ભારે બરફ વર્ષાએ રશિયાના મોસ્કો શહેરને બરફના ઢગલાઓ વચ્ચે દાટી દીધું છે, પરિવહન સેવાઓ ખોરવી નાખી છે અને રસ્તા પર ચાલતા નીકળવું પણ લોકો માટે મુશ્કેલ થઇ પડ્યું છે.
ગુરુવારે મોડી સાંજે શરૂ થયેલી બરફ વર્ષા હજી પણ ચાલુ જ છે અને રવિવારના અંત સુધી ચાલુ રહેવાની શક્યતા છે. શનિવારની વહેલી સવાર સુધીમાં શહેરમાં પથરાયેલા બરફની ચાદરની જાડાઇ પ૬ સેન્ટિમીટર જેટલી થઇ ગઇ હતી અને તે વધીને ૬૦ સેમી થવાની ધારણા રખાતી હતી.
ભારે બરફ વર્ષાને કારણે શહેરનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો, ફ્લાઇટો મોડી પડી હતી અને મજબૂત પવનો અને માઇનસ ૧૫ સેલ્સિયસ તાપમાનમાં લોકો માટે ઘરની બહાર નીકળવાનું પણ મુશ્કેલ બન્યું હતું. તે બરફનું તોફાન છે અને બરફની કયામત છે એ મુજબ હવામાન સેવા ફોબોસના એક અધિકારીએ કહ્યું હતું.
એક કરોડ વીસ લાખની વસ્તીવાળા આ શહેરમાં આજની બરફ વર્ષાએ ૧૯૭૩માં થયેલી બરફ વર્ષાનો રેકર્ડ તોડી નાખ્યો છે અને જનજીવન લગભગ ઠપ કરી નાખ્યું છે. સખત બરફ વર્ષા વચ્ચે આ શહેરનું તાપમાન ગગડીને માઇનસ ૧પ સેલ્સિયસ પર જતું રહ્યું છે.