તો સમય પાસે પણ હવે સમય નથી

આજકાલ તો સમય પાસે પણ હવે સમય નથી. માનવીએ દિવસના ચોવીસ કલાકને પણ ખીચોખીચ ભરી દીધા છે. નિરાંતે કશુંયે કરતો નથી. શું આપણે સમયને બાંધી શકીએ છીએ ? ના, સમય તો પોતાની ગતિથી વહે છે. આપણે તેનું આયોજન, નિયમન કે સંચાલન કરીને તેને ધીમો, ઝડપી કે સ્થગિત કરી શકતા નથી. સમય એક સંપૂર્ણ સ્વાયત પરિબળ છે. સમય કદી અટકતો નથી. સમય માટે કહેવાયું છે કે, સમય અને સમુદ્રની ભરતી કોઈની રાહ જોતા નથી. આપણે ઘડિયાળને થોભાવી શકીએ, સમયને નહિ, સમયને માપવા માટે ઘડિયાળની ટીક-ટીકનો સહારો લઈશું તો કદાચ સમયની મહત્તા આપણને બરાબર સમજાશે નહિ. સમયને તો હૃદયના ધબકારાથી મપાય તો આપણને ખ્યાલ આવશે કે આપણને જીવન આપવા, આપણું હૃદય 80 થી 120 મી.મી. પારાના દબાણે સતત કામ કરે છે. સમયનું મૂલ્ય હવે સમજાશે. સમયને આપણે અપોઈંટમેંટસ અને ડિસઅપોઈન્ટમેન્ટ્સ બંનેની વચ્ચે ભરી દીધો છે. માણસને ઝંખના છે શાંતિની, પરંતુ ઘોંઘાટ વગર એને ચેન નથી પડતું. એને જોઈએ છે એકાંત, પણ ટોળાશાહી છોડવી નથી. ઈચ્છે છે તંદુરસ્તી પણ રોગ તરફ દોડતો જ રહે છે.

ચાલો આપણે સમયને ઓળખીને સમયની ગંભીરતાને સમજીને સમયનો સદ્દઉપયોગ કરતાં શીખીએ. આપણને મળેલા સમયનું આપણે શું કરીએ છીએ? આને માટે આપણી પાસે ચાર વિકલ્પો છે. (1) સમયને મારવો. (2) સમયને બગાડવો. (3) સમયને પસાર કરવો. અને (4) સમયનો સદ્દઉપયોગ કરવો. સમયને મારવો અર્થાત્ ઈર્ષા, ઘૃણા, વેર-ઝેર, નિંદા, કુથલીથી ભરેલ પ્રવૃત્તિમાં સમય ગાળવો. હીન કક્ષાના ચલચિત્રો જોવા, વિડીયો ચેનલો જોવી, હલકી કક્ષાનું સાહિત્ય વાંચવું. જુગારની રમત રમવી. આવી બાબતોમાં સમય ખુવાર કરવો અર્થાત્ સમયને મારીએ છીએ.

સમયનો બગાડ અર્થાત્ જ્યારે માંદગી આવી પડે ત્યારે સમય બગડે છે. સમયના બગાડમાં ઘણીવાર સંજોગો ભાગ ભજવે છે. દવાખાને ડોકટર આપણને તપાસ માટે અંદર બોલાવે ત્યાં સુધી થોભી રહેવામાં, રસ્તામાં આપણું સ્કુટર કે મોટર ખોટકાય પડે ત્યારે, કોઈની સાથે બહાર જવા તેની રાહ જોવામાં, બસ, ટ્રેન અથવા વિમાન મોડા પડે ત્યારે, હાઈ-વે પર અથવા શહેરમાં ટ્રાફીક જામ થઈ જાય ત્યારે આપણે સમયનો બગાડ કરીએ છીએ. આપણે સમય પસાર કરવામાં પણ પાછી પાની કરતા નથી. જીવનમાં થોડું હાસ્ય લાવવા, વિવિધ રસોને પોષવા, હળવાશ ખાતર કેટલીક પ્રવૃત્તિ પાછળ આપણે સમય પસાર કરીએ છીએ. સંગીત, ચિત્રકળા, નાટ્ય પ્રવૃત્તિમાં ભાગ લેવો, શ્રેષ્ઠ સાહિત્યનું વાંચન, સારા દસ્તાવેજી ચલચિત્રો, વૈજ્ઞાનિક કથાવાળી ફિલ્મો જોવી, ફરવા જવું, રમત-ગમત તથા યોગાસનો કરવા, સમય પસાર કરવાની પણ એક મર્યાદા હોવી જોઈએ. અન્યથા એ સમયનો બગાડ જ ગણાય. તો પછી સમયનો સદ્દઉપયોગ કરવો એટલે શું ? સમયમાં આપણે આપણું હિત સાધી શકતા હોય. કુટુંબ કે સમાજનું ભલું કરી શકતા હોય. કોઈકને યોગ્ય માર્ગદર્શન આપી શકતા હોય. મદદ કરી શકતા હોય. નૈતિક ધોરણે પૈસા કમાઇ શકતા હોય. જ્ઞાન, શક્તિ અને અનુભવ વિક્સાવી શકતા હોય તો તે સમયનો આપણે સદ્દઉપયોગ કર્યો ગણાય.

