Business

સોશ્યલ મીડિયાની સેન્સરશિપ શરૂ થઇ ગઇ છે

ભારતમાં સોશ્યલ મીડિયા એટલું શક્તિશાળી થઇ ગયું છે કે તે સરકાર બનાવી શકે છે તેમ સરકાર ઉથલાવી પણ શકે છે. વર્ષ 2014માં કેન્દ્રમાં ભાજપના ગઠબંધનની સરકાર આવી તેમાં અને 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તેમાં સોશ્યલ મીડિયાનો બહુ મોટો ફાળો હતો. ભાજપે સોશ્યલ મીડિયામાં પ્રચાર માટે સેંકડો IT નિષ્ણાતોને કામે લગાડી દીધા હતા, જેને કારણે પ્રજાનો મત કોંગ્રેસની વિરુદ્ધમાં અને ભાજપની તરફેણમાં થઇ ગયો હતો. આ પરાજયમાંથી બોધપાઠ લઇને કોંગ્રેસે પણ પોતાનો સોશ્યલ મીડિયા સેલ મજબૂત બનાવીને ભાજપના દરેક સાઇબર આક્રમણનો જડબાંતોડ જવાબ આપવા માંડ્યો હતો.

વર્તમાનમાં સોશ્યલ મીડિયામાં કોંગ્રેસની વિરુદ્ધમાં જેટલા સંદેશા વાંચવા મળે છે તેના કરતાં પણ વધુ સંદેશાઓ ભાજપ અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં વાંચવા મળે છે. ગુજરાતની ચૂંટણી વખતે ‘વિકાસ ગાંડો થયો છે’ જેવો નારો ભાજપને ભારે પડી ગયો તેની પાછળ પણ સોશ્યલ મીડિયાનું પીઠબળ હતું. ભાજપને ખ્યાલ આવી ગયો છે કે નિરંકુશ સોશ્યલ મીડિયા તેને 2024 ની લોકસભાની ચૂંટણીમાં ભારે પડી શકે છે, માટે તેણે સોશ્યલ મીડિયાને કન્ટ્રોલ કરવાના વ્યવસ્થિત પ્રયાસો ચાલુ કરી દીધા છે. વિપક્ષોને પણ આ વાતની ગંધ આવી જતાં તૃણમૂલ કોંગ્રેસનાં વિધાનસભ્ય મહુઆ મોઇત્રા દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીને દાખલ કરતાં સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે સરકારનો ઇરાદો જાસૂસી રાજ્યની સ્થાપનાનો તો નથી ને? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે નોટિસ પણ કાઢી છે.

થોડા દિવસથી સોશ્યલ મીડિયામાં ફેક મેસેજો ચાલી રહ્યાં છે કે તમે વ્હોટ્સ એપ પર કોઇ પણ સંદેશો મોકલશો તો સરકાર પહેલા તે વાંચી લેશે અને પછી તે યોગ્ય લાગશે તો જ તેને ફોરવર્ડ કરવામાં આવશે. સોશ્યલ મીડિયાના ફેક મેસેજમાં તો એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો તમે સરકારની વિરુદ્ધમાં કોઇ પણ સંદેશો પોસ્ટ કરશો તો પોલીસ તમારી ધરપકડ કરશે. બીજા એક સંદેશામાં તો ત્યાં સુધી લખવામાં આવ્યું હતું કે સરકાર તમારા તમામ ફોન કોલ રેકોર્ડ કરશે અને તેમાં કોઇ પણ વાંધાજનક વાત જણાશે તો તમને જેલમાં નાખવામાં આવશે. સોશ્યલ મીડિયામાં કરોડો લોકો સક્રિય હોય અને રોજના અબજો સંદેશાઓ મોકલાતા હોય ત્યારે દરેક સંદેશાને સેન્સર કરવું સરકાર માટે શક્ય નથી; પણ સરકારનો ઇરાદો શો છે?

