સુરત: સ્મીમેર હોસ્પિટલ (SMIMMER HOSPITAL)ના સત્તાધીશોની ગંભીર બેદરકારી (NEGLIGENCE) છતી થઇ છે. સ્મીમેર પ્લસ હોસ્પિટલમાં દાખલ દર્દીનું મૃત્યુ (PATIENT DEATH) થતા સ્ટાફે અન્ય કોઇ દર્દીના ઓરિજનલ ડોકયુમેન્ટ (DOCUMENTS)ની ફાઈલ મૃતક દર્દીના પરિવારજનોને સોંપી દીધી હતી. જેના કારણે આજે મૃતક દર્દીના પરિવારે મનપામાં આ મામલે ફરિયાદ કરી છે. આ ઘટના આજે સ્મીમેરના સત્તાધીશો સુધી પહોંચતા દર્દીના પરિવારનો સંપર્ક કરી ઓરિજનલ ડોકયુમેન્ટ જમા કરાવવા મૃતક દર્દીના સગાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સાથે પરિવારે આક્ષેપ કર્યો હતો કે, દર્દી માનસિક રોગી હતું અને તેની દવાને સ્મીમેરના તબીબોને આપવામાં આવી હતી તેમ છતાં તબીબોએ આ દવા દર્દીને આપી ન હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના વતની અને હાલ કતારગામ બાળાશ્રમ પાછળ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા 47 વર્ષીય રતીલાલ ખીમજી કાતરીયા હાલ માનસિક રોગી હતાં. તેઓને રાત્રે ઉંઘ ન આવતી હોવાને કારણે તેઓ રાત્રે ઉંઘની દવા લેતા હતા. તેઓની તબિયત લથડતા તેઓને ગત તારીખ 19 એપ્રિલના રોજ પરિવારજનો સ્મીમેર હોસ્પિટલમાં લઇ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. જયાં આરટીપીઆર (RT-PCR) કરાવતા તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેઓનું 26મી તારીખે રાત્રે તેઓને વેન્ટિલેટર (VENTILATOR) પર લેવા પડ્યા હતા અને 10થી 20 મિનિટમાં જ તેઓનું મૃત્યુ થયું હતું.
તે દિવસે સ્મીમેરના સ્ટાફ દ્વારા પરિવારનો સંપર્ક કરી મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ સ્ટાફે અગાઉ 19મી તારીખે મૃત્યુ પામેલા હીરાલાલ કલ્યાણભાઇ સોનાણી નામના દર્દીના ઓરિજિનલ ડોકયુમેન્ટ કાતરીયા પરિવારનો સંપર્ક કરી સોંપી દીધા હતાં. પરિવારે જે તે દિવસ મૃતકની ચિંતામાં હતા એટલે ડોકયુમેન્ટ જોયા પણ ન હતા. પરંતુ ઘરે ગયા બાદ આ ભોપાળુ બહાર આવ્યું હતું. જેથી આજે પરિવારે ભેગા મળી શહેરના પ્રથમ નાગરિક મેયર, જિલ્લા કલેકટર અને પોલીસ કમિશરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક પગલા લેવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આ ફરિયાદ સ્મીમેર હોસ્પિટલના નોડલ ઓફિસર પુનીત નાયર સુધી પહોંચી ગઇ હતી. જેના કારણે તેઓએ ચાલુ મીટિંગમાં અધિકારીઓને આડે હાથ લીધા હતાં.
સ્મીમેર હોસ્પિટલના સુપ્રિ. ડો. વંદના દેસાઇએ જવાબ આપવાનું ટાળ્યું હતું
આ ગંભીર બેદરકારી બાબતે સ્મીમેર હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. વંદના દેસાઇનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં સુપરી ડો. દેસાઈએ ફોન ઉંચક્યો જ નહોતો અને બાદમાં જ્યારે ઉંચક્યો ત્યારે વાત સાંભળ્યા બાદ નેટવર્ક નહીં આવતા હોવાનું કહી ફોન કટ કરી દીધો હતો. અડધો કલાક બાદ ફરી ફોન કરતા તેઓએ ફોન ઉંચક્યો નહોતો.