Charchapatra

આ સરકારમાં આટલું બોગસ? ક્યાં છે શાષન?

બોગસ પેઢીઓ, બોગસ જન્મના દાખલા, બોગસ રેશનકાર્ડ, બોગસ રસીદો, બોગસ લગ્ન નોંધણી, બોગસ ખનિજ વિજિલન્સ ગેંગ આદિના સમાચાર વાંચીને થાય છે કે કાનૂન અને વ્યવસ્થાનું શું થવા બેઠું છે? નકલી ટોલનાકા, નકલી પોલીસો, નકલી કોલ લેટર, નકલી વિંગ કમાન્ડર, નકલી વિડિયો, નકલી દવા, નકલી ઘી, નકલી જીરું, નકલી દંપતી, નકલી સરકારી કચેરીઓ, નકલી એર ટિકિટ, નકલી અદાલતી ઓર્ડર, નકલી એર ટિકિટ, નકલી અદાલતી ઓર્ડર, નકલી મિઠાઈ, નકલી ઓઇલ ઇત્યાદિ પ્રત્યે બહુ જ ચિંતાજનક સારે આંખમિંચામણાં થઇ રહ્યાં હોય એમ જણાય છે.

ગુજરાતમાં ચોતરફ નકલીની બોલબાલા વધતી જણાય છે. બનાવટી ચલણી નોટો, બનાવટી માર્કશીટો, બનાવટી પાસપોર્ટ, બનાવટી આધારકાર્ડ, બનાવટી જોબકાર્ડ, બનાવટી કાશ્મીરી પંડિત વગેરે પકડાયાની ઘટનાઓમાં વૃદ્ધિ થઇ રહી છે. આ સઘળી બનાવટોથી આપણા આર્થિક અને સામાજિક તાણાવાણા ગૂંચવાય છે અને ક્ષતિગ્રસ્ત થાય છે.એમ લાગે છે કે પુરાવાઓ અને પ્રમાણપત્રોની તંત્રોમાં યોગ્ય ચકાસણી થતી નથી. નકલખોરી અને બનાવટ કરનારાઓ ભોગવિલાસી હરામખોર, ખલનાયક, તરકટિયા, નકાબપોશ, આદિ છે જ.
સુરત     – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સમયસર નિવૃત્તિ આવકારદાયક
ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા પછી રોહિત, વિરાટ અને જાડેજાએ ટી 20 રમતમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી યોગ્ય નિર્ણય લીધો છે એમ કહી શકાય. એમણે દેશ માટે પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરી અનેક વાર વિજય અપાવ્યો છે.બીજી તરફ કરોડો ક્રિકેટપ્રેમીઓએ એમને અઢળક પ્રેમ આપ્યો છે. દેશમાં હજી ઘણાં પ્રતિભાવંત ખેલાડીઓ ટીમ ઈંડિયામાં પોતાનું સ્થાન મેળવવા દસ્તક દઈ રહ્યા છે ત્યારે સમયસર નિવૃત્તિ જાહેર કરીને આ ત્રણેય ખેલાડીઓએ નવોદિતોને તક મળે એવો રસ્તો કરી આપ્યો છે. સાથે સાથે અન્યોને આમ કરવાની પ્રેરણા આપી છે. રમતગમત, રાજકારણ કે સામાજિક સેવા જેવા કોઈ પણ ક્ષેત્રમાં સમયસર નિવૃત્તિ લઈ અન્ય માટે તક ઊભી કરવી જરૂરી છે. એમ કરવાથી નવી પ્રતિભા, નવા વિચારો, નવા અભિગમ, નવા પ્રયોગોનો લાભ મળે છે. નિવૃત્તિ જાહેર કરનારા ત્રણેય ખેલાડીઓને અભિનંદન. આશા છે કે ક્રિકેટના અન્ય ફોર્મેટમાંથી પણ ક્રમશ: તેઓ વિદાય લેશે.
સુરત     – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top