જીવનના 60 વર્ષોનાં સમયનું સરવૈયું જો કાઢીએ તો સમજાશે કે જીવનના પ્રથમ ચોવીસ વર્ષો ભણવા-ગણવામાં બુધ્ધિના વિકાસ કાર્યમાં, બાકી રહ્યા છત્રીસ વર્ષો. તેમાંથી રોજના આઠ કલાક આરામ અને નિંદ્રા માટે ફાળવીએ એટલે કુલ બાર વર્ષો તેમાં જાય. બાકી રહ્યા ચોવીસ વર્ષો જાય. રોજના આઠ કલાક નોકરી-ધંધા માટે ફાળવીએ એટલે એમાં બાર વર્ષો જાય. એટલે હવે બાકી રહ્યા ફક્ત બાર વર્ષ. એમાંથી છ વર્ષો રોજીંદા કાર્ય વ્યવહારમાં, દિનચર્યામાં અને અન્ય ઈતર પ્રવૃત્તિઓમાં પસાર થાય છે. એટલે હવે ફક્ત બાકી રહ્યા છ વર્ષ. તે બચેલા છ વર્ષમાં આપણે આપણી સ્વયંની આધ્યાત્મિક ઉન્નતિ માટે, આત્મચિંતન માટે, ઈશ્વરીય સત્સંગ માટે, સદ્દગુણોના સિંચન માટે, સમયનો બરાબર ઓળખીને સમયનો પૂરેપૂરો સદ્દઉપયોગ કરવાનો દ્રઢ નિર્ધાર કરીએ. અર્થાત્ સમય સંચાલન બાબતે બધી કાળજી રાખી સમયની બચત કરીએ.

આપણે સમયને ઘડિયાળના કાંટાઓમાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો અને સમયના શ્વાસોશ્વાસનું વાહન ‘’ક્ષણ’’ને બનાવી. આવી પ્રત્યેક ક્ષણનો જો સદ્દઉપયોગ કરવો હોય તો વિશ્વની ઘડીયાળમાં આજે કેટલા વાગ્યા છે તેને સમજી લઈએ. વર્તમાન સમયે નિરાકાર પરમપિતા પરમાત્મા આ ધરા પર આવી ચૂક્યા છે, ગીતાના મહાવાક્ય ‘યદા યદા હી ધર્મસ્ય’ અનુસાર ધર્મગ્લાનીના સમયે અવતરિત થઈ ચૂક્યા છે અને એક સતધર્મની સ્થાપના કરી રહ્યા છે, ત્યારે આપણે સૌ જીવાત્મા, એ પરમપિતાને ઓળખી લઈએ. પ્રત્યેક આત્માઓને ઈશ્વરીય સંદેશ આપી રહ્યા છે. હે, આત્મિક બાળકો અજ્ઞાન, અંધકારરૂપી રાત્રિમાંથી જાગો. જ્ઞાનસૂર્ય પરમાત્માને ઓળખો. આપણે દરરોજ વહેલી સવારે ફક્ત એક કલાક પરમાત્માએ શિખવાડેલા રાજયોગના અભ્યાસ દ્વારા ઈશ્વરીય સત્સંગ કરીએ અને આત્માનું ભાથુ બાંધીએ. દિવસ દરમ્યાન પણ જ્યારે સમય મળે 5-10 મિનિટ પણ પરમાત્માને યાદ કરતા રહીએ તો શાંતિનો અનુભવ અવશ્ય થતો રહેશે. જો આપણે સમય પર આ સત્ય ઈશ્વરીય સંદેશને સમજી ન લઈશું અને એનો અનુભવ ન કરીશું તો જેમ આપણે કહીએ છીએ કે મારી પાસે સત્સંગ કરવાનો સમય જ નથી ત્યારે ? સમય પણ તમને સામો જવાબ આપી કહેશે કે ‘મારી પાસે પણ હવે સમય નથી…..

Most Popular

To Top