નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમ (North-West) અને અડીને આવેલા મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતના હિમાલયના (Himalaya) રાજ્યોમાં ગઇકાલે સોમવારે ભારે વરસાદ (Rain) રહ્યો હતો. દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના પર્વતીય રાજ્યોમાં વરસાદ સાથે ભારે હિમવર્ષા (SnowFall) થઈ હતી. કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા.
હિમવર્ષા અને કરાને કારણે કાશ્મીરમાં હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી છે. પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન, બિહાર અને બંગાળ સહિત મોટાભાગના મેદાની રાજ્યોમાં સવારે ધુમ્મસ છવાયું હતું. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મંગળવારથી સૂર્યપ્રકાશ રહેશે અને દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે. સવારે ધુમ્મસની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થશે અને લઘુત્તમ તાપમાનમાં પણ ધીમે ધીમે વધારો થશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારત અને તેની આસપાસના મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધ્યું છે અને તે 10-14 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે પહોંચી ગયું છે. આ સામાન્ય તાપમાન કરતાં 2-4 ડિગ્રી વધારે છે. પંજાબ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના અલગ-અલગ સ્થળોએ આજે સવારે 5:30 થી 8:30 વાગ્યાની વચ્ચે ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. આ સમયગાળા દરમિયાન, ઉત્તર-પૂર્વમાં અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને કરા પડ્યા હતા.
ખીણમાં સફેદ ચાદર પથરાઈ, પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા
કાશ્મીર ખીણના ઘણા વિસ્તારોમાં કેટલાક ફૂટ જાડા બરફનું આવરણ ફેલાઈ ગયું છે. જેના કારણે પ્રવાસીઓ માટે વસંત આવી ગઈ છે. પરંતુ સામાન્ય લોકોનું જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ઘણા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઉપર પર ગાઢ બરફના કારણે હાઇવે બંધ કરવામાં છે. તેમજ એર ટ્રાફિકને પણ અસર થઈ છે.
હીમવર્ષના કારણે ઈન્ડિગોએ દિલ્હીથી જમ્મુ, શ્રીનગર અને લેહની છ ફ્લાઈટ રદ કરી છે. ખરાબ હવામાનને કારણે માતા વૈષ્ણો દેવી મંદિર માટે હેલિકોપ્ટર સેવા પણ સ્થગિત રાખવામાં આવી છે. તેમજ ભારે હિમવર્ષાના કારણે પહેલગામમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 11.9 ડિગ્રી થઈ ગયો હતો. શ્રીનગરમાં પણ માઈનસ 0.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હિમાચલમાં પરેશાનીઓ વધી
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા બંધ થયા બાદ મુશ્કેલીઓ વધી છે. ગઇકાલે સોમવાર સાંજ સુધીમાં રાજ્યમાં 1,416 પાવર ટ્રાન્સફોર્મરમાં નિષ્ફળતાને કારણે છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોળવાઈ ગયો હતો. રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ રહ્યા હતા. આ ઉપરાંત 645 માર્ગો પર પણ વાહનવ્યવહાર થંભી ગયો હતો. રાજ્યમાં 280 બસ રૂટ અને 52 પીવાના પાણીની યોજનાઓને પણ અસર થઈ હતી.