બિહારની જ્ઞાતિકીય વસ્તી ગણતરીએ બીજેપી સામે મુશ્કેલી ઊભી કરી છે. આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ ભારતમાં સવર્ણોનું સર્વત્ર પ્રભુત્વ છે. પછાત જાતિઓને હજુ પણ અન્યાય થઈ રહ્યો છે અથવા ન્યાય નથી મળી રહ્યો એ જો સ્વીકારવામાં આવે તો આખી હિંદુ રાષ્ટ્રની કલ્પના સામે પ્રશ્ન ઉપસ્થિત થાય કે એનું સ્વરૂપ કેવું હશે અને તેમાં પરંપરાગત પછાત જાતિઓનું શું સ્થાન હશે? અનુભવ તો એવો છે કે હિંદુ સામાજિક પરંપરાએ વંચિતોને, સ્ત્રીઓને અને કેટલીક જ્ઞાતિઓને બહાર રાખ્યા હતા. તેમને સમાન દરજ્જા સાથે અંદર લેવાની સુવર્ણ તક ભારતનાં બંધારણે આપી છે.
પણ તક આપી એનો અર્થ એવો નથી કે તેઓ તક ઝડપવા જેટલા સક્ષમ છે. ઉપલબ્ધતા અને સક્ષમતા એ બે જુદી વસ્તુ છે. બજારમાં ઘણી વસ્તુ ઉપલબ્ધ છે, પણ તે ખરીદવા જેટલી ક્ષમતા ન હોય તો એ વસ્તુ હોવા છતાંય તેને માટે તે નથી. બંધારણે ઉપલબ્ધ કરાવી આપેલી જોગવાઈ હજુ આજે પણ લોકો સુધી પહોંચી નથી એ એક હકીકત છે. પણ સવાલ એ છે કે એની જાણકારી કેવી રીતે મેળવવી?
એનો સૌથી સચોટ ઉપાય છે; જ્ઞાતિકીય સર્વેક્ષણ. માત્ર માથાંની ગણતરી નહીં; આર્થિક, સામાજિક, શૈક્ષણિક સર્વેક્ષણ પણ કરવામાં આવે. પછાતપણાને અને વંચિતપણાને સંબંધ છે. બિહારમાં કરવામાં આવેલી જ્ઞાતિકીય ગણતરીએ એ સિદ્ધ કરી આપ્યું છે. બિહારમાં અતિ પછાત જ્ઞાતિઓ અતિ વંચિત છે એ સાબિત થઈ ગયું છે. બીજેપીની સમસ્યા એ છે કે જો હિંદુઓ વચ્ચે તક અને તકથી વંચિતપણા વચ્ચેના અંતરનો સ્વીકાર કરવામાં આવે તો આખી હિંદુ રાષ્ટ્રની કલ્પના સામાજિક ન્યાય તરફ કેન્દ્રિત થાય.
હિંદુ હિંદુ ભાઈભાઈની વાત પોકળ સાબિત થાય. હિંદુઓને માંડ મુસલમાનોનાં પાપ યાદ કરાવી કરાવીને રડતાં અને ડરતાં કર્યા છે એ ભૂલીને હિંદુ સમાજમાંના પછાત વંચિતો બ્રાહ્મણોનાં પાપ યાદ કરીને રડતાં અને ડરતાં થાય. સામાજિક અન્યાયના અને વંચિતપણાના ડામ સહન કરી લો પણ મુસલમાનોનાં પાપ નહીં ભૂલતા એમ તો જાહેરમાં કહેવાય નહીં. પણ એમ તો જરૂર કહી શકાય કે હિંદુ રાષ્ટ્રમાં કોઈનેય અન્યાય નહીં થાય, તે સાચા અર્થમાં રામરાજ્ય હશે વગેરે વગેરે. આવું કહેવામાં પણ આવે છે.
આવું તો ગાંધીજીએ પણ કહ્યું હતું અને કોંગ્રેસે આઝાદીની લડત વખતે ઠરાવો (ઠરાવ નહીં ઠરાવો) કરીને કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રમાં કોઈનેય અન્યાય નહીં થાય. સામાજિક એકત્વ અને સામાજિક ન્યાય માટે ગાંધીજીએ પોતાની રીતે પ્રયત્નો કર્યા હતા (ડૉ આંબેડકરને એ અધૂરાં કે અપ્રામાણિક લાગ્યાં હતાં એ જુદી વાત છે) એ એક હકીકત છે. તેમને અને કોંગ્રેસના નેતાઓને જાણ હતી કે હિંદુ સમાજ આદર્શ સમાજ નથી. જે સમાજ કોઈ ખાસ કોમને કે સ્ત્રીઓને સમાજિક વ્યવસ્થામાંથી બહાર રાખતો હોય એ આદર્શ ન હોઈ શકે.