તેનો ખ્યાલ આ બનાવટી સંદેશાઓ દ્વારા આવી શકે છે.સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજી પરથી એટલો તો ખ્યાલ આવે છે કે સરકાર સોશ્યલ મીડિયા પર ગુલામીની ધૂંસરી નાંખવા માટે જોરદાર તૈયારી કરી રહી છે. તાજેતરમાં માહિતી અને પ્રસારણ ખાતાં દ્વારા જાહેરાત આપવામાં આવી હતી કે સોશ્યલ મીડિયા પર નજર રાખી શકે તેવું સોફ્ટવેર સપ્લાય કરે તેવી કંપનીની તલાશ છે. આ સોફ્ટવેરની મદદથી તેઓ દેશના દરેક જિલ્લામાં સોશ્યલ મીડિયા કોમ્યુનિકેશન હબ ઊભા કરવામાં આવશે. આ હબમાં ફેસબુક, ટ્વિટર, વ્હોટ્સ એપ વગેરે મીડિયાનો ડેટા ડાઉનલોડ કરવાની સવલત હશે. મીડિયા હબમાં તે વિસ્તારના જાણીતા પત્રકારોને નોકરીમાં રાખવામાં આવશે, જેઓ સરકારના આંખ અને કાનની ભૂમિકા ભજવશે. પત્રકારોને નોકરી મળશે અને સોશ્યલ મીડિયા પર સરકારનો અંકુશ આવશે. જો આ પત્રકારોને કોઇ પણ દેશવિરોધી કે સમાજવિરોધી વાતો જાણવા મળશે તો તેઓ તેની જાણ સરકારને કરશે.

સરકાર દ્વારા સોશ્યલ મીડિયા સર્વિસ પ્રોવાઇડરનો સંપર્ક સાધીને તે માહિતી ડિલિટ કરાવી નખાશે. સોશ્યલ મીડિયા પર સેન્સરશિપ લાવવાની સરકારની ચાલથી વિપક્ષમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે તેમને ડર છે કે દેશવિરોધી વાતોને બદલે ભાજપવિરોધી વાતો કે સરકાર વિરોધી વાતો પર જ કાતર ચલાવવામાં આવશે. વર્તમાનમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા સોશ્યલ મીડિયામાં ફેક ન્યૂઝની ફેક્ટરીઓ ચલાવવામાં આવે છે. જો સોશ્યલ મીડિયા પર સરકારની સેન્સરશિપ આવી ગઇ તો ભાજપના ફેક ન્યૂઝ બેરોકટોક ચાલશે અને કોંગ્રેસના ફેક ન્યૂઝ સેન્સર થઇ જશે. વળી લોકશાહીમાં સરકારની નીતિની માફ કરવાની ટીકા કરવાનો પ્રજાનો મૂળભૂત અધિકાર પણ ઝૂંટવાઇ જશે.

દરેક જિલ્લામાં કોમ્યુનિકેશન હબ ઊભાં કર્યાં વિના પણ કેન્દ્ર સરકારની સોશ્યલ મીડિયા પરની સેન્સરશિપ અમલમાં આવી ગઇ છે. વર્ષ 2000માં પસાર કરવામાં આવેલા ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાયદાની 69-A કલમાનુસાર કેન્દ્ર સરકારને ઇન્ટરનેટની કોઇ પણ વેબસાઇટ અથવા માહિતી બ્લોક કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ કલમ મુજબ સરકારને કોઇ પણ માહિતી દેશની એકતા અને અખંડિતતા માટે બાધક જણાય, દેશના સંરક્ષણ માટે જોખમી જણાય કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે ઘાતક જણાય તો સરકાર તેને બ્લોક કરી શકે છે. ફેસબુકના હેવાલ મુજબ ભારત સરકારના કહેવાથી તેણે 2021ના પહેલા 6 મહિનામાં 9,853 પોસ્ટ બ્લોક કરી હતી.કેન્દ્ર સરકાર દ્વારા ફેસબુક પર જેટલી પણ પોસ્ટ બ્લોક કરવામાં આવી તેમાંની મોટા ભાગની પત્રકારો, સમાજસેવકો અને માનવ અધિકાર માટે લડનારા કાર્યકરો દ્વારા મૂકવામાં આવી હતી. મોહમ્મદ અનાસ નામના પત્રકારે GSTનો વિરોધ કરતી પોસ્ટમાં લખ્યું કે વેપારીઓએ કમળને મત આપીને મોટી ભૂલ કરી હતી તો તેનું ફેસબુક એકાઉન્ટ 30 દિવસ માટે બ્લોક કરી દેવામાં આવ્યું હતું. જો કેન્દ્ર સરકાર સોશ્યલ મીડિયા પર સેન્સરશિપ લાવે તો તે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો પણ ભંગ હશે. સુપ્રીમ કોર્ટ પ્રજાના મૂળભૂત અધિકારની રક્ષા કરવાની પોતાની ભૂમિકા ભજવશે તે નક્કી છે.

Most Popular

To Top