અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshawar) નવા બોરભાઠા (BoarBhatha) ગામના મુખ્ય માર્ગની બાજુમાં આવેલી શિવ જ્વેલર્સની (Jewelers) દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. શોપની બહારના સીસીટીવી (CCTV) કેમેરાને તસ્કરોએ પલટાવી નાખી શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શટર તૂટ્યું ન હતું. ઇકો કાર લઈને આવ્યા હતા ને ખાલી હાથ પાછા ફર્યા હતા. આ અંગેની જાણ જ્વેલર્સ શોપના માલિક શિવભાઈ મરાઠાને થતા તેઓ દોડી આવ્યા હતા અને સીસીટીવી ચેક કરતા બે તસ્કરો (Smugglers) દેખાયા હતા. તેમણે શહેર પોલીસને (Police) જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધઈ નથી.
‘તારું મકાન અમને કેમ આપતો નથી’ કહી ભરૂચમાં ચાર શખ્સોનો મકાનમાલિક પર હુમલો
ભરૂચ: ભરૂચના લોઢવાડનો ટેકરો દાંડિયાબજારમાં રહેતા ૪૫ વર્ષીય નરેશભાઈ કિશનભાઈ કહાર મંડપ ડેકોરેશનનું કામ કરે છે. તા.૧૧ માર્ચે રાત્રે મધરાત્રે ભરૂચ જલધારા સોસાયટી, GIDC પાસે રહેતા કૃપેશ ઉર્ફે ઉમેશ શંકરભાઈ કહારે આવીને નરેશભાઈને ઊંઘમાંથી ઉઠાડીને ‘તારૂ મકાન અમને આપી દે.’ એમ કહીને ગાળો આપી લોખંડનો પાઈપ નરેશભાઈના માથામાં મારી દીધો હતો. કૃપેશ સાથે આવેલા મનોજ શંકર કહાર હાથમાં તલવાર હતી, તેનો છોકરો રિષી મનોજભાઈ કહાર અને યુગ મનોજભાઈ કહારએ ઢીકાપાટુંનો માર માર્યો હતો. નરેશભાઈનો ભાઈ વચ્ચે પડી છોડાવ્યા હતા. હુમલો કરનારાઓએ ધમકી આપી કે ‘અમને મકાન નહિ આપે તો તારા ટાંટિયા તોડી નાંખીશું.’ નરેશને ઈજા થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જે બાબતે એ-ડીવીઝનમાં કૃપેશ કહાર સહીત ચાર ઈસમોની વિરૂદ્ધ મારામારી અને ધમકી આપવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
અડદા ગામેથી વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે 2 ઝડપાયા
નવસારી : નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે અડદા ગામેથી ૨૫ હજારની વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે 2ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે અડદા ગામ પી.એચ.સી. થી આશરે 200 મીટરના અંતરે ખડસુપા તરફ જતા મેઈન રોડ ઉપરથી એક ટેમ્પો (નં. જીજે-19-વાય-0542) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 25,200 રૂપિયાની વિદેશી દારૂની 252 નંગ બાટલીઓ મળી આવતા ગણદેવી તાલુકાના ખાપરવાડામાં રહેતા વિનોદભાઈ બાવાભાઈ પટેલ અને સુરતના પુનાકુંભારિયા ગામ વાંસફોડા ચાલમાં. સોહમ કોમ્પ્લેક્ષની સામે રહેતા સનીભાઈ હસમુખભાઈ વાંસફોડાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 4 લાખનો ટેમ્પો અને 8 હજાર રૂપિયાના ૨ મોબાઈલ મળી કુલ્લે 4,33,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.