વાપી : વાપીમાં (vapi) નામધા તેમજ ડુંગરામાં જુદા જુદા મંદિરની (temple) દાનપેટી (Donation Box) તોડીને ચોરી (Theft) કરનાર તસ્કરને એસઓજીની (SOG) ટીમે ઝડપી પાડી છેલ્લા એક વર્ષમાં દસ જેટલા મંદિરની દાનપેટી તોડીને થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. વાપીમાં તાજેતરમાં નામધા તેમજ ડુંગરા કોલોનીના મંદિરોમાં દાનપેટી તોડીને ચોરી થઇ હતી. જેના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે દાનપેટી તોડીને ચોરી કરતા ડુંગરા દિલીપનગરની ચાલમાં રહેતો નઈમ મોહબ્બત અલીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે પ્રાથમિક પૂછપરછમાં દાનપેટી તોડીને ચોરી કરતા શખ્સ નઈમ અલીએ એક વર્ષમાં વાપી તેમજ ભીલાડ અને પારડી વિસ્તારમાં ૧૦ મંદિરની દાનપેટી તોડીને ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. તેના રૂમની તપાસમાં એ વાત પણ જાણવા મળી છે કે મંદિરની દાનપેટી તોડીને ચોરી કર્યા બાદ એ રૂપિયા તેના વતન યુપીમાં મોકલી આપતો હતો. લગભગ ૬૦ હજાર રૂપિયા મની ટ્રાન્સફરથી મોકલી આપ્યા હતા.
જેની સ્લીપ પણ પોલીસે કબ્જે લીધી છે. મિસ્ત્રીનું કામ કરતા આ શખ્સ જે મંદિરની દાનપેટી તોડીને ચોરી કરવાનો હોય તે જગ્યાએ સવારે જઇને રેકી કરી આવતો. ત્યારબાદ રેલવે સ્ટેશન પર જઇ સૂઇ જતો રાત્રે બેથી ત્રણ લાગ્યાના અરસામાં મંદિરમાં પ્રવેશી હેક્સો મશીનથી દાનપેટીનું તાળું તોડીને દાનપેટીમાંથી ચોરી કરતો હતો. રાત્રે જ્યારે નીકળતો ત્યારે સ્કૂલ બેગમાં ઘરફોડ કરવાના સાધનો લઇને સાંજે સાતેક વાગે ઘરેથી નીકળી જતો. ત્યારબાદ રેલવે સ્ટેશન પર સૂઇ જઇ રાત્રે મંદિરની દાનપેટી તોડી પૈસા લઇ આવીને મની ટ્રાન્સફરથી પૈસા વતન મોકલી આપતો હતો.
પોલીસે તેની પાસે દાનપેટી તોડવાના વિવિધ સાધનો તેમજ મોબાઇલ ફોન, મની ટ્રાન્સફર કર્યા હોય તેવી ૨૪ સ્લીપ, કાંડા ઘડિયાળ સાથે કુલ રૂપિયા ૧૦,૭૮૦ કબજે લીધા હતા. વાપી, પારડી તથા ભીલાડના સાત ગુના ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. એસઓજીના પીઆઇ વી.બી.બારડના માર્ગદર્શનમાં પીએસઆઇ કે.જે.રાઠોડ, એલ.જી.રાઠોડ તથા સ્ટાફના પ્રવિણ કિરસન તથા અરૂણ સીતારામ સહીતની ટીમે આ તસ્કરને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.