દક્ષિણ ગુજરાતે દુર્ગારામ મહેતાજી, નર્મદ, નવલરામ, પ્રો. ટી.કે. ગજ્જર, ચુનીલાલ ઘેલાભાઇ શાહ, ચુનીલાલ ગાંધી, અતિસુખશંકર ત્રિવેદી, ડૉ. વાય. જી. નાયક, કનૈયાલાલ મુન્શી, જયોતીન્દ્ર દવે, ચં.ચી. મહેતા, ભગવતીકુમાર શર્મા અને ગની દહીંવાળા જેવા તેજસ્વી કેળવણીકારો અને સાહિત્યકારોની ભેટ આપી છે. તેમાં ઝીણાભાઇ દેસાઇ ઉર્ફે ‘સ્નેહરશ્મિ’ (1903-1991) મોખરાનું સ્થાન ધરાવે છે. તેમની વિશેષતા એ છે કે તેઓ સ્વાતંત્ર્ય સેનાની, ઇતિહાસકાર, આત્મકથાકાર, સાહિત્યકાર, શિક્ષક અને કેળવણીકાર હતા. તા. 6 જાન્યુઆરી 1990ના રોજ જયારે તેમનું 88 મે વર્ષે અવસાન થયું ત્યારે તેમને અંજલિ આપતા સુરતના ‘ગુજરાતમિત્રે’ લખ્યું હતું:
‘દક્ષિણ ગુજરાતે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યકારો આપ્યા છે તેમાંના ‘સ્નેહરશ્મિ’ એક હતા. તેઓ ઉત્તમ શિક્ષક અને કેળવણીકાર હતા. એમના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં સ્થપાયેલ ચી.ન. વિદ્યાવિહાર ગુજરાતના શાંતિનિકેતન તરીકે ઓળખાતું હતું. કવિ સ્નેહરશ્મિએ જાપાની કાવ્યપ્રકાર ‘હાઇકુ’ને ગુજરાતની ભૂમિમાં પ્રસ્થાપિત કર્યો. તા. 16.3.1903ના રોજ દક્ષિણ ગુજરાતના ચીખલી ગામે જન્મેલા શ્રી સ્નેહરશ્મિને પોતાની સાહિત્યિક કારકિર્દી દરમ્યાન કુમાર ચંદ્રક, રણજીતરામ પારિતોષિક અને નર્મદ ચંદ્રક જેવા એવોર્ડ મળ્યા હતા. તેમની વિદ્વત્તા, સંસ્કારિતા, સૌજન્ય, સાદાઇ, મળતાવડો સ્વભાવ, ગરીબો પ્રત્યે હમદર્દી અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ સદાયે યાદ રહેશે.’ આ લેખમાં ઝીણાભાઇ દેસાઇનું ઇતિહાસકાર, સાહિત્યકાર તથા કેળવણીકાર તરીકે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
ઇતિહાસ લેખક…
છેલ્લાં પચાસ વર્ષથી ભારતીય ઇતિહાસનું વ્યવસાયીકરણ થયું છે. આજની યુનિવર્સિટીઓમાં સંશોધન આધારિત વ્યાપારવાણિજય અને આંત્રપ્રીન્યોરશીપ, નારીચેતના, ડાયસ્પોરા, ખેડૂતો અને આદિવાસીઓ, સ્વાતંત્ર્યસંગ્રામ, શ્રમજીવીઓ તેમજ નગરો અને ગામડાંઓનો ઇતિહાસ ભણાવવામાં આવે છે. તેની અસર હેઠળ સંશોધન લેખો અને ગ્રંથો ઉપરાંત પાઠયપુસ્તકો લખાય છે. દર્શકની જેમ સ્નેહરશ્મિ પ્રોફેશનલ હીસ્ટોરીયન નહીં પણ ઇતિહાસ લેખક હતા. તેથી તેમના ઇતિહાસમાંથી થિયરી કે પ્રેકિટસની દ્રષ્ટિએ સેન્ટ્રલ ફોકસ પ્રાપ્ત થયું નથી. આમ છતાં તેમણે ઘણી સૂઝપૂર્વક શાળાઓ માટે પાઠયપુસ્તકો લખ્યાં હતાં.
