SURAT

આ વીડિયો જોઈ મગજ ચકરાઈ જશે, દાણચોરોએ સોનાની દાણચોરી માટે અજમાવી ગજબ તરકીબ!

સુરત: જ્યારથી સુરત એરપોર્ટ પર દુબઈ-સુરતની ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થઈ છે, ત્યારથી દાણચારો માટે સોનાની દાણચોરી માટે સુરત એરપોર્ટ માટે હોટ ફેવરિટ બની ગયું છે. અવારનવાર દાણચોરો દ્વારા દુબઈથી સુરતમાં દાણચોરીનું સોનું ઘુસાડવામાં આવતું હોવાના કેસ બન્યા છે.

હજુ થોડા સમય પહેલાં સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી એક મહિલા અધિકારીના મેળાપીંપણામાં સોનાની દાણચોરીનો ખેલ ચાલતો હોવાનો કૌભાંડનો પર્દાફાશ થયો હતો, તે કેસમાં હજુ ઈન્ક્વાયરી ચાલી રહી છે, ત્યારે તાજેતરમાં સુરત એરપોર્ટ પરથી એસઓજીએ રૂપિયા 60 લાખના દાણચોરીના સોના સાથે સ્મગ્લર ગેંગના 4ને પકડ્યા છે. આ ગેંગે દાણચોરીનું સોનું ભારતમાં ઘુસાડવા માટે ગજબ તરકીબ અજમાવી હતી, જે જોઈ એસઓજીના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર છુપાવીને સોનું લાવ્યા હતા. જોકે, તેઓ સોનાની બિસ્કીટ નહોતા લાવ્યા પરંતુ સોનાની પેસ્ટ બનાવી તેનું કાપડ જેવું દેખાતું એક લેયર બેગના પાછળના ભાગે ચીપકાવી દીધું હતું, જેથી પહેલી નજરે જોતા તે બેગનો જ ભાગ હોવાનું લાગતું હતું.

જોકે, સુરત એરપોર્ટ પર આવતા જ એસઓજીએ સપ્લાય કરતા એક મહિલા સહિત 4ને પકડ્યા હતા. બાદમાં જ્વેલરી એક્સપર્ટને બોલાવીને બેગ પર ખરેખર સોનાની પેસ્ટ ચિપકાવી છે કે નહીં તેની તપાસ કરાવાઈ હતી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો.

જ્વેલરી એક્સપર્ટની હાજરીમાં એસઓજીએ બેગ પરથી વધારાનું લેયર કાઢ્યું હતું, જે બહારથી બેગ જેવા બ્લેક કલરનું પરંતુ અંદરથી ગોલ્ડ કલરનું હતું. જ્વેલરી એક્સપર્ટે એસઓજીની હાજરીમાં તે લેયર ઓગાળતા તેમાંથી 900 ગ્રામ વજનનું સોનું નીકળ્યું હતું, જેની બજાર કિંમત 60 લાખ જેટલી થાય છે.

કેવી રીતે પકડ્યું સોનું?
એસઓજીને બાતમી મળી હતી કે એક મહિલા, 3 પુરુષ દુબઈ-સુરત ફ્લાઈટમાં દાણચોરીનું સોનું લાવી રહ્યાં છે. શંકાસ્પદ ચાર જણા દાણચોરીનું ગોલ્ડ લઈ સુરત એરપોર્ટથી બહાર નીકળી ગયા હતા, પરંતુ એસઓજીએ તેઓને એરપોર્ટ બહારથી પકડી પાડ્યા હતા. પ્રારંભિક તપાકમાં કશું મળ્યું નહોતું, પરંતુ બેગની પાછળના ભાગે એક વધારાનું લેયર શંકાસ્પદ જણાયું હતું, તેના તપાસ કરતા તે લેયર ગોલ્ડ પેસ્ટનું હોવાનો ખુલાસો થયો હતો. આ ચારેય આરોપી ગોલ્ડ પેસ્ટ બનાવી બેગની ઉપર ચોંટાડી દુબઈ-સુરત ફ્લાઈટમાં લાવ્યા હતા.

Most Popular

To Top