સુરત (Surat) : સાત વર્ષમાં સંખ્યાબંધ લોકોની કારકિર્દી ખરાબ કરનારી સ્મીમેરની (SMIMER) ઓર્થોપેડિક અને સર્જરીની એમએસ ફેકલ્ટીમાં હવે સાઉથ ઇન્ડિયન ફિલ્મ જેવી જ સ્ટોરી બહાર આવી છે. હવે આ ફેકલ્ટીનો ભોગ બનેલા એક પછી એક લોકો બહાર આવી રહ્યા છે. એમએસ પૂરૂ કરનાર એક મહિલા તબીબ (Female Doctor) સાથે એક વર્ષ પહેલા જે ઘટના બની હતી તે ચોંકાવનારી છે તેવી ચર્ચા તબીબી આલમમાં ચાલી રહી છે. અત્યાર સુધી જે લોકો ફરિયાદ કરતાં બહાર આવતા ડરતા હતા તે લોકો હવે ખૂલીને બહાર આવી રહ્યા છે. તેમાં હોટલ જીંજરમાં રોકાયેલા એક એકઝામિનરને ગુડ નાઇટ કીટ (Good Night Kit) આપવા માટે રાત્રે એક વાગ્યે લેડીઝ જૂનિયર રેસીડન્ટને જવા માટે જણાવ્યું હતુ. આ મામલે આ લેડીઝ રેસીડન્ટ દ્વારા તેમના પિતાને જાણ કરવામાં આવી હતી કે તેઓને સિનિયર રેસિડન્ટ તેમના એકઝામિનર પાસે જવા માટે દબાણ કરે છે. દરમિયાન આ યુવતીના ચાલાક પિતાએ જાતે જઇને ગુડ નાઇટ આપી આવ્યા હતા. આ મામલે સ્થાનિક સ્તરે ફરિયાદ કરવામાં આવી હતી. એક વર્ષ પહેલા આ ઘટના પણ દબાવી દેવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.
છેલ્લા સાત વર્ષથી આ રીતે સંખ્યાબંધ વિવાદો સ્મીમેરની ફેકલ્ટીમાં ચાલી રહ્યા છે. તેમાં કરોડપતિના નબીરાઓને બચાવવા માટે અહી ફેકલ્ટીના ટ્યુટર્સની ભૂમિકા શંકાના દાયરામાં આવી હોવાની ચર્ચા છે. આમ આ આખા પ્રકરણમાં સાત વર્ષથી ગંભીર પ્રકારે રેગિંગ (Raging) થઇ રહ્યુ છે તેમાં ટયૂટરોની ભૂમિકા વિવાદીત બની છે.
સ્થાયી સમિતી ચેરમેન પરેશ પટેલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા
જે રીતે ઓર્થોપેડીક અને સર્જરીમાં ગંભીર આક્ષેપો હવે બહાર આવી રહ્યા છે ત્યારે આ ઘટનાઓની તલસ્પર્થી તપાસ કરવા માટે સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે સ્મીમેરના હર્તા કર્તાઓને પણ વોર્નિંગ આપવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.
સ્મીમેરમાં આ રીતે રેગિંગ કરાતું
- લેડિઝ તબીબોને રાત્રે 12 વાગ્યે પાનના ગલ્લા ઉપર સિગરેટ લેવા મોકલવામાં આવતી હતી.
- સ્ટોપ વોચ ગોઠવીને જૂનીયર તબીબોને એક કલાક સુધી ચાર માળ ઉતર ચડ કરાવવામાં આવતા હતા.
- ચાર દાદર ચડવા અને ઉતરવા માટે માત્ર દોઢ મિનીટનો સમય આપવામાં આવતો હતો
- જૂનિયર પાસેથી રૂમની ચાવી લઇ લેવામાં આવતી હતી ઉપરાંત કેમ્પસની બહાર ઊભા રખાતા હતા.
- આ જૂનિયર તબીબો તેમના રૂમમાં નહીં પણ દર્દીઓ સાથે નહાવા અને રહેવાની ફરજ પડાતી હતી.