નડિયાદ: નડિયાદ શહેરમાં પોલીસ લાઈનની બરાબર સામે એક કોમ્પ્લેક્ષમાં આવેલ મોબાઈલની દુકાનમાં ગત મોડી રાત્રીના સમયે તસ્કર ટોળકી ત્રાટકી હતી. ગણતરીની મિનીટોમાં જ આ તસ્કર ટોળકી દુકાનમાંથી લાખો રૂપિયાની કિંમતના ૪૫ કરતાં વધુ બ્રાન્ડેડ કંપનીના મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. દુકાનમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી. પોલીસે સીસીટીવી ફુટેજને આધારે તસ્કર ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
નડિયાદ ટાઉન પોલીસમથકથી માત્ર ૧૦૦ મીટરના અંતરે તેમજ પોલીસ લાઈનની બરાબર સામે પ્લેટીનમ પ્લાઝા નામનું એક કોમ્પ્લેક્ષ આવેલ છે. આ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર મેટ્રો મોબાઈલ નામની એક દુકાન આવેલી છે. ગત રવિવારના રોજ રાત્રીના સમયે દુકાન બંધ કરી તેના મેનેજર અને સ્ટાફ પોતપોતાના ઘરે ગયાં હતાં. જે બાદ રાત્રીના સમયે ત્રાટકેલી તસ્કર ટોળકીએ મેટ્રો મોબાઈલની દુકાનનું શટર તોડી તેમાં પ્રવેશ કર્યો હતો અને ગણતરીની મિનીટોમાં જ લાખો રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરી છુમંતર થઈ ગયાં હતાં.
બીજા દિવસે એટલે કે સોમવારના રોજ સવારના સમયે વહેલી સવારે દુકાનના મેનેજર નિત્યક્રમ મુજબ પોતાની દુકાને પહોંચ્યાં હતાં. તે વખતે તેમની દુકાનનું શટર તુટેલી હાલતમાં અને દુકાનમાંનો સામાન વેરવિખેર પડેલો હોવાથી દુકાનમાં ચોરી થઈ હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. જેથી દુકાનના મેનેજરે સૌપ્રથમ પોતાની દુકાનમાં લગાવાયેલાં સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ્યાં હતાં. જેમાં રાત્રીના અઢી વાગ્યાના અરસામાં તસ્કર ટોળકીમાં સામેલ ૧ નાના બાળક સાથે ૩ મહિલાઓ અને ૩ પુરૂષો દુકાનની બહાર આવ્યાં હતાં. જે પૈકી મહિલાઓએ દુકાનની બહાર સુઈ જવાનો ઢોંગ કરી પહેરો કર્યો હતો.
જ્યારે બાકીના તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશી મોબાઈલ ફોનની ચોરી કર્યા બાદ ટોળકી નગરપાલિકા તરફના માર્ગે ચાલતાં-ચાલતાં જતાં રહ્યાં હોવાના દ્દશ્યો નજરે પડ્યાં હતાં. દુકાનના મેનેજરે પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ પોલીસમાં કરતાં નડિયાદ ટાઉન અને એલસીબી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળની તપાસ તેમજ મેનેજરની પુછપરછ કરી હતી. જેમાં દુકાનમાંથી લાખો રૂપિયાના ૪૫ કરતાં વધુ બ્રાન્ડેડ કંપનીના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે, દુકાનમાં મંગાવેલ સ્ટોક, વેચાણ થયેલ સ્ટોક અને હાલનો બાકી રહેલા સ્ટોકની ગણતરી બાદ જ ચોરીનો આંકડો બહાર આવશે. હાલ પોલીસે ફુટેજને આધારે તસ્કર ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.