સુરતઃ આર્થિક ભીસ અને પારિવારિક કંકાશને પગલે પત્ની અને માસુમ પુત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ માતા – પિતા પર જીવલેણ હુમલો કરનાર સ્મિત જીયાણી વિરૂદ્ધ સમાજથી માંડીને શહેરીજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લાં પાંચ દિવસથી પોલીસને જોતાં જ નાટક કરી રહેલા સ્મિત જીયાણી તપાસમાં કોઈ પ્રકારનો સહયોગ આપી રહ્યો નથી.
આજે સંભવતઃ સ્મિતને હોસ્પિલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતાઓ વચ્ચે વધુ એક વખત તેણે બાથરૂમમાં આપઘાતનો પ્રયાસ કરતાં તબીબોથી માંડીને પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. બાથરૂમમાં વેન્ટિલેશન માટે મુકવામાં આવેલા કાચ વડે પોતાના પર જ હુમલો કરવાને કારણે હાલ તબીબો દ્વારા તેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણામાં સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઓનલાઈન વેપાર કરતાં સ્મિત જીયાણીએ ગઈ તા. 27મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે નિંદ્રાધીન પત્ની હિરલ અને માત્ર ચાર વર્ષના માસુમ પુત્ર ચાહિતના ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બાજુના રૂમમાં સુઈ રહેલા માતા અને પિતા પર પણ આડેધડ ચપ્પુના ઘા ઝીંકીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
જો કે, માતા વિલાસબેન સમયસુચકતા વાપરીને ઘરની બહાર નીકળી જતાં પડોશીઓને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બીજી તરફ પરિવારજનો પર યમ બનીને તુટી પડેલા સ્મિતે બાદમાં પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ દ્વારા માતા વિલાસબેન અને પિતા લાભુભાઈ સહિત સ્મિતને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગત રોજ પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે માતાને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હજી પણ તેમને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
અલબત્ત, સ્મિતની તબિયતમાં સુધારો થવા છતાં પોલીસ તપાસમાં સહયોગ આપવાને બદલે તે રીઢા ગુનેગારને શરમાવે તેમ નાટક કરી રહ્યો હતો. આજે સંભવતઃ તબીબો દ્વારા સ્મિતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે અને પોલીસ દ્વારા તેને રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ હતી.
જો કે, પોલીસ તપાસથી બચવા માટે સ્મિત દ્વારા આજે વધુ એક વખત આપઘાતનું નાટક કર્યું હતું. સવારે બાથરૂમમાં જઈને વેન્ટીલેશન માટે મુકવામાં આવેલા બારીના કાચ વડે પોતાના ગળાના ભાગ પર ઈજાઓ પહોંચાડતા હોસ્પિટલનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો. તબીબો દ્વારા તાત્કાલિક તેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે ઘટના અંગે જાણ થતાં જ પીઆઈ મીનાબેન ઝાલા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે ધસી ગયો હતો.