સુરત: વરસાદી (Monsoon) સિઝન શરુ થતાં જ શહેરના રહેણાંક વિસ્તારોમાં સાપ (Snake) નીકળવાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં કાપોદ્રા અને છાપરા ભાઠા વિસ્તારની સોસાયટીઓમાં સાપ નીકળતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ, નાના વરાછા સ્થિત ખાડી કિનારે આવેલી હરે કૃષ્ણ સોસાયટીમાં ઘર નંબર-81ના આંગણામાં એક સાપ દેખાયો હતો. આ સાપ આંગણામાં પેસેજની સાઈડના બ્લોકમાં સરકી રહ્યો હતો. સાપ નીકળતા સોસાયટીમાં રહેતા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને ત્યારબાદ ફાયરને જાણ કરાતા કાપોદ્રા ફાયર સ્ટેશનનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને સાપને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી હતી.
ફાયર અધિકારી વિનોદ રોજીવાડીયાએ જણાવ્યું હતું કે, બ્લોકમાં સંતાયેલા સાપનું રેસ્ક્યુ કરી લેતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે આ સાપ બિનઝેરી પ્રકારનો હતો જેને રેસ્ક્યુ કર્યા બાદ તેને દૂર જંગલના વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો. આવી જ રીતે છાપરા ભાઠા વિસ્તારમાં સ્ટાર ગેલેક્સી રેસિડેન્સીના મકાન નંબર 250 માં સાપ નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. અહીં પણ ફાયરની ટીમે સાપનું રેસ્ક્યુ કર્યું હતું.
શહેરના હજીરા-સચિન વિસ્તારમાં છેલ્લા 18 કલાકમાં 5 જણાને સાપે ડંખ માર્યો
સુરત: ચોમાસાના પ્રારંભ સાથે જ શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાતાં સાપ કરડવાના બનાવો વધી ગયા છે. છેલ્લા 18 કલાકમાં પાંચ વ્યક્તિને સાપ કરડતાં તમામને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં રહેતો અર્જુન કમલપત ચૌહાણ (ઉં.વ.19) સોમવારે બપોરે છાપરાભાઠા વિસ્તારમાં કામ કરી રહ્યો હતો. ત્યારે તેને ડાબા પગમાં સાપે ડંખ માપ્યો હતો. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હજીરાના માતા ફળિયા વિસ્તારમાં રહેતી ચિત્રરેખા કૌશિકકુમાર (ઉં.વ.48)ને સોમવારે સવારે 11 વાગ્યાના સુમારે ડાબા હાથમાં સાપે ડંખ માર્યો હતો. ચિત્રરેખાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વરિયાવ ગામમાં રહેતો શર્માકુમાર બ્રિજમોહન બબિંદ (ઉં.વ.20) સોમવારે સવારે સૂતેલો હતો, ત્યારે તેના કાનના ભાગે સાપે ડંખ માર્યો હતો. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સચિનમાં પલસાણા રોડ પર રહેતો મનોજ કમલરામ (ઉં.વ.37) સચિન ટી પોઈન્ટ ઉમા કોલ્ડ સ્ટોરેજ પાસેથી પસાર થતો હતો, ત્યારે સાપે તેને ડંખ મારતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હજીરા વિસ્તારમાં દામકા ગામમાં રહેતા ભૂપેન્દ્ર કાંતિ પટેલ (ઉં.વ.47) ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેમને પગમાં કોઈ સાપ અથવા કીડાએ ડંખ માર્યો હતો. તેમને પણ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામની તબિયત સ્થિર છે.