તેનું પૃથક્કરણ કરતાં તેમનો ઇતિહાસ પ્રત્યેનો ઉદાર અને સહિષ્ણુ દ્રષ્ટિકોણ વ્યકત થાય છે. સ્નેહરશ્મિ ઇતિહાસ લેખક તરીકે માનવતાવાદી, સેકયુલર, નૈતિક મૂલ્યોને વરેલા હતા. તેમણે રચેલા ઇતિહાસ ગ્રંથોની ત્રણ મુખ્ય ખાસિયતો છે. તેમાં રાજારાણીની વાતો સાથે પ્રજાકીય ઘટનાઓને પણ વણી લેવામાં આવી હોવાથી તે લોકોનો ઇતિહાસ બને છે. એમણે એક ‘હિંદુ’ તરીકે ઇતિહાસ જોયો નથી. તેથી એમના ઇતિહાસમાંથી હિંદુ અને મુસલમાનો વચ્ચેનો સાંસ્કૃતિક સમન્વય સધાયો છે. તેમાં જેટલું સ્થાન બુધ્ધ, મહાવીર, અશોક, સિધ્ધરાજ જયસિંહ, મહારાણા પ્રતાપ, રાજા રામમોહન રાય, સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી તથા સરદાર પટેલને આપ્યું છે તેટલું સ્થાન કબીર, નાનક, બાબર, અકબર, ચાંદબીબી દારા અકોહ, અબ્દુલ કલામ આઝાદ અને ખાન અબ્દુલ ગફાર ખાનને પણ આપ્યું છે. એમણે સૂફી અને સંત આંદોલનો દ્વારા ભારતના બહુ સાંસ્કૃતિક મૂલ્યો વિકસાવ્યાં છે.
તેથી તમનો ઇતિહાસ એકતરફી બની જતો નથી. આજના લોકશાહી મૂલ્યો તેમ જ કોમી એકતા માટે આ પ્રકારનો ઇતિહાસ લખાવો જરૂરી છે. તેમણે પ્રસિધ્ધ કરેલી ‘ભારત ઇતિહાસ ગાથા’ શ્રેણીના ત્રણ ભાગો એક જમાનામાં સમગ્ર ગુજરાતની શાળાઓમાં લોકપ્રિય હતા. તેનું એક કારણ તે તેમની રસાળ ભાષા, પ્રેમ, સહકાર અને સહિષ્ણુતાનાં મૂલ્યો અને ઘટનાઓ રજૂ કરવાની સાહિત્યિક શૈલી હતું. આ ઉપરાંત સ્નેહરશ્મિએ 1968માં ‘આપણી સ્વરાજય યાત્રા’ નામનું પુસ્તક પ્રસિધ્ધ કરીને 1857ના સ્વાતંત્ર્ય યુધ્ધથી શરૂ કરીને આઝાદી સુધીનો ઇતિહાસ લખ્યો હતો અને તે ‘અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ’ને અર્પણ કર્યો હતો. દર્શકની જેમ સ્નેહરશ્મિ પણ ગુજરાતના મોટા સાહિત્યકાર તેમ જ ઇતિહાસ લેખક હતા. તેઓ બંને યુરોપના ઇતિહાસથી પણ પ્રભાવિત થયા હોવાથી તેમણે સોક્રેટીસ, પ્લેટો અને મેગસ્ટોટલથી શરૂ કરીને યુરોપનાં રેનેસાં ઉપરાંત ન્યૂટન અને આઇન્સ્ટાઇનને તેમની ઐતિહાસિક કૃતિઓમાં સ્થાન આપ્યું હતું. ગાંધી મણિ મહોત્સવ પ્રસંગે ઝીણાભાઇએ ‘ગાંધી અને સોક્રેટિસ’ નામનો લેખ લખીને સત્ય અને અહિંસાનાં મૂલ્યોને બિરદાવ્યા હતા. આવાં મૂલ્યોને સ્થળકાળનાં બંધનો હોતાં નથી.
