વડોદરા: એક અંદાજ પ્રમાણે તમાકુ જન્ય રોગોથી વિશ્વમાં વર્ષે 80 લાખ મોત થાય છે જે પૈકી 12 લાખ નિર્દોષ લોકો અન્ય દ્વારા ધૂમ્રપાન થી થતી અસરો થી મૃત્યુ પામે છે. ધૂમ્રપાન કરનારાઓમાં ગંભીર કોવિડ અને તેનાથી મરણની શક્યતા 50 ટકા વધી જાય છે. તમાકુ ન ખાનારાઓ ને પણ કેન્સર થાય છે પરંતુ તમાકુના સેવનને લીધે કેન્સર થવાની શક્યતા ઘણી વધી જાય છે.
કોરોના કટોકટી અને તમાકુ સેવનની આડઅસરો ને જોડતા સયાજી હોસ્પિટલના રેડીએસન ઓનકોલોજી વિભાગના વડા ડો.અનિલ ગોયલ જણાવે છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને ગંભીર કોવિડ અને તેના થી મૃત્યુ ની સંભાવના 50 ટકા વધી જાય છે કારણકે ધૂમ્રપાન ને લીધે આવા લોકોના ફેફસાં ઓલરેડી અસર પામેલાં હોય છે.તેઓ કહે છે કે અમારે ત્યાં કેન્સરની સારવાર લેવા આવનાર ની પહેલી પૂછપરછ તેમની તમાકુ સેવનની આદત અંગે કરવામાં આવે છે.
તેમના જણાવ્યા પ્રમાણે તમાકુ ખાવા કે ધૂમ્રપાન કરવા થી મોઢા,ગલોફા, તાળવા કે જડબા અને ગળાના કેન્સર ઉપરાંત શ્વાસ નળી, અન્ન નળી, સ્વરપેટી ના કેન્સર સીધે સીધા થાય છે. તે ઉપરાંત પિત્તાશય, મહિલાઓમાં ગર્ભાશય, સર્વિક્સ, પેશાબની કોથળીનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. ગુટખારૂપે કે અન્ય રૂપે ચાવીને, છીંકણીના રૂપમાં તમાકુનું સેવન કરનારી મહિલાઓની સંખ્યા લગભગ પુરુષો જેટલી જ છે. તમાકુના ઘાતક તત્વો શરીરમાં શોષાઈ ને લગભગ તમામ અંગોના ન્યુક્લિયસ અને ડી.એન.એ.ને પણ દૂષિત કરે છે.
કેન્સર એક એવો રોગ છે જે વિવિધ કારણોથી થાય છે. ગયા વર્ષે અમારા વિભાગમાં કેન્સરના અંદાજે 350 જેટલા કેસો આવ્યા જે પૈકી લગભગ 300 કેસોમાં તમાકુ જવાબદાર જણાયું.ગર્ભાશયના કેન્સરના લગભગ 40 કેસોમાં થી 30 માં અને ફેફસાના કેન્સરના અંદાજે 50 માં થી 40 કેસોમાં તમાકુનો પ્રભાવ કારણભૂત જણાયો છે.