઈ શકે છે. અને હવે એટલાં માટે ઇલેક્શન કમિશને પણ સોશિયલ મીડિયા પર થતાં પ્રચાર-પ્રસાર અંગે કોડ ઑફ કન્ડક્ટ ઘડી કાઢ્યા છે.
સોશિયલ મીડિયા દ્વારા રાજકીય પ્રચાર-પ્રસાર પર થતી અસર અંગે અનેક સ્ટોરીઝ પણ થઈ છે. ‘ઇન્ડિયા ટુડે’ની આવી એક સ્ટોરીમાં BJPના સોશિયલ મીડિયાના કો-ઓર્ડિનેટર સમીર શ્રીવાસ્તવનું કહેવું છે કે, અમારું વૉર રૂમ 24 કલાક કાર્યરત હોય છે. અમે શિફ્ટમાં કામ કરીએ છીએ. અમે ગ્રુપ બનાવીએ છીએ અને તેમાં સતત લોકોને એડ કરીએ છીએ. એટલે કે એક જ ક્લિકમાં અમે 5 હજારથી 5 લાખ સુધી પહોંચી શકીએ તેવી રણનીતિ ગોઠવીએ છીએ. આવી રીતે દરેક અલગ-અલગ રણનીતિથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલાં આ ઘમાસાનમાં પોતાનો ચહેરો વેચે છે અને સત્તા મેળવવાની દાવેદારી નોંધાવે છે. હવે તો તે માટે દરેક મતક્ષેત્રમાં સોશિયલ મીડિયા સેન્ટર શરૂ કરવાનો વિચાર BJP કરી રહી છે. આમેય એક જંગી સભા કરવી હોય તો તેમાં લાગતાં એફર્ટ કરતાં સોશિયલ મીડિયા દ્વારા લોકસંપર્ક ઘણો સરળ છે અને પ્રમાણમાં સસ્તોય છે.
BJP સોશિયલ મીડિયા પર આધાર રાખે છે તેનું એક કારણ કે તેમના સર્વોપરી આગેવાન નરેન્દ્ર મોદીને આ પ્લેટફોર્મ થકી મળેલી લોકપ્રિયતા છે. 2014માં નરેન્દ્ર મોદી પ્રથમ વાર વડા પ્રધાન પદે આવ્યા ત્યાઈ કોઈ દેશના આગેવાન તરીકે માત્ર એક જ મહિનામાં ફેસબુક ફોલોવર્સ ધરાવનારાઓમાં તેઓ બીજા ક્રમે પહોંચી ચૂક્યા હતા. 2019માં તેઓ ફેસબુક પર સૌથી લાઈક મેળવનારાં આગેવાન બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન પ્રાઈમ મિનિસ્ટર ઑફિસનું પેજ પણ ખાસ્સું લોકપ્રિય બન્યું. હાલમાં ‘PMO’ના પેજને ફોલો કરનારાઓની સંખ્યા એક કરોડ ત્રીસ લાખ છે. વડા પ્રધાન તરીકે તેમના દરેક કાર્યક્રમોનું અહીંથી લાઈવ ટેલિકાસ્ટ થાય છે. અહીં થતી રોજની પોસ્ટ પરથી ખ્યાલ આવી શકે કે આ પેજ સતત એક્ટિવ છે. માત્ર ફેસબુક નહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર પણ હિટ છે.
સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને હવે BJPની જેમ અન્ય પાર્ટીઓ પણ પોતાની રણનીતિ ગોઠવી રહી છે. 2017માં રાહુલ ગાંધીના આગેવાનીથી કોંગ્રેસમાં પણ સોશિયલ મીડિયાને મહત્ત્વ અપાઈ રહ્યું છે. શરૂઆતમાં રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર તેમનાં હાસ્યાસ્પદ નિવેદનના કારણે ખૂબ ટ્રોલ અને વાઇરલ થયા, પણ હવે તેમના તરફથી પણ સારું એવું કન્ટેન્ટ આવી રહ્યું છે, જે તેમના પેજ પર લોકોને એન્ગેજ કરે છે. ભારત જોડો યાત્રાનું કવરેજ પણ સતત સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચી રહ્યું છે.
અગાઉની જેમ પોલિટીકલ માહોલ હવે માત્ર ચૂંટણી સમયે જ જામતો નથી. રાજકીય બાબતોનો મારો હવે સતત ચાલતો રહે છે. બીજું કે સોશિયલ મીડિયા દ્વારા વિડિયો-ઓડિયોનું કન્ટેન્ટ ભૌગોલિક રીતે અંતરિયાળ જગ્યાએ પણ મોકલી શકાય છે. દેશમાં જેમ-જેમ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી રહી છે અને તેની સ્પીડ પણ વધી રહી છે, તે રીતે પણ સોશિયલ મીડિયાની ભૂમિકા અગત્યની બની છે. મહામારી પછીથી કોવિડ ગાઇડલાઇન લાગુ હતી ત્યારે યોજાયેલી ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ થયો. 2020ના બિહાર અને તે પછી 2021ના પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પણ વર્ચ્યૂઅલ સભાઓ ચાવીરૂપ રહી. આ બંને રાજ્યોમાં તમામ પક્ષોનું મુખ્ય શસ્ત્ર સોશિયલ મીડિયા જ રહ્યું.