સાહિત્યકાર સ્નેહરશ્મિ…
તેઓ કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટયકાર, ચરિત્રકાર, આત્મકથાકાર અને સંપાદક હતા. તેમણે અર્ધ્ય, પનઘટ, લોકન ચાંદ અને રૂપેરી સૂરજ, તરાપો, ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ અને ઉજાણી જેવા કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમની ટૂંકી વાર્તામાં તૂટેલા તાર, ગાતા આસોપાલવ અને સ્વર્ગ અને પૃથ્વીનો સમાવેશ થાય છે. એમણે ગાંધીયુગના સામાજિક પ્રશ્નોને પાયામાં રાખીને ‘અંતરપટ’ નામની નવલકથા લખી હતી. એમણે એમની આત્મકથાના ચાર ભાગો પ્રસિધ્ધ કર્યા હતા. ‘મારી દુનિયા’, ‘સાફલ્યટાણું’, ‘ઉઘડે નવી ક્ષિતિજ’ અને ‘વળી નવા આ શૃંગાર!’ એમણે રચેલા ‘હાઇકુ’ તો ગુજરાતી સાહિત્યના અણમોલ રત્ન કહેવાય છે. સ્નેહરશ્મિ 1972માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. 1960માં રણજીતરામ સુવર્ણચંદ્રક તથા 1985માં નર્મદચંદ્રક મળ્યો હતો. ગાંધીયુગના આદર્શોનું મૂલ્ય અને તત્કાલીન કપરી વાસ્તવિકતા પરત્વેની પ્રતિક્રિયામાં એમના સર્જનનાં મૂળ પડેલાં છે. ટેક્સટાઇલ મિલમાં બાર કલાક કામ કરતા ‘બાળ મજૂર’ પરનું સ્નેહરશ્મિનું કાવ્ય આજે પણ હૃદયદ્રાવક છે. શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે માતા બાળકને ઉઠાડીને કહે છે:
‘ઊઠ જાગને નાજૂક બાળ
તારે માથે વ્હેલો કાળ
જગત બધું સપને સૂતું, સુખ પસારે પાંખ,
તારે સપને ભૂંગળાં કાળાં, લાલ
ભયાનક પાંખ!…
આપણે અહીં આ ધૂળના ફાકા-
તેને રોજ ઉજાણી!
અમૃતના તેને સાગર છલકે આપણે
કાજ ન પાણી!’’
જો કે કવિ ઉપર ટાગોરની પણ ઊંડી છાપ હોવાથી ઉર્મિશીલતા, રંગદર્શન, રહસ્યમયતા અને લયમધુરતાની સામગ્રી એમના કાવ્યસર્જનને સ્નેહરશ્મિ પોતીકી બનાવે છે. તેમના કાવ્યસંગ્રહો આ વાતની પ્રતીતિ કરાવે છે. યુગની સાથે ચાલે છે અને આગળ પણ જાય છે. તેઓ માનવપ્રેમ અને પ્રકૃતિ સૌંદર્યના કવિ છે. સ્નેહરશ્મિની આત્મકથામાંથી પલટાતા સમાજનું દર્શન થાય છે. વતન ચીખલીથી આરંભાતી આત્મકથાનો પ્રથમ ખંડ મારી દુનિયા માતા, પિતા, મામા, ગામ ને નદીનો પરિવેશ, શાળાઓ શિક્ષકોના અનુભવોનું વર્ણન કરે છે. તેની સાથે દક્ષિણ ગુજરાતની તત્કાલીન રાજકીય અને સામાજિક પરિસ્થિતિ ખડી થાય છે.