ગાંધીજીએ અને કોંગ્રેસે આનો સ્વીકાર કર્યો હતો, શરમ અનુભવી હતી, પ્રાયશ્ચિત કર્યું હતું, સંવાદ સાધ્યો હતો, સેતુ રચવાનો પ્રયાસ કર્યો હતો અને સૌથી શિરમોર બંધારણમાં કોઈની પણ સાથે અન્યાય ન થાય એની પાકી જોગવાઈ કરી હતી. આ બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ચોક્કસ કોમ અને સ્ત્રીઓ સાથેના અન્યાયનો નથી ખુલ્લો સ્વીકાર કર્યો, નથી શરમ અનુભવી, નથી પ્રાયશ્ચિત કર્યું. માત્ર આદર્શ હિંદુ રાષ્ટ્રની વાત કરવામાં આવે છે. જો આની ખાતરી કરવી હોય તો ભંવર મેઘવંશીનું ‘મેં એક કારસેવક થા’નામનું પુસ્તક વાંચી જાવ. એ બિચારાને સંઘમાં દલિત હોવાનો કડવો અનુભવ થયો હતો.
વાત એમ છે કે આઝાદી પછી શિક્ષણનો વિસ્તાર થયો. ગામેગામ શાળાઓ અને ગામની નજીક કસ્બાઓમાં કોલેજો ઉઘડવા લાગી. જે પ્રજાને શિક્ષણ ઉપલબ્ધ નહોતું એ ભણતી થઇ. ધીરે ધીરે તેમની અંદર રાજકીય અને સામાજિક જાગૃતિ આવી. તેમને ન્યાય-અન્યાયનો, હિંદુ સામાજિક વ્યવસ્થાના અસલી ચહેરાનો, સવર્ણોના ઢોંગનો અને તેમની સંખ્યાની તાકાતનો બોધ થવા લાગ્યો. ભારતમાં સામાજિક ન્યાયના નામે જ્ઞાતિકીય રાજકારણ વિકસ્યું અને સંસદીય રાજકારણમાં જ્ઞાતિઓની વોટ બેંક બનવા લાગી. સંઘને સમજાતું નહોતું કે આ પ્રબળ બનતી જતી જ્ઞાતિચેતનાનું શું કરવું? આ તો હિંદુ ચેતનાને મારક છે. પહેલાં જનસંઘ અને હવે ભારતીય જનતા પક્ષ સંઘના રાજકીય પક્ષો છે અને તેને સંસદીય રાજકારણમાં પછાત હિંદુઓના મત મેળવવા જરૂરી હતા. સંઘે પછાત જાતિઓમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું અથવા પ્રવેશ આપવાનું શરુ કર્યું. પણ પેલો પ્રશ્ન તો તેની જગ્યાએ કાયમ હતો કે કહેવાતા હિંદુ રાષ્ટ્રમાં સામાજિક ન્યાયનું સ્વરૂપ શું હશે.
સંઘ અને બીજેપીના સદનસીબે આ જાગૃત થયેલી જ્ઞાતિઓમાં મધ્યમ વર્ગ અસ્તિત્વમાં આવ્યો અને તેનું કલ્યાણ થઈ ગયું હોવાથી તેમની જ જ્ઞાતિમાં જેમનું કલ્યાણ હજુ નહોતું થયું તેમના કલ્યાણમાં તેમને કોઈ રસ નહોતો. મધ્યમ વર્ગનો આ સ્વભાવ છે. કાર્લ માર્કસે કહ્યું હતું કે મધ્યમ વર્ગ વિશ્વાસઘાતી હોય છે. સંઘ પરિવારે મુસ્લિમ વિરોધી પ્રચાર કરીને તેમનાં કાન ભરવાનું શરૂ કર્યું અને તેઓ હિન્દુત્વવાદી રંગે રંગાવા લાગ્યા. બીજેપી એકલે હાથે સત્તા સુધી પહોંચી શકી છે એ આ બહુજન સમાજના તેમ જ દલિત અને આદિવાસીઓમાંના મધ્યમ વર્ગના સહારે.
પણ હવે બીજેપીનું દાયકાનું શાસન જોઇને પછાત જાતિઓના મધ્યમ વર્ગને સમજમાં આવે કે ન આવે જેમને કોઈ લાભ મળ્યો નથી એવા પછાત જ્ઞાતિનાં લોકોને સમજમાં આવવા માંડ્યું છે કે હિંદુ રાષ્ટ્રમાં તેનું સ્થાન ક્યાં હશે? એમાં વળી બિહાર સરકારે જ્ઞાતિકીય પણ સર્વાંગીણ સર્વેક્ષણ કરાવ્યું જેણે પછાત તેમ જ વંચિતોને હજુ વધુ ચોંકાવી દીધા. જ્યાં બીજેપીનું શાસન નથી એવાં રાજ્યોએ પણ જ્ઞાતિકીય વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરી છે અને કોંગ્રેસે વચન આપ્યું છે કે જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો રાષ્ટ્રીય સ્તરે વસ્તી ગણતરી કરવામાં આવશે. ભારતમાં જ્ઞાતિ કોમવાદનું મારણ અને વારણ છે એ વાત સંઘપરિવાર સારી રીતે જાણે છે. કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સુધી પહોંચતાં ૬૭ વરસ લાગ્યાં એ જ્ઞાતિઓના કારણે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.