બીલીમોરા : અમલસાડ નજીક સરીબુજરંગ ગામે સોમવાર રાત્રે તસ્કરોએ જૈન દેરાસર, બાલાજી મંદિર, તુંમ્બા માતા મંદિર, અગનદેવી મંદિર, હેલી ફૂટવેર, અજીત જનરલ સ્ટોર સહિત ૭ સ્થળોએ તાળાં તૂટતા ચકચાર મચી હતી. બે મંદિરની દાનપેટીમાંથી અંદાજીત રૂપિયા ૨૫ હજાર જેટલી રકમ ચોરી કરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી.
અમલસાડ નજીક સરીબુજરંગ ગામે સોમવાર રાત્રે તસ્કરોએ કસબ અજમાવ્યો હતો. જેમાં કોળીવાડ સ્થિત તુંમ્બા માતા મંદિરનું તાળું તોડી, મંદિરમાં પ્રવેશી દાનપેટી તોડી અંદાજીત રૂપિયા ૨૦ થી ૨૫ હજારની રકમ ચોરી કરી હતી. સ્થાનિકોનાં મતે હમણાં જ એનઆરઆઈ પરીવારે દાનપેટીમાં દાન કર્યું હતું. જે બાદ કુંભારવાડ સ્થિત અગનદેવી મંદિરના તાળાં તોડી દાનપેટીમાંથી રૂપિયા ૪ થી ૫ હજાર જેટલી રકમ ચોરી કરી ગયા હતા. બાલાજી મહોલ્લામાં બાલાજી મંદિરના તાળાં તૂટ્યા હતા. આ ઉપરાંત અમલસાડ શ્રી શાંતિનાથ ભગવાન જૈન દેરાસરનાં મુખ્ય પ્રવેશદ્રાર અને ઓરડાના તાળા તૂટ્યા હતા. જે બાદ કિરણભાઈ ઠક્કરની અજીત જનરલ સ્ટોર તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
જે બાદ જગદીશ ચાંપાનેરીની હેલી ફૂટવેરનું શટર તોડી પ્રવેશવાનો પ્રયાસ અંદર કાચના દરવાજાને કારણે નિષ્ફળ રહ્યો હતો. આ અગાઉ હિદાયતુલા સોસાયટીમાં રીક્ષાની ડીકી તોડવા પ્રયાસ કરાયો હતો. આમ એક રાતમાં એક સાથે સાત સ્થળોએ તસ્કરે હાથ ફેરો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર મામલે સોમવાર સાંજ સુધી પોલીસમાં કોઈ ફરીયાદ નોંધાવા પામી નથી. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી. અને તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી હતી.