ઝીણાભાઇના બાળપણ અને કિશોરાવસ્થાની આ કથા છે. બીજો ભાગ સાફલ્યટાણું 1920-21ના અસહકારના આંદોલનથી શરૂ થાય છે અને 1933માં સમાપ્ત થાય છે. તેમાંથી ગાંધીજીનો, ગાંધીપ્રેર્યા વાતાવરણનો, આસપાસની વ્યકિતનો અને આઝાદીની લડતનો ચિતાર ખડો થાય છે. આ વર્ષોમાં ગુજરાત વિદ્યાપીઠનો જીવંત ઇતિહાસ ધબકે છે. તેની સાથે દક્ષિણ ગુજરાતનાં આશ્રમો અને મીઠુબહેન પીટીટ જેવા કાર્યકરોની વાત ગુંથાઇ છે. એ રીતે આત્મકથા આગળ વધે છે. તેમણે ગાંધીયુગના વિવિધ સ્પંદનોને ગૂંથીને આકર્ષક રીતે રજૂ કર્યાં છે.
શિક્ષક અને કેળવણીકાર સ્નેહરશ્મિ…
ઝીણાભાઇનાં મન અને હૃદયમાં શરૂ શરૂમાં ચીખલી અને દક્ષિણ ગુજરાતનાં પ્રાકૃતિક સૌંદર્ય તેમજ ફળદ્રુપ ખેતીનાં સંસ્કાર પડયા હતા. ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં તેઓ ઘૂમ્યા હતા. ત્યાર બાદ તેમની ઉપર મહાત્મા ગાંધી અને ગુજરાત વિદ્યાપીઠના સંસ્કાર પડયા. તેઓ વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા એટલું જ નહીં પણ ત્રણ વર્ષ અધ્યાપન કાર્ય પણ કર્યું. તેઓ ઇતિહાસ અને રાજયશાસ્ત્રનાં અધ્યાપક હતા. અહીંથી તેઓ ૧૯૩૪ માં મુંબઇની ગોકળીબાઇ રાષ્ટ્રીય શાળાના પ્રિન્સિપાલ તરીકે ગયા અને ચાર વર્ષ બાદ અમદાવાદની વિખ્યાત શૈક્ષણિક સંસ્થા શેઠ ચી. ન. વિદ્યાવિહારના પ્રિન્સિપાલ તરીકે જોડાયા. અહીં તેમણે ગાંધી, ટાગોર અને શ્રી અરવિંદના આદર્શો અજમાવ્યા. એમણે ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો ઉપરાંત ચિત્રકલા અને સંગીત પર ભાર મૂકીને ઉત્તમ ચિત્રકારો અને સંગીતકારોની શિક્ષક તરીકે નિમણૂક કરી. આ રીતે એમણે વિદ્યાર્થીઓની ચેતના, ઊર્મિ, કલ્પનાશકિત અને સર્જનશકિતને વાચા આપી તેમજ હજારો વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય ઘડતર કર્યું. આજે પણ વિદ્યાર્થીઓ એમના શિક્ષક સદ્. ઝીણાદાદાને આધુનિક યુગના ઋષિ તરીકે બિરદાવે છે. તેઓ ત્રણ વખત ગુજરાત યુનિવર્સિટીના કાર્યકાળ વાઇસ ચાન્સેલર તરીકે નિયુકત થયા હતા. તેમને ૧૯૬૧ માં ઉત્તમ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. ઝીણાભાઇ દેસાઇ સ્નેહરશ્મિને એક સાહિત્યકારે ‘શિયાળાની સવારનો તડકો’ તરીકે ઓળખાવ્યા છે. તેઓ હૂંફાળી સૂઝ ઊર્જાના પ્રતિનિધિ હતા અને એમને પોતાને પણ એ ઊર્જા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના ચહેરા જોવાથી મળતી રહેતી હતી.