National

ઉત્તરાખંડમાં બરફનો પહાડ તૂટી પડ્યો: 57 કામદારો ફસાયા, 32 નું રેસ્ક્યૂ, ખરાબ હવામાન બન્યો પડકાર

ઉત્તરાખંડના બદ્રીનાથ અને માના ગામ નજીક હિમપ્રપાતમાં ફસાયેલા 57 કામદારોમાંથી 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. બચાવાયેલા કેટલાક કામદારોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમને માના ગામ નજીક ITBP કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. માના એ તિબેટ સરહદ પર ભારતનું છેલ્લું ગામ છે.

ચમોલી જિલ્લાના સરહદી ગામ માના નજીકના ઊંચાઈવાળા વિસ્તારમાં બરફ દૂર કરતી વખતે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ના કામદારો ફસાઈ ગયા હતા. બદ્રીનાથથી લગભગ ત્રણ કિલોમીટર દૂર માના, ભારત-તિબેટ સરહદ પર આવેલું છેલ્લું ગામ છે જે 3200 મીટરની ઊંચાઈ પર આવેલું છે. શુક્રવારે સવારે 7.15 વાગ્યે ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાત થયો હતો. જેમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) ના 57 કાર્યકરો ફસાઈ ગયા હતા. બચાવ કામગીરીમાં રોકાયેલા સેના, ITBP, BRO, SDRF અને NDRF ટીમોએ સાંજ સુધીમાં 32 કામદારોને બહાર કાઢ્યા હતા. અકસ્માત સમયે બધા કામદારો 8 કન્ટેનર અને એક શેડમાં હાજર હતા.

બચાવેલા તમામ મજૂરોને માના ગામમાં આવેલા ITBP કેમ્પમાં લાવવામાં આવ્યા છે. અહીં તેમની સારવાર ચાલી રહી છે. 4 લોકોની હાલત ગંભીર છે. હાલમાં ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. આખા વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ અકસ્માત અંગે SDRF અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી, સેના, ITBP અને NDRFના અધિકારીઓ સાથે વાત કરી હતી.

બચાવ કામગીરીમાં ખરાબ હવામાન પડકાર બન્યો
ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે બરફમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારમાં હવામાન હજુ પણ પડકારજનક છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે બરફમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને સમગ્ર વહીવટ સંપૂર્ણપણે સતર્ક છે.

Most Popular

To Top