સોશિયલ મીડિયાનો થઈ રહેલો અધધ ઉપયોગની વાત હજુ છેલ્લા 10 વર્ષની જ છે, કારણ કે 2009ની લોકસભાની ચૂંટણી પહેલાં એકમાત્ર કોંગ્રેસના આગેવાન શશી થરૂર ટ્વિટર પર પ્રચલિત હતા. તે પછી 2014માં ચિત્ર બદલાયું. અને હવે તો ગામેગામ સોશિયલ મીડિયા ઉપયોગમાં લેવાનો ટ્રેન્ડ છે. હાલમાં એવું કહેવાય છે કે BJP પાસે અંદાજે ત3 લાખ જેટલાં વોટ્સએપ ગ્રૂપ્સ છે અને તે સાથે તેમની પાસે 18000 જેટલાં ફેક ટ્વિટર અકાઉન્ટ પણ છે.
આ રીતે ધૂમ નાણાં પણ અહીંયા ખર્ચાઈ રહ્યાં છે. ‘ધ હિંદુ બિઝનેસ લાઇન’ન્યૂઝ પોર્ટલ પરના રાજકારણમાં સોશિયલ મીડિયાની અસર અંગેના એક સમાચારમાં ‘પલ્ટુ એક્સપ્રેસ’નામના એક ફેસબુક પેજનો ઉલ્લેખ થયો છે. આ પેજ હજુ ચારેક મહિના અગાઉ જ એક્ટિવ થયું છે. અને તેના અત્યાર સુધી ફોલોવર્સની સંખ્યા 20,000 સુધી પહોંચી છે. આ ત્રણ મહિનામાં આ પેજ પર થઈ રહેલી એડ મુજબ તેમાં દોઢ કરોડ જેટલાં રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. મહદંશે આ પેજ પર ‘AAP’ના નેતાઓની ફિરકી લેવાય છે.
BJPની જેમ આ વખતે કોંગ્રેસ અને ‘AAPએ’પણ સોશિયલ મીડિયાની રણનીતિ ઘડી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા માટે નવી ટીમ ઊભી કરી છે. જોકે કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે તેઓ સંનિષ્ટ કાર્યકર્તાઓ દ્વારા જ સોશિયલ મીડિયા ચલાવશે, બીજા પક્ષોની જેમ તેઓ કોઈ ચૂકવણું તેમને કરશે નહીં. કોંગ્રેસના સોશિયલ મીડિયાના મુખ્ય કર્તાહર્તા રોહન ગુપ્તાનું કહેવું છે કે અમે સૌપ્રથમ BJPએ વિકાસનું જે ચિત્ર ઊભું કર્યું છે તે તોડવાનો પ્રયાસ કરીશું. અને તે પછી કોંગ્રેસના વખતમાં થયેલાં કેટલાંક અદ્વિતિય કાર્યોને પ્રોજેક્ટ કરીશું. છેલ્લા 2 મહિનાથી કોંગ્રેસ દ્વારા 2 મહત્ત્વના કેમ્પેઇનને સૌથી વધુ ગતિ આપવામાં આવી છે. આ બંને કેમ્પેઇન સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. તેમાંનું એક છે કે ‘વિકાસ ગાંડો થયો છે’અને બીજું છે ‘મારા હાળા છેતરી ગયા’. એ પ્રમાણે ગુજરાત BJP ‘ડબલ એન્જિન’અને ‘ભરોસાની સરકાર’નું કેમ્પેઇન ચલાવી રહી છે. કોંગ્રેસ પર પ્રહાર માટે BJP ‘વિકાસવાદ વિ. વંશવાદ’નો પણ પ્રચાર કરી રહી છે.
સોશિયલ મીડિયા દ્વારા ટૂંકા ગાળામાં ચૂંટણીના પ્રચાર-પ્રસારની ટેકનિક બદલાઈ ચૂકી છે. હવે ખુદ નેતા પાસે જ પ્રચાર-પ્રસારની ડોર રહી નથી, બલકે હવે તેણે ટેકનિકલ રીતે સજ્જ ટીમ પાસે આ બધું કરાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. નેતા કે પક્ષને માત્ર ઓનગ્રાઉન્ડ કાર્યકર્તા જ નહીં, પરંતુ બંધ બારણે સોશિયલ મીડિયા માટે સતત સ્ટ્રેટજી ઘડતાં કાર્યકરો પણ જોઈએ છે. ગુજરાતની ચૂંટણીને જ્યારે હવે એક મહિનો બાકી છે ત્યારે તેનો ખરો જંગ સોશિયલ મીડિયા પર દેખા દેશે.