સુરત સ્મીમેર હોસ્પિટલ હાલમાં દર્દીઓથી છલોછલ થઇ ગઇ છે. તેમાં પણ ગંભીર દર્દીઓની જગ્યા નહી રહેતા સત્તાધીશો દોડતા થઇ ગયા છે. ગંભીર દર્દીઓ માટે સ્મીમેરમાં વેન્ટિલેટર જ નથી. કોરોનાની ભયાનકતા એ હદે પ્રસરી ગઇ છે કે છેલ્લા ચોવીસ કલાકમાં બસો દર્દીઓ દાખલ થયા છે.
તેમાં સોમવારના રોજ સવાસો દર્દીઓ દાખલ થયા હોવાની વિગત જાણવા મળી છે. મોડી સાંજ સુધી કોરોનાના દર્દીઓ આવતાં જ રહ્યાં હતાં. છેલ્લા 72 કલાકમાં જ સ્મીમેરમાં આવતાં કોરોનાના દર્દીઓમાં 200 ટકાનો વધારો થઈ ગયો છે.
સ્મીમેરમાં ઓક્સિજન ટેન્ટનું પ્રેશર પણ હવે વધતા દર્દીઓ સામે ઘટી રહ્યું છે. બીજી તરફ હોસ્પિટલના ચોથા અને પાંચમાં માળ સુધી ઓક્સિજનનું પ્રેશર વધી શકતું નથી. જેના કારણે પણ વેન્ટિલેટર સહિતના દર્દીઓને રાખવા માટે જગ્યા ખૂટી રહી છે.
આ તમામમાં વેન્ટિલેટર નહી હોવાને કારણે જે ગંભીર દર્દીઓ આવતા હતા તે લોકોને જે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હોય તે એમ્બ્યુલન્સમાં રાખેલા વેન્ટિલેટર સાથે જ બે થી ચાર કલાક સુધી રાખવા પડ્યા હતાં. આમ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવાની નોબત આવી ગઇ હતી.
સ્મીમેરમાં વેન્ટિલેટરના દર્દીઓ વધતા ઓક્સિજનનો ઉપયોગ 17 ટન સુધી પહોંચ્યો
સ્મીમેરમાં દર્દીઓ કુદકેને ભુસકે વધી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. જેના કારણે તબીબોએ ઓકિસજનની તાબડતોબ વ્યવસ્થા ઉભી કરવી પડી રહી છે.
એક સમય એવો હતો કે સ્મીમેરમાં દરરોજ 5 ટન જેટલું ઓક્સિજન દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. પરંતુ કોવિડ-19ના કેસની વધવા સાથે ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના કારણે ઓક્સિજનનો ખુબ વધારો થયો છે. સ્મીમેરમાં હાલના કોવિડના સમયગાળા દરમિયાન દરરોજ 17 ટન જેટલો ઓક્સિજનનો વધારો થયો છે.
દર્દીઓ વધતા મલ્ટિલેવલ પાર્કિંગનો બીજો માળ શરૂ કરવો પડ્યો
સ્મીમેરમાં દરરોજ 100થી 150 જેટલા કોવિડના લક્ષણો ધરાવતા દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. જેના કારણે સ્મીમેરના તબીબો દ્વારા તાબડતોબ વ્યવસ્થા ઉભી કરવી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં સ્મીમેર હોસ્પિટલમાં 145 દર્દીઓ દાખલ થયા છે. જેના કારણે તબીબોએ સોમવારે સવારે મલ્ટિલેવલ પાર્કિંગનો બીજો માળ શરૂ કર્યો હતો અને ત્યાં દર્દીઓને ખસેડવાની વ્યવસ્થા કરી હતી.