National

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની કાર આગળ એક વ્યક્તિએ કૂદકો માર્યો, આ કારણ સામે આવ્યું

રાયબરેલીઃ કેન્દ્રીય મંત્રી (Minister) અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીની સુરક્ષામાં (Security) મોટી ખામી સામે આવી છે. સ્મૃતિ ઇરાની જ્યારે અહીંના કુંવર મઢ ગામે પહોંચ્યા ત્યારે અચાનક એક વ્યક્તિ તેમની કારની (Car) આગળ કૂદી ગયો હતો. જોકે સુરક્ષા કર્મીઓ આ બાબતને લઈ તુરંત એલર્ટ થઈ ગયા હતા. પોલીસે તરત જ તે વ્યક્તિને ધરી લીધો હતો. બીજી તરફ એ વ્યક્તિ દ્વારા કારની સામે કૂદકો મારવાને લઈને જે કારણ સામે આવ્યું છે તે ચોંકાવનારું છે.

સ્મૃતિ ઇરાની શુક્રવારે કુંવર મઢ ગામની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન એક આઉટસોર્સિંગ કાર્યકર મંત્રીની કારની સામે કૂદી પડ્યો હતો. જાણવા મળ્યું હતું કે નોકરીમાંથી કાઢી મુકવામાં આવતા રોષે ભરાયેલા કર્મચારીએ આ પગલું ભરીને જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. જોકે પોલીસે તરત જ તે વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. બીજી તરફ કારમાંથી નીચે ઉતરીને કેન્દ્રીય મંત્રીએ કર્મચારીની ફરિયાદ સાંભળી હતી અને તે વ્યક્તિનો મેડિકલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

જણાવી દઈએ કે નગર પંચાયત પાર્ષેદપુરમાંથી આઉટસોર્સિંગ હેઠળ મૂકવામાં આવેલા 14 કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. જેના કારણે તમામ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. યુવક ધીરેન્દ્ર સિંહ પ્રયાગરાજનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તે પાર્ષેદપુર નગર પંચાયતમાં જ કામ કરી રહ્યો હતો. તેને 5 મેના રોજ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રીના આગમનની જાણ થતા તમામ કર્મચારીઓ કુંવર મઢ ગામે પહોંચ્યા હતા. ત્યાં અચાનક ધીરેન્દ્ર કુમારે સ્થળથી થોડે દૂર મંત્રીની કારની સામે કૂદકો માર્યો હતો. જોકે સદ્દભાગ્યે એ સમયે કારની સ્પીડ ધીમી હતી અને ડ્રાઈવરે ઝડપથી બ્રેક લગાવીને કાર રોકી હતી. જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ત્યારબાદ કારમાંથી બહાર આવી સ્મૃતિ ઇરાનીએ તમામ કર્મચારીઓની ફરિયાદ સાંભળી હતી.

Most Popular

To Top