સુરત : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અત્યાર સુધી દુબઈ અને શારજાહથી સુરત આવતી ફ્લાઇટમાં દાણચોરીથી સોનું લાવવાની ઘટનાઓ બનતી રહી છે. પ્રથમવાર બેંગકોકથી સુરત આવેલી ફ્લાઇટમાં નાનપુરાની મહિલા 550 ગ્રામ વજનનું 43 લાખની કિંમતનું સોનું બેંગકોક ફ્લાઇટમાં લઈ આવતા કસ્ટમ – ઇમિગ્રેશન વિભાગના હાથે પકડાઈ જવા પામી છે.
- નાનપુરાની મહિલા 550 ગ્રામનું 43 લાખની કિંમતનું સોનું લાવતી બેંગકોકની ફ્લાઈટમાંથી પકડાઈ
- બીજા બનાવમાં ગુદામાર્ગમાં 330 ગ્રામ સોનું સંતાડી દુબઈથી આવેલો યુવક પકડાયો
નાનપુરાની મહિલા બેંગકોકથી સોનુ પોતાની જીન્સના પટ્ટાના પાછળના ભાગે સંતાડી લાવી હતી. સુરત એરપોર્ટ કસ્ટમ એર ઇન્ટેલિજન્સ વિગ દ્વારા શંકાના આધારે મહિલા અધિકારીઓ દ્વારા ઝડતી લેવામાં આવતા 43 લાખની કિંમતનું 550 ગ્રામ સોનું તેણીની પાસેથી મળી આવ્યું હતું. કસ્ટમ વિભાગ આ મહિલાની પૂછપરછ કરી રહી છે.
બીજો એક બનાવ દુબઈથી સુરત આવેલી ફ્લાઇટમાં બન્યો હતો. દુબઈ એરપોર્ટ પર ગુદામાર્ગમાં 330 ગ્રામ સોનું સંતાડી સુરત આવેલો યુવક કસ્ટમ વિભાગના હાથે પકડાઈ ગયો હતો. આ યુવક દુબઇથી 330 ગ્રામ સોનુ લઇને સુરત એરપોર્ટ ઉતરતા પૂર્વ બાતમીના આધારે પકડાઈ ગયો હતો. આ યુવક 23 લાખની કિંમતનું સોનું ગુદામાર્ગમાં સંતાડી લાવ્યો હતો. સુરત કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે એક સપ્તાહમાં સોનાની દાણચોરીનાં બે કેસ ઝડપી પાડ્યા છે. દુબઈ અને શારજાહ પછી બેંગકોક સુરત સોનાની દાણચોરીનો નવો રૂટ ઓપન થયો છે. એને લીધે કસ્ટમ વિભાગની ચિંતા વધી